Nov 29, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-357

જે પુરુષ નું મન,જો બાહ્ય-પદાર્થો ની ચિંતાથી રહિત થયું હોય,બ્રહ્મ ને પામવાની ચતુરતા-વાળું થયું હોય,અને દ્વૈત ના વિભાગો થી મુક્ત થયેલું હોય-તો તે પુરુષ મુક્ત જ છે.એમાં સંશય નથી.
જે બુદ્ધિમાન પુરુષ,ભલે બહારથી લોકોને અનુસરતા સ્વભાવ-વાળો દેખાતો હોય,પણ મનમાં રાગ-દ્વેષ વિનાનો તે (બુદ્ધિમાન પુરુષ)
જો "જ્ઞાન-રૂપી-વહાણ" માં બેસીને ફરશે તો તે સંસાર-રૂપી-સમુદ્ર ને તરી જાય છે.
જેઓ,શિયાળવાં (શિયાળ) ની જેમ,સ્વાર્થ સાધવાના ડહાપણ થી બીજાઓને ઠગનારા છે,
અને જેઓ બાળક ની જેમ -જે ઈચ્છા થાય તેવું (વગર વિચાર્યે) આચરણ કરનારા છે-
તેમનો મનમાં વિચાર કરવો જ નહિ.
પણ,જે પુરુષ શુદ્ધ,સાત્વિક-જન્મવાળા જીવન-મુક્ત પુરુષો ના સ્વભાવનું સંપાદન (તેમના જેવું આચરણ) કરે છે,
તે જીવનમુક્તપણાને જ પામે છે.અને તેને ફરીવાર જન્મ ધારણ કરવો પડતો નથી.તેનું આ છેલ્લું જ શરીર છે.

કોઈ પુરુષ ભલે રાજસ કે તામસ જાતિ-વાળો હોય,
પણ તે જો સાત્વિક-જાતિઓ-વાળાઓના ગુણો નું સર્વદા સેવન કરે તો-તે સાત્વિક થઇ જાય છે.
જો કે-કર્મોને વશ રહેનારા મનુષ્યો,સઘળા પૂર્વજન્મ ના સંસ્કારોને જ પ્રાપ્ત થાય છે,
તો પણ,મોક્ષ પામવાનો પુરુષાર્થ કરવાનું છોડી દેવું નહિ.
કારણકે-મોટામોટા રાજાઓના સૈન્યો પણ પુરુષાર્થ થી જ જિતાય છે.

તમોગુણ કે રજોગુણ વાળી કોઈ પણ જાતિમાં જન્મ આવ્યો હોય
તો પણ,ધીરજ રાખીને બુદ્ધિને,વિષયોમાંથી બહાર કાઢવી.
એવા સત્પુરુષો વિવેકને લીધે  જ સાત્વિક જાતિને પ્રાપ્ત થઇ શકે  છે.

હે,રામ,ચિત્ત-રૂપી-મણિમાં જેવો રંગ લગાવીએ તેવો રંગ લાગી જાય છે,
એટલા માટે પુરુષાર્થ કરવો એ સફળ જ થાય છે.
ઉત્તમ ગુણ ધરાવતા,મુમુક્ષુ પુરુષો,પુરુષાર્થ થી જ જીવનમુક્તપણાને મેળવીને છેલ્લા શરીર-વાળા થયા છે.

ત્રણે લોકમાં એવું કંઈ પણ નથી કે -ગુણવાન પુરુષ પુરુષાર્થ થી ના મેળવી શકે.
એટલે,બ્રહ્મચર્ય-ધીરજ અને વૈરાગ્ય-રૂપી બળ નો વેગ-એ સર્વ ને યુક્તિ (કે પુરુષાર્થ) થી ગોઠવ્યા વિના -
તમે ધારેલું પામી શકશો નહિ.

હે,રામ,સત્વગુણ ને વધારવાના ઉપાયોમાં-એકાગ્રતા-વાળી બુદ્ધિ વડે-
તમે આત્મજ્ઞાન ને સ્થિર કરીને શોક-રહિત થાઓ.
વિવેક-વાળો અને સદગુણો થી શોભતો આ છેલ્લો જન્મ તમને પ્રાપ્ત થયો છે,
માટે તેમાં જીવનમુક્ત ની પદ્ધતિમાં સ્થિતિ કરો.
આ સંસાર ના સંગ-રૂપી મોહ થી થયેલી ચિંતા તમે તમારા મનમાં સ્થિર કરો નહિ.

સ્થિતિ-પ્રકરણ સમાપ્ત
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE