Jul 2, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-209


(૧૦૦) બ્રહ્મ સર્વ શક્તિવાળું છે તથા બંધન અને મોક્ષ અજ્ઞાન થી જ છે.
વશિષ્ઠ કહે છે કે-હે રામ, આ ચિત્ત (મન) એ બ્રહ્મ ના પરમ-પદમાંથી પ્રાપ્ત થયેલું છે.
પણ,જેમ,સાગરમાંથી ઉત્પન્ન થયેલ તરંગ એ સાગર-મય છે અને સાગર-મય નથી,
તેમ,તે ચિત્ત એ બ્રહ્મ-મય છે અને બ્રહ્મ-મય નથી .એટલે જ્ઞાની ને બ્રહ્મ થી જુદી કોઈ વસ્તુ નથી.
જળ નું “સામાન્ય-પણું” ના જોનાર મનુષ્ય ને જેમ જળ અને તરંગો માં જુદા-પણું જોવામાં આવે છે,
તેમ,અપ્રબુદ્ધ મનુષ્યને તેનું મન જ સંસાર ના ભ્રમના કારણ-રૂપ બને છે.
પણ બ્રહ્મ એ સર્વ-શક્તિમાન,પર,નિત્ય ,પૂર્ણ અને અવ્યય જ છે.
તેમ જ એવી કોઈ વસ્તુ નથી કે જે,બ્રહ્મમાં હોય નહિ.
સર્વ-શક્તિમાન પરમાત્મા જે સ્થળે જેવી ઈચ્છા થાય તે સ્થળે તેવી "શક્તિ" થી પ્રકાશ કરે છે.
હે,રામ,શરીર ની અંદર બ્રહ્મ ની “ચૈતન્ય-શક્તિ” જોવામાં આવે છે.વાયુમાં “સ્પંદ-શક્તિ” રહેલી છે.
પથ્થર માં “જડ-શક્તિ” રહેલી છે,જળમાં “દ્રવ્ય-શક્તિ” રહેલી છે.આકાશમાં “શૂન્ય-શક્તિ” રહેલી છે,
અને સંસાર ની સ્થિતિમાં “અસ્તિત્વ-શક્તિ” (હોવા-પણા ની શક્તિ) રહેલી છે.
વિનાશ માં “નાશ-શક્તિ”.શોક-વાળામાં “શોક-શક્તિ”,આનંદ પામેલાંમાં  “આનંદ-શક્તિ”,
શુરવીરમાં “પરાક્રમ-શક્તિ”,સર્ગ માં “સર્ગ-શક્તિ” અને “કલ્પ” ના અંતમાં “સર્વ-શક્તિ” રહેલી છે.
આ પ્રમાણે,બ્રહ્મ ની "સર્વ-શક્તિ" દશે દિશામાં જણાય (દેખાય) છે.
જેમ વૃક્ષ ના બીજમાં ફળ,પુષ્પ,લતા,શાખા,મૂળ-વગેરે રહેલું છે,તેમ બ્રહ્મ માં સર્વ-જગત રહેલું છે.
બ્રહ્મ માં પ્રતિભાસ ના વશ-પણાથી ચૈતન્ય અને જડ ની વચ્ચે રહેલું જીવ નામનું ચિત્ત દેખાય છે.
જ્યાં સુધી આ તત્વ જાણવામાં આવ્યું નથી ત્યાં સુધી આ જગત ની "કલ્પના" છે.

આત્મા (પરમાત્મા) તો સર્વ સ્થળે રહેનાર છે.તથા તેનું નિત્ય-પ્રકાશ-રૂપ એ શરીર છે.
જેમ,આકાશમાં પીંછાની ભ્રાંતિ થાય છે,તથા જળમાં જેવી તરંગ જોવાની બુદ્ધિ છે,
તેમ, “આત્મા ની મનન કરવાની શક્તિ” ને “મન” કહે છે.
આત્મા માં જીવ તથા મન –એ પ્રતિભાસ ની “કળા-માત્ર” છે.

મનનાત્મક મન ના રૂપ નો જે ઉદય થયો છે,તે પણ બ્રહ્મની “શક્તિ” જ છે.તેથી તે પણ બ્રહ્મ જ છે.
આ જે દૃશ્ય (જગત) વિભાગ જોવામાં આવે છે,તે પણ પ્રતિભાસિક છે,પણ વસ્તુતઃ વિભાગ નથી.
એટલે મન-રૂપ “બ્રહ્મ ની શક્તિ” જ જીવનું કારણ છે.જીવની ચેષ્ટા વગેરે મન ના ધર્મ બ્રહ્મ માં જ છે.
જેવી રીતે પૃથ્વીમાં સર્વ શક્તિ (બીજ-ફળ-પુષ્પ-વગેરે) રહેલી છે તેમ છતાં
તે પૃથ્વી,બીજ,સંસ્કાર અને  દેશ ના ભેદ ની વ્યવસ્થા વડે બીજ-ફળ-પુષ્પ  -વગેરે ને ધારણ કરે છે,
તેવી રીતે બ્રહ્મા માં “સર્વ-શક્તિ” રહેલી છે છતાં,તે "વ્યવસ્થા" માટે સર્વ જુદી જુદી શક્તિ ધારણ કરે છે.
આ જુદા જુદા ભેદ એ મન થી જ બ્રહ્મ માં કલ્પાયેલા છે.માટે તે સર્વ બ્રહ્મ-રૂપ જાણો.
વસ્તુતઃ એક બ્રહ્મ ની જ સત્તા રહેલી છે,જે ઉત્પન્ન થાય છે,સ્થિતિ પામે છે અને નાશ પામે છે-
તે સઘળું વિવર્ત-પણા થી (સૂર્ય ના તાપથી  જેમ મૃગજળ ઉત્પન્ન થાય છે તેમ) બ્રહ્મમાં જણાય છે.
પરમાત્મા નામ-રૂપ થી રહિત છે,છતાં પણ વિચિત્ર રૂપ (કલ્પના) થી પ્રત્યક્ષ જણાય છે.
"કારણ,કર્મ,કર્તા,જન્મ,મરણ અને સ્થિતિ" એ સર્વ બ્રહ્મ ને આધીન છે.
બાકી બીજી બધી કલ્પનાઓ,જેવી કે-લોભ,મોહ,તૃષ્ણા,આસક્તિ-એ કંઈ પણ નથી.
આત્મા (પરમાત્મા) માં વળી આ લોભ-મોહ-તૃષ્ણા-આસક્તિ-વગેરે કેવી રીતે હોઈ જ શકે?

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE