Jul 22, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-227


જ્યાં સુધી આત્માના આવરણ-રૂપ અવિદ્યા અંતઃકરણ માં રહેલી છે
ત્યાં સુધી,સ્વપ્ન ની પેઠે દીર્ઘ સંસારની કલ્પના થયા કરે છે.અને તેને લીધે વિચિત્ર વિભ્રમ થયા કરે છે.
જેમ પારધી ની જાળ,પક્ષીને મોહ પમાડી બંધન કરે છે,
તેમ અવિદ્યા અનેક પ્રકારના પદાર્થથી મનને મોહ પમાડી અને બંધન કરે છે.

હે,રામ,એવું કંઈ પણ નથી કે જે –ઉદ્ધત થયેલી અવિદ્યાથી બની શકે નહિ.
પણ, તે અવિધા સત્તા વગરની હોવા છતાં તેની કેટલી શક્તિ છે તે તમે જુઓ.
માટે જ,તમે વિવેક-બુદ્ધિ થી વિષય-બુદ્ધિ નો વિરોધ કરો,એટલે પ્રવાહ રોકવાથી નદી જેમ સુકાઈ જાય છે,
તેમ,વિષય-રૂપી બુદ્ધિ નો રોધ કરવાથી,મન-રૂપી નદી જેવી અવિદ્યાનું શોષણ થઇ જાય છે.

રામ પૂછે છે-કે-અવિદ્યા વસ્તુત છે જ નહિ,તુચ્છ અને મિથ્યા-ભાવના કરનારી છે,અહો,છતાં જગતને તેણે
આંધળુ  કર્યું છે.તો હે, પ્રભુ,અનંત દુષ્ટ ભ્રમોનો વિલાસ કરનારી,ઉદય અને ક્ષય થી યુક્ત,જન્મ-મરણનાં
દુઃખ આપનારી,મન-રૂપી ઘરમાં બંધાયેલી,એ અવિદ્યારૂપી વાસનાનો-કયા ઉપાય થી નાશ થાય?
(૧૧૪) અવિદ્યા-ક્ષય નો ઉપાય
વશિષ્ઠ કહે છે કે-હે,રામ,સૂર્યનાં કિરણો થી જેમ હિમ-કણ (બરફ ના કણ) નો નાશ થાય છે,
તેમ,આત્માના અવલોકન થી,અવિદ્યા નો નાશ થાય છે.
અને જ્યાં સુધી અવિદ્યાનો નાશ કરનારી અને મોહ નો ક્ષય કરનારી આત્મ-વિદ્યા ઉત્પન્ન થઇ નથી ત્યાં સુધી,
તે અવિદ્યા દેહભિમાની જીવને મહાન દુઃખ-રૂપી કાંટાઓ થી ભરેલી સંસાર-ખીણમાં ઝોલાં ખવડાવે છે.
જેમ,જયારે છાયાને જયારે તડકા નો અનુભવ કરવાની ઈચ્છા થાય છે,ત્યારે છાયાનો જ નાશ થાય છે,
તેમ,અવિદ્યાને જયારે પરમાત્મા નાં દર્શન ની ઈચ્છા થાય છે ત્યારે તે અવિદ્યાનો જ નાશ થાય છે.
એટલે કે-આત્મા નો બોધ થાય ત્યારે અવિદ્યાનો લય થાય છે.
હે,રામ,ઈચ્છા છે –તે જ અવિદ્યા (અજ્ઞાન-કે બંધન) છે,અને ઈચ્છા નો નાશ એ જ મોક્ષ છે.
આવી રીતે “અ-સંકલ્પ-માત્ર” થી (ઈચ્છા વગરના થવાથી) સિદ્ધ થવાય છે.
મન-રૂપી આકાશમાં વાસના-રૂપી રાત નો નાશ થવાથી જયારે ચૈતન્ય-રૂપી સૂર્ય નો ઉદય થાય છે,
ત્યારે તે (ચૈતન્ય કે આત્માના) "વિવેક"ના ઉદય થી,અવિદ્યા લય પામી જાય છે.
રામ પૂછે છે કે-હે,બ્રહ્મન,જે કંઈ અદૃશ્ય છે તે અવિદ્યા છે અને આત્મ-વિદ્યા થી નાશ પામે છે તો –
તે આત્મા નું સ્વરૂપ કેવું છે?
વશિષ્ઠ કહે છે કે-જેને (જેનામાં) વિષય ની વ્યાપ્તિ નથી,જે સામાન્ય રીતે સર્વ સ્થળે રહેનાર છે,
અને જેનું કોઈથી વર્ણન થઇ શકતું નથી,તે "આત્મા કે પરમેશ્વર" કહેવાય છે.
બ્રહ્મા થી આરંભ કરીને તૃણ(તણખલા) સુધી,જે જે પદાર્થ છે તે નિરંતર આત્મા-રૂપ જ છે.
આ જગત બ્રહ્મ-રૂપ છે,નિત્ય છે,ચૈતન્ય-ઘન છે,અને અક્ષત છે,તેમાં બીજી કોઈ કલ્પના થઇ શકે નહિ.
આ જગતમાં કોઈનો યે જન્મ નથી કે મરણ નથી,કે ભાવ-વિકાર ની કોઈ સત્તા નથી,
માત્ર –તે -પરમાત્મા ના આભાસ-રૂપ,અવિદ્યાના આવરણ-રહિત ચૈતન્ય-માત્ર ની જ સતા છે.
આ પ્રમાણે,નિત્ય-શુદ્ધ,ચૈતન્ય-માત્ર,નિરૂપદ્રવ,શાંત,સમાન અને નિર્વિકાર પરમાત્મામાં,
આવરણ-રહિત અવિદ્યા-એ સંકલ્પ કરીને દોડે છે,
અને તેની વિક્ષેપ-શક્તિથી જે ઉત્પન્ન થાય છે,તેણે “મન” કહે છે.
જેમ,જળમાંથી લહરી ઉત્પન્ન થાય છે ,તેમ તે મનમાંથી અનેક પ્રકારના વિભાગની
કલ્પના કરવામાં આવે છે,ત્યારે તે વિભાગો (વસ્તુઓ) ઉત્પન્ન થાય છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE