Apr 16, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-142



"કારણ" વગર "કાર્ય" ની ઉત્પત્તિ થતી નથી,અને સ્વપ્નમાં સહકારી(સહકાર આપનાર) "કારણ" નો અભાવ છે,આથી સંવિત (સત્ય) તથા સ્વપ્ન ના પદાર્થ નું "જુદા-પણું" છે -એમ કહેવું નિરર્થક છે.

જેવી રીતે સ્વપ્ન (અવસ્થા) છે તેવી જ રીતે જાગ્રત (અવસ્થા) છે એમાં કોઈ સંશય નથી.કારણકે-
સ્વપ્ન માં જેમ અસત્ નગર દેખાય છે-તેમ સૃષ્ટિ ના આરંભમાં અસત્ જગત જણાય છે.
સ્વપ્ન માં જોયેલો અર્થ સાચો થવાને યોગ્ય નથી,કારણકે-સંવિત (સત્ય-જ્ઞાન) ને નિત્ય "સત્-પણું" છે,
અને સ્વપ્ન ના અર્થ ને નિત્ય  "અસત્ય-પણું" છે.

જેમ સ્વપ્ન માં જોયેલો પર્વત ક્ષણ-માત્રમાં આકાશ-રૂપે થઇ જાય છે,અને  ક્રમે કરીને બોધ થયા પછી.
તે બધું ખોટું જણાય છે.તેમ "અમુક માણસ નું મરણ થયું" એવું પાસે ઉભેલાઓ જે જુએ છે,
તે પોતાના "અજ્ઞાનથી કલ્પેલા દેહ" થી જ જોવામાં આવે છે.
આથી,આ સંસારમાં જે "દ્વૈત-દૃષ્ટિ" છે-તે મોહથી છે-તેથી એ સંસાર મિથ્યા છે.

ઇન્દ્રજાળ જેમ માયાથી ભ્રાંતિ-રૂપે જણાય છે,તથા,સ્વપ્નમાં જેમ અસત્ પદાર્થ નો અનુભવ થાય છે-
તેમ આ પ્રપંચ (માયા) પણ ભ્રાંતિ-રૂપ જ છે.
મરણ ની મૂર્છા થયા પછી,"ભ્રમ-દૃષ્ટિ-વાળા-પુરુષને" (પોતાનામાં) દૃઢ થયેલા "સંસ્કાર નો ઉદય" થવાથી-
"સ્વપ્ન ના અનુભવ ની જેમ" જે જે "પ્રત્યક્ષ" સર્ગ નો અનુભવ થાય છે-
તે તે ઝાંઝવાના પાણી જેમ મિથ્યા છે,અને આ રીતે જ આવું "આતિવાહિક-દેહ" માં "મનોમય" કહેવાય છે.

(૫૮) પદ્મરાજા નું સજીવન થવું

વશિષ્ઠ કહે છે કે-હે રામ,જેમ વન-વાયુ ના વેગ ને  રોકે છે-
તેમ સરસ્વતીએ વિદુરથ ના જીવ ને સંકલ્પ વડે રોકી દીધો.

લીલાદેવી -સરસ્વતી ને કહે છે કે-આ રાજા (પદ્મરાજા) શબ-રૂપે રહ્યા અને હું સમાધિમાં રહી,
તેને કેટલો સમય થયો? અને મારા દેહનું શું થયું હતું? તે મને કહો.

સરસ્વતી કહે છે કે-આ પ્રસંગ ને એક મહિનો થઇ ગયો.તારા દેહનું શું થયું -તે હું કહું છું તે સાંભળ.
તું સમાધિમાં રહ્યા પછી,પંદરમે દિવસે તારું શરીર પરસેવાથી ભીંજાઈ ગયું.અને ક્રમે કરીને સુકાયેલા
પાંદડાની જેમ નિર્જીવ થઈને જમીન પર પડી ગયું.આમ તારું શબ જડ અને હિમ જેવું શીતલ થઇ ગયું.
કારભારીઓએ આવીને તારા શરીરને ફરીફરી જોઈને નિશ્ચય કર્યો કે -તું મરી ગઈ છે.

અને તને ઘરની બહાર કાઢી,ચંદનનાં લાકડા ની ચિતા ખડકી તેમાં ઘી સહિત તારા દેહનો અગ્નિદાહ કર્યો.
ત્યાર પછી "રાણી નું મરણ થયું" એવી રીતે ઉંચા સ્વરે પોક મૂકી તારા પરિવારે આકુળતાથી તારી
ઉત્તર-ક્રિયા કરી.હવે પછી તું શરીર સાથે આવી એટલે તે જોઈને
"રાણી પરલોકમાંથી પછી આવી" એમ જાણી લોકોને ઘણું આશ્ચર્ય લાગશે.
હે,પુત્રી,સત્ય-સંકલ્પ થી તારું શરીર આતિવાહિક થયું છે,અને માણસો તને જોઈ ના શકે-તો પણ
લોકો તને આશ્ચર્ય થી જોશે.(મરણ પામેલી લીલા-નવી લીલા તરીકે પાછી આવી છે તે જોઈને )


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE