More Labels

Aug 19, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-255


કાળ કહે છે કે-
ચિત્ત છે તે જ પુરુષ છે,માટે ચિત્તે કરેલું-તે જ કરેલું કહેવાય છે.
અસત્ સંકલ્પની કલ્પનાથી ચિત્તને બંધન થાય છે તથા કલ્પનાનો ત્યાગ કરવાથી ચિત્ત મુક્ત થાય છે.
“આ દેહ છે,આ મસ્તક છે,આ અંગો છે” એવી રીતે અતિ-વિકાર-વાળું મન જ કલ્પના કરે છે.
અને મન પોતાના નિશ્ચય-પણાથી જ એક જીવ (શરીર)માંથી બીજા જીવ (શરીર) ને પામે છે.
આ પ્રમાણે અહંકારથી મન પોતે અનેકપણા ને પામે છે.
બીજાં પાર્થિવ શરીર છે જ નહિ-
તેમ છતાં,મન એ દેહની વાસના કરીને પોતાની ઇચ્છાથી બીજાં પાર્થિવ શરીર જુએ છે.
અને આમ કલ્પના કરનારું,મન જયારે સત્ય-પરમાત્મા નો વિચાર કરે છે,
ત્યારે તે શરીર નું ભાવનાઓનો ત્યાગ કરીને પરમ-નિવૃત્તિ પામે છે.

કાળ,ભ્રુગુઋષિને કહે છે કે-તમે જયારે સમાધિમાં હતા ત્યારે તમારા પુત્ર (શુક્રાચાર્ય) નું મન –
“પોતાના મનોરથથી બનાવેલ માર્ગ દ્વારા” ઈન્દ્રલોકમાં (સ્વર્ગમાં) ગયું,ત્યાં તેમણે અપ્સરા નું સેવન કર્યું.
અને જયારે તેમના પુણ્ય નો ક્ષય થયો ત્યારે પૃથ્વી પર પતન પામ્યા.જુદા જુદા અનેક જન્મોને તે પામ્યા.
ત્યાર પછી, જયારે બ્રહ્મા ની રાત્રિ સમાપ્ત થઇ
ત્યારે વિચિત્ર આરંભ કરનાર સંસારની રચના નો પ્રારંભ થયો.
તેમાં તમારા એ પુત્રની વાસના ચલાયમાન થઇ,બ્રાહ્મણપણા ને પામી.
તેથી આજ સતયુગમાં –પૃથ્વીમાં તેમનો બ્રાહ્મણને ઘેર જન્મ થયો છે,
અને તેમણે સમગ્ર શાસ્ત્રો નું અધ્યયન કર્યું છે.હાલ તે, સમંગા નદીને કિનારે તપશ્ચર્યા કરે છે.
(૧૧) ભૃગુઋષિ અને કાળનો સંવાદ
કાળ કહે છે કે-હે,ભૃગુ,તમારા પુત્રે જટા વધારી છે,રુદ્રાક્ષ ના બેરખા ધારણ કર્યા છે અને
સર્વ ઇન્દ્રિયો ના ભ્રમ ને જીત્યા છે.એવી રીતે સ્થિર તપમાં તેમને આઠસો વર્ષ થયાં છે.
હે,મુનિ તમને તમારા પુત્રને જોવાની ઈચ્છા હોય તો તમે જ્ઞાન-દૃષ્ટિ થી સમાધિ કરીને –તેને જુઓ.
વશિષ્ઠ કહે છે કે-જયારે કાળે તે પ્રમાણે કહ્યું ત્યારે,ભૃગુઋષિએ પોતાના પુત્રનું ચરિત્ર જ્ઞાન-દ્રષ્ટિથી જોયું.
તે સમયે બુદ્ધિ-રૂપી દર્પણમાં પ્રતિબિંબ-રૂપે રહેલું,પોતાના પુત્ર (શુક્રાચાર્ય)નું સઘળું વૃતાંત,
માત્ર એક મુહુર્તમાં તેમના જોવામાં આવ્યું.
પછી પુત્રની ચિંતાનો ત્યાગ કરીને,તેમણે કાળની પાસે રહેલા પોતાના શરીરમાં પાછું અનુસંધાન કર્યું.
અને વિસ્મય થી,આશ્ચર્યકારક દૃષ્ટિ વડે તેમણે કાળના તરફ સ્નેહભરી દ્રષ્ટિ કરી.

પછી રાગ-રહિત થયેલા એવા ભૃગુઋષિ એ કાળ ને કહ્યું કે-
હે,ભગવન,અમારું ચિત્ત રાગ –વગેરે થી મલિન થયેલું છે,માટે અમે અજ્ઞાની છીએ.
જયારે-તમારા જેવાની બુદ્ધિ તો ત્રણે કાળને જાણનારી છે.
અનેક પ્રકારના વિકારથી યુક્ત આ જગતની સ્થિતિ,એ અસત્ય હોવા છતાં સત્ય જણાય છે.
અને તે વિદ્વાન મનુષ્ય ને પણ ભ્રમ પેદા કરે છે.
ઇન્દ્રજાળની પેઠે માયા અને મોહને ઉત્પન્ન કરનારી મનોવૃત્તિ નું રૂપ તો તમે જાણો જ છો.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE