Jun 8, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-185


જયારે સ્વપ્ન અને ગંધર્વ-નગર (આકાશમાં વાદળથી બનતું નગર) માં દ્વૈત કે એક નથી,છતાં તેમાં પણ
“ભેદ ની કલ્પનાનો વ્યવહાર” છે, ત્યારે,સત્ય અને સંકલ્પ (એ દ્વૈત) ના ઉપદેશના વ્યવહારમાં –
સંકલ્પ નો નાશ કેમ થાય? (એટલે કે સત્ય-માં પણ ભેદની કલ્પનાનો વ્યવહાર છે)
કાર્ય-કારણ,સેવક-સ્વામી,વિષય-અવિદ્યા,સુખ-દુઃખ-વગેરે સર્વમાં ભેદની જે કલ્પના કરવામાં આવી છે -
તે-અજ્ઞાનીઓ ને બોધ માટે જ છે અને તે મિથ્યા છે.અને તેમાં વસ્તુતઃ ભેદ નથી જ.
જ્યાં સુધી જ્ઞાન થયું નથી ત્યાં સુધી દ્વૈત-પણું જણાય છે,પણ જ્ઞાન થયા પછી તે દ્વૈત-પણું મટી જાય છે.
તથા સર્વ શાંત-પણું જણાય છે.
કાળે કરીને બોધ થયા પછી,આદિ-અંત રહિત, અવિભાગ અને અખંડિત એક જ વસ્તુ રહે છે.એમ તમારા જાણવામાં આવશે.અજ્ઞાનને લીધે અને અજ્ઞાનીઓના ઉપદેશ માટે જ ભેદ ની “કલ્પના” કરેલી છે.

વાચ્ય (વાંચવાની વસ્તુ) અને વાચક (વાંચનાર) નો સંબંધ દ્વૈત વિના સિદ્ધ થતો નથી,
પણ તેમાં ય દ્વૈત-પણું તો છે જ નહિ,એટલે છેવટે “મૌન-પણું” પ્રાપ્ત થાય છે.
માટે,તે શાસ્ત્ર વચન (ભેદ ના વચન) પ્રત્યે અનાદર કરીને,
મહાવાક્ય ના અર્થમાં નિષ્ઠા રાખીને જે હું તમને કહું છું તે તમે સાંભળો.

મન ને લીધે ભ્રાંતિ-માત્ર થી આ જગત ઉત્પન્ન થયું છે,અને તે મન જ આ જગતની માયા નો વિસ્તાર કરે છે.
એ હું તમને દૃષ્ટાંત સહિત કહીશ.કે જે સાંભળવાથી આ પ્રત્યક્ષ જણાતું જગત એ ભ્રાંતિ-માત્ર છે -
એમ,તમને નિશ્ચય થશે,ત્યારે તમે વાસનાને દૂર ત્યજી દેશો.
અને સર્વનો ત્યાગ કરીને તમે શાંત-પણાથી આત્મ-પદમાં નિવાસ કરશો.
મારા કહેવાના વાક્યના અર્થમાં તમે સાવધાન રહેજો.
તમે મન-રૂપી રોગની ચિકિત્સા કરવામાં વિવેક-રૂપી ઔષધના લેપ  થી પ્રયત્ન કરજો.
અને તે રીતે પ્રયત્ન કરવાથી,"જગતનું રૂપ માત્ર મન થી જ છે,અનેશરીર વગેરે કઈ છે જ નહિ,"
તેવો તમને નિશ્ચય થશે.

રાગ-દ્વેષ-વગેરેથી કલુષિત થયેલું ચિત્ત જ સંસાર છે,અને ચિત્તમાંથી રાગ-દ્વેષ જયારે વિરામ પામે છે,
ત્યારે સંસારનો નાશ થાય છે.આમ,ચિત્ત એ જ સાધ્ય (સાધનથી સિદ્ધ કરવા યોગ્ય) છે,અને ચિત્ત એ જ
પાલન કરવા યોગ્ય છે.તે જ વિચાર કરવા યોગ્ય છે,અને તે જ વ્યવહાર કરવા યોગ્ય છે.તે જ સંસાર કરવા
યોગ્ય છે અને તે જ ધારણ કરવા યોગ્ય છે.ચિત્ત વિના કોઈ પદાર્થ નથી.પણ ચિત્ત જગત-રૂપી આકાશને
ધારણ કરીને રહ્યું છે.અને તે અહંકારના પ્રવાહની પેઠે કાળે કરીને પ્રકાશ પામે છે.
ચિત્તમાં પણ ચૈતન્ય અને જડ એ બે ભાગ રહેલા છે.તેમાં જે ચૈતન્ય ભાગ છે,તે સર્વ અર્થ ના બીજ-રૂપ છે.
અને જે જડ ભાગ છે,તેથી ભ્રાંતિ-રૂપ જગત જણાય છે.
સૃષ્ટિના આદિમાં પૃથ્વી વગેરે કંઈ છે જ નહિ,પણ જેમ સ્વપ્નમાં પદાર્થ નથી છતાં પણ જોવામાં આવે છે,
તે રીતે પૃથ્વી વગેરે સર્વ બ્રહ્મા ની દ્રષ્ટિએ જોવામાં આવ્યું,તેથી સૃષ્ટિ ઉત્પન્ન થઇ.
દ્વૈત અને એક-પણા ના ભ્રમને આપનારી દ્રશ્યતાને આત્મા જે રીતે પામે છે,તે,હવે પછી હું આખ્યાન દ્વારા કહું છું.
જેમ જળમાં તેલ નું ટીંપુનાખવાથી તે જળમાં ફેલાઈ જાય છે,તેમ જે કથામાં હૃદયને મનોહર લાગે તેવી
યુક્તિ અને ઉપમા હોય તે કથા સાંભળનારના હૃદયમાં ફેલાઈ જાય છે.તથા શંકા મટી જાય છે.

જેવી રીતે ચંદ્રના કિરણથી મંદિરમાં પ્રકાશ થાય છે,તેવી રીતે,પૃથ્વીમાં જે જે કથાઓ છે,જે જે મનોરંજક ગ્રંથો છે,જે જે મનોહર શબ્દો છે,તે સર્વ નો લોક-પ્રસિદ્ધ પ્રમાણ થી તથા દૃષ્ટાંત થી પ્રકાશ થાય છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE