Nov 28, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-356


હે,રામ,ઉત્પન્ન થઈને નાશ પામે તેવી વસ્તુ સત્ય હોઈ શકે જ નહિ.એટલે-આ જગત આભાસ (દેખાવ)-માત્ર છે,અને (તે જગત) ઝાંઝવાનાં પાણી ની જેમ તે સત્ પણ નથી અને અસત્ પણ નથી,પરંતુ અનિર્વચનીય (વર્ણન કે નિરૂપણ કરવું અશક્ય)  જ છે.

જ્યાં સુધી મોક્ષ થયો ના હોય ત્યાં સુધી,
અશાંત ચિત્તને લીધે આ જગત ને સ્પષ્ટ રીતે ગ્રહણ કરવામાં આવતું હોવાથી,
આ જગત પોતાના કાળ (પોતાના આ સમય) માં છે જ-એટલે તે (જગત) અસત્ નથી-
અને મોક્ષના કાળ (સમય) માં તે (જગત) હોતું જ નથી-એટલે માટે તે (જગત) સત્ પણ નથી.
જો,આ જગત મોહની નિવૃત્તિ થયા પછી પણ રહેતું નથી.-તો મોક્ષના કાળમાં તો ક્યાંથી રહે?

હે,રામ,જો જગત-રૂપી મોહ-જાળ -અત્યંત અસત્ જ હોય તો --છોડી દેવાનું કંઈ બાકી રહેતું જ નથી !!
તો પછી,જ્ઞાન થી કોને છોડી દેવાનું?
અને જો જગત-રૂપી-મોહ-જાળ એ અત્યંત સત્ હોય તો---સત્ પદાર્થ તો જ્ઞાનથી ટળતો નથી,
તો પછી જ્ઞાનથી કોને ટાળવાનું?
પણ જો જગત સત્ પણ હોય અને અસત્ પણ હોય તો-જ-જ્ઞાન ની સફળતા થાય છે.
આ ઉપરથી એમ  સિદ્ધ થાય છે કે-
આ જગત એ-રજ્જુ-સર્પ ના (ન્યાય ની) જેમ (ભ્રાંતિથી),અનિર્વચનીય "અધ્યાસ (આરોપ)-રૂપ-સંગ"
"મોહ"  (માયા) થી જ "કારણ-ભૂત" થાય છે.(એટલે કે જગત એ માયા (મોહ) ને કારણે જ છે)

હે,રામ,જો "જગત મુદ્દલે છે જ નહિ" એમ માનો તો-(તે જગતનો) "મોહ" એ કશો પદાર્થ છે જ નહિ,અને
જો "જગત છે" એમ માનો તો-પણ તેમાં (તે નાશવંત હોવાથી) મોહ પામવા જેવી કશી યોગ્યતા નથી
એટલા માટે તમે આકાશની પેઠે,દેહાદિકની જન્મ-મરણ આદિ સ્થિતિઓમાં-
સર્વદા અત્યંત "સમાન અને નિર્વિકાર" જ રહો.

(૬૨) સત્સંગથી તથા પુરુષાર્થ થી ઉત્તમ સ્થિતિ પ્રાપ્ત થાય છે.

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,મોટી બુદ્ધિ-વાળા પુરુષે,"વિચાર" કરવાની ચાતુરી મેળવીને,
તેમ જ દુઃખો ને સહન કરવાની ટેવ પાડીને,
શાસ્ત્રમાં કહેલી પધ્ધતિ પ્રમાણે વિદ્વાન ગુરૂ (કે સત્પુરુષ) ની સાથે પ્રથમ શાસ્ત્ર નો વિચાર કરવો.
પછી,શાસ્ત્રના અર્થના અભ્યાસથી,સુજનોના સંગના અભ્યાસથી અને વૈરાગ્યાદિ-ના  અભ્યાસથી,
સંસ્કાર પામેલો પુરુષ-"સ્વ-રૂપ" ના "જ્ઞાન" ને પાત્ર થઇ-તમારી જેમ શોભે છે.

તમે ઉદાર આચાર-વાળા છે,ધીર છો,ગુણો ના ભંડાર-રૂપ છો અને
મનના (સૃષ્ટિ-રૂપી) મેલ થી રહિત થઈને સુખ થી મુક્ત થયા છો.
તમે સંસારની વાસનાથી મુક્ત થઈને ઉત્તમ જ્ઞાનથી યુક્ત થઈને સ્વચ્છ થયા છો-એમ હું ધારું છું.
તમે ઉત્તમ પદ્ધતિ-વાળા થયા છો,
તેથી તમારી પદ્ધતિને હવે બીજા પુરુષો પણ રાગ-દ્વેષ વિનાની વૃત્તિ થી અનુસરશે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE