Jan 17, 2016

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-392

હે,રામ, તમે મનમાંથી સઘળી આશાઓને (તૃષ્ણાને),રાગ (આસક્તિ) દ્વેષને અને વાસનાઓને ત્યજી દો-અને "બહાર"થી સઘળા વ્યવહારને યોગ્ય આચરણ કરતા રહી (અનાસક્તિથી) આ લોકમાં વિહાર કરો.
તમે મન થી સર્વનો ત્યાગ કરી-પ્રૌઢ થઈને "બહાર" થી વર્ણાશ્રમ ના સદાચારો પાળો.લોકો ને સંતોષ આપવા માટે તેમની પદ્ધતિને "યોગ્ય રીતે" અનુસરો-અને નિર્લેપ (અનાસક્ત-કે લેપાયા કે આસક્ત થયા વિના) રહીને જગતમાં વિહાર કરો.
હે,રામ,સંસારની દશાઓનો તથા જ્ઞાનની ભૂમિકાઓનો સંપૂર્ણ રીતે વિચાર કરીને,જે ઉત્તમ પદ છે-તેનું જ તમે ભાવનાથી અવલંબન (આધાર) કરો અને જગતમાં વિહાર કરો.



હે,રામ.તમે મનમાં આશાઓથી રહિત રહો અને બહારથી આશાવાળાના જેવી ચેષ્ટાઓ કરો.
તમે મનમાં અત્યંત શીતળ રહો,અને બહાર જાણે ધનાદિક -તાપ થી તપતા હો તેવો દેખાવ આપો.
અને આમ તમે જગમાં નિર્લેપ-પણાથી વિહાર કરો.


હે,રામ,તમે મનમાં કોઈ જાતનો ક્રોધ આદિનો વેગ રાખો નહિ,પણ બહારથી ક્રોધ-આદિ નો કૃત્રિમ વેગ દેખાડો.
તમે મનમાં અકર્તા રહો,બહાર કર્તા રહો અને નિર્લેપ રહીને જગતમાં વ્યવહાર કરો.
તમે વ્યવહાર-દૃષ્ટિ તથા પરમાર્થ-દૃષ્ટિ થી સર્વ પદાર્થોમાં જે કંઈ સાર-અસાર-પણાનો  ફેરફાર છે-
તેને જાણી ચૂક્યા છો,માટે હવે જેમ તમને યોગ્ય લાગે તેમ જગતમાં સારા વ્યવહારથી વર્તો.  


હે,રામ,તમે મનમાં વ્યવહારના અભિનિવેશ થી અત્યંત રહિત રહીને,બહારથી કૃત્રિમ શોકને,કૃત્રિમ ઉદ્વેગને,
કૃત્રિમ નિંદાને અને બીજા કાર્યોમાં પણ તેવો જ કૃત્રિમ વેગ દેખાડતા રહી,જગતમાં નિર્લેપ-પણાથી વિહાર કરો.
હે,રામ, તમે અહંકારનો ત્યાગ કરીને,બુદ્ધિને અત્યંત ધીરજ ભરેલી રાખી,અને આકાશની પેઠે નિર્લેપ રહીને,
કોઈ પણ જાતના કલંક નો ડાઘ ન લાગે તે રીતે જગતમાં વ્યવહાર કરો.
તમે મનમાં સઘળા આશાઓ-રૂપી પાશોથી છુટા રહી,સર્વ પ્રકારની વૃત્તિઓમાં સમાન બુદ્ધિ રાખી અને
બહારથી વર્ણાશ્રમ-સંબંધી ચાલતાં કાર્યોમાં તત્પર રહીને નિર્લેપ-પણાથી જગતમાં વિહાર કરો.


વાસ્તવિક વિચાર કરતાં,કોઈ પ્રાણીને બંધન થયું નથી અને બંધન-નહિ હોવાને કારણે,મોક્ષ પણ થતો નથી.
આ સંસારની સઘળી સ્થિતિ ઈન્દ્રજાળની પેઠે મિથ્યા જ છે,સઘળું જગત મોહ-માત્ર અને ભ્રાંતિમાત્ર છે,
આત્મા -એ-બંધન ના કોઇપણ જાતના સંભવ વિનાનો છે,એકરૂપ છે અને સર્વમાં વ્યાપક છે.
તેને વળી બંધન થવો કેમ સંભવે? આમ જો,બંધન સંભવતો નથી.તો મોક્ષ કોનો કરવામાં આવે?


આત્મા માં અજ્ઞાનથી થયેલી આ સંસાર-રૂપી મોટી ભ્રાંતિ,આત્મા ના યથાર્થ જ્ઞાનથી નાશ પામી જાય છે.
તમે એકાગ્રતા-વાળી સુક્ષ્મ-બુદ્ધિથી,પોતાનું પૂર્ણતત્વ જાણી ચુક્યા છો અને અહંકારથી રહિત થયા છો,માટે,
મિત્રોની તથા બાંધવો-આદિની સઘળી વાસનાઓને ત્યજી દો.શા માટે ખોટા પદાર્થોની વાસના રાખવી?


તમે વાસનાઓથી અલગ રહીને ધૈર્યવાન થયા છો-એમ અનુમાન થાય છે,
માટે હવે તમારે બ્રહ્મના સાક્ષાત્કારને માટે સૌથી પહેલાં જીવનમુક્ત ના વ્યવહારથી વર્તવું ઘટે છે.
"હું કેવળ આનંદ-સ્વ-રૂપ બ્રહ્મ જ છું" એવી જો ભાવના થઇ તો પછી તમને ભયની સાથે સંબંધ જ નહિ રહે.
"તમે પૂર્વ-જન્મોમાં પણ એના એ  હતા,ભવિષ્યના જન્મોમાં પણ એના એ જ હશો અને આ વર્તમાન માં પણ
એના એ જ છો" એવો જો તમને નિશ્ચય હોય-તો જેમ હમણાં આ જન્મના નિકટના બંધુઓને પ્રાણ સમાન
ગણીને તેમનો શોક કરો છો,તેમ તમે પૂર્વજન્મના ઘણાઘણા બંધુઓનો શોક કરતા નથી?

સર્વ નો શોક કરવો એ બની શકે તેમ નથી,માટે કોઈનો પણ શોક કરવો યોગ્ય નથી.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE