Jun 10, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-187


(૮૬) ઇન્દુ નામના બ્રાહ્મણ ની કથા
સૂર્યદેવતા કહે છે કે-હે,મહાદેવ,”કલ્પ” ના અંતે તમારો  દિવસ અસ્ત થયો,ત્યારે જંબુદ્વિપના એક ખૂણામાં,
કૈલાશ-પર્વત ની તળેટીમાં “સુવર્ણ-જટા” નામના એક દેશમાં મરીચિ-વગેરે તમારા પુત્રોએ પ્રજાના નિવાસ માટે સુખકારી અને સુશોભિત એવા “મંડળ” ની “કલ્પના” કરી.

તે દેશમાં અતિ ધર્માત્મા,બ્રહ્મને જાણનાર,શાંત અંતઃકરણવાળો,કશ્યપ-કુળમાં ઉત્પન્ન થયેલો,
“ઇન્દુ” નામનો બ્રાહ્મણ તેની સ્ત્રી સાથે રહેતો હતો.તેમને કોઈ સંતાન નહોતું.
એટલે બંને એ કૈલાસપર્વત પર જઈને તપ કરવા માંડ્યું.દિવસના છેલ્લા ભાગમાં (સાંજે) એક ચાંગળું પાણી
પીને ઝાડની જેમ સતત ઉભા રહી ને તેમણે ઘોર તપ કર્યું.તે બંને એ તે પ્રમાણે –ત્રેતાયુગ અને દ્વાપરયુગ –
ગયા ત્યાં સુધી વૃક્ષની જેવી વૃત્તિ નો આશ્રય કરીને હાલ્યા-ચાલ્યા વગર ઉભા રહીને તપ કર્યું.
ત્યારે ચંદ્ર-કલાને ધારણ કરનાર મહાદેવ તેમની પર પ્રસન્ન થયા.તે બંને પતિ-પત્નીએ મહેશ્વરને પ્રણામ કર્યા.મહાદેવે કહ્યુંકે-હે,વિપ્ર,હું તમારા પર પ્રસન્ન થયો છું,માટે તમારી ઈચ્છામાં આવે તે વરદાન માગો.
ઇન્દુ-બ્રાહ્મણ કહે છે કે-હે,ભગવાન,મને કલ્યાણ,ગુણ અને આચરણથી શોભતા,મહાબુદ્ધિમાન “દશ” પુત્ર થાય
તેવું વરદાન આપો.એટલે હે,દેવ-દેવેશ,પુત્રના લાભ થી મને શોક રહે નહિ.
મહેશ્વરે ત્યારે “તથાસ્તુ” કહી વરદાન આપી અને ત્યાંથી અંતર્ધાન થયા.
પછી,બ્રાહ્મણ-બ્રાહ્મણી બને સંતુષ્ટ થઇ પોતાને ઘેર ગયાં.યોગ્ય સમયે બ્રાહ્મણીએ દશ પુત્રો નો જન્મ આપ્યો.
પછી જેમ,વર્ષા-ઋતુમાં નવા મેઘની વૃદ્ધિ થાય તેમ,જાત-કર્મ વગેરે બ્રહ્મ-સંસ્કાર પામેલા તે મહા-બળવાન
બ્રાહ્મણ-પુત્રો વૃદ્ધિ પામવા લાગ્યા.સાત વર્ષ ની અવસ્થા થઇ તેટલામાં તો તેમણે શાસ્ત્રો નો અભ્યાસ કરી લીધો.અને પોતાના તેજ થી,જેમ આકાશમાં નિર્મળ ગ્રહ શોભે તેમ શોભવા લાગ્યા.
કેટલાક કાળ પછી બ્રાહ્મણ દંપતીનું શરીર પડી ગયું ને તેમને વિદેહ-મુક્તિ થઇ.માત-પિતાના વિરહથી ખેદ
પામેલા તે દશ ભાઈઓ ઘરનો ત્યાગ કરીને કૈલાસ પર્વતના શિખર પર ગયા.અને ઉદ્વેગ થી વિચાર કરવા લાગ્યા-“આ જગતમાં પરમ કલ્યાણ શું છે? પરમ ઉચિત શું છે? જેથી દુઃખ નથાય તેવું શું છે?
જિંદગી નું મહત્વ શું? ઐશ્વર્ય શું? મહાન વૈભવ શું? પ્રજા કરતાં રાજાની સંપત્તિ વધુ કેમ?
દેશના રાજા કરતાં પણ ચક્રવર્તી રાજા ઉત્તમ મનાય છે,પણ ઇન્દ્રની પાસે તે ચક્રવર્તી રાજાનો કોઈ હિસાબ નથી.ઇન્દ્રનું ઇન્દ્ર-પણું પણ બ્રહ્મા ના એક મુહુર્તમાં લય થાય છે,તો પછી-
કલ્પ સુધી જેનો નાશ થતો નથી તેવું સુખ-રૂપ શું છે?
આ પ્રમાણે સર્વ ભાઈઓ વિચાર કરે છે ત્યારે “મહામતિ” નામના મોટાભાઈએ કહ્યું-કે-
હે,ભાઈઓ,સર્વ ઐશ્વર્ય કે જેનો કલ્પ સુધી પણ નાશ નથી,તેવું,”બ્રહ્મ-દેવ-પણું” એ જ મને પ્રિય છે,બીજું કંઈ નહિ.મોટાભાઈનું વચન સાંભળીને,નાના ભાઈઓએ તે વચન નો “સરસ-સરસ” એમ કહી સત્કાર કર્યો,
અને પૂછ્યું કે-આ બ્રહ્મ-દેવ-પણું કેવી રીતે મળે?
મોટાભાઈએ કહ્યું-તમે બધા હું કહું છું તેમ કરો.જ્યાં સુધી બ્રહ્મ-દેવ-પણું મળે નહિ ત્યાં સુધી,
“હું કમળના આસન પર બેસનાર બ્રહ્મા છું,અને તેજ થી જગત ઉત્પન્ન કરું છું અને તેનો સંહાર કરું છું.”
એ પ્રમાણે ધ્યાન કરવું જોઈએ.
એટલે તે પ્રમાણે દસે ભાઈઓએ બ્રહ્મ-દેવ-પણું મેળવવાની ઇચ્છાથી,ધ્યાન ધર્યું.અને
અંતર-વૃત્તિ થી ચિંતન કરવા લાગ્યા.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE