Jan 19, 2016

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-394

જેઓ હલકા ચિત્ત-વાળા છે તેઓ જ "આ બંધુ છે અને આ બંધુ નથી" એવી ભેદ-દૃષ્ટિ રાખે છે,જયારે ઉદાર ચિત્તવાળા પુરુષોની તો પોતાની બુદ્ધિ આવરણ-રહિત થયેલી હોવાથી,સર્વમાં સમ-દૃષ્ટિ જ રાખે છે.

"જેમાં હું નથી તેવું કંઈ પણ નથી,અને જે મારું નથી તેવું પણ કંઈ નથી"
એવી રીતે પાકો નિશ્ચય કરી લઈને,મહાત્માઓ સમ-દૃષ્ટિ થી જ વર્તે છે.
જ્ઞાની પુરુષ-"સ્વ-રૂપ ના જ્ઞાનથી" આકાશ ના જેવો વ્યાપક હોવાને લીધે,અસ્ત પામતો નથી કે ઉદય પામતો નથી.આત્મ-સ્વરૂપમાં રહેલો મનુષ્ય હર્ષ-શોક વગરનો થઈને સર્વ જગતને જોયા કરે છે.

હે,રામ,આ અનાદિ સંસારમાં અનેક યોનિઓમાં તમારા જન્મો થઇ જવાને લીધે-
સઘળા પ્રકારની જાતિઓ,(અનુક્રમથી) તમારા બંધુપણાના સંબંધ માં આવી ગયેલી છે.
આ જગતમાં વિચિત્ર પ્રકારના કરોડો જન્મો ની ગરબડ થયા કરે છે,એમાં "આ બંધુ છે અને આ બંધુ નથી"
એવી જે ભેદ-દૃષ્ટિ થાય છે-તે કેવળ ભ્રાંતિ-દશાનો ચમત્કાર જ છે.
વાસ્તવિક રીતે જોવામાં આવે તો આ સઘળું ત્રૈલોક્ય લાંબા કાળથી (જીવપણા ની દૃષ્ટિએ) બંધુ છે
અને,(બ્રહ્મપણાની દૃષ્ટિએ) બંધુ નથી.

(૧૯) પુણ્ય અને પાવન નામના બે ભાઈઓનું આખ્યાન

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,આ પ્રસંગમાં ગંગાના કિનારે રહેતા બે ભાઈઓ (બે મુનિપુત્રો) વચ્ચેના સંવાદ-રૂપે
એક જુનો ઈતિહાસ કહેવામાં આવે છે."આ બંધુ છે અને આ બંધુ નથી"
એ વાતના પ્રસંગથી,મારા સ્મરણમાં આવેલો આ આશ્ચર્યકારક પવિત્ર ઈતિહાસ તમે સાંભળો.

જંબુદ્વીપના કોઈ ગિરિકુંજમાં મહેન્દ્ર નામનો એક પર્વત છે.તે ઊંચાઊંચા વનોના સમૂહો થી સુશોભિત છે.
અને તેનાં કલ્પવૃક્ષોની છાયામાં મુનિઓ અને કિન્નરો વિશ્રામ લે છે.
એ પર્વતના એક મનોહર અને વિસ્તીર્ણ શિખર ઉપર  મુનિઓએ સ્નાન-પાન માટે આકાશગંગાને ઉતારી છે.
તે ગંગા ના તીર પર "દીર્ઘતપા" નામનો મુનિ પોતાની સ્ત્રી અને પુત્રો સાથે રહેતો હતો.
તે મુનિને બે પુત્રો હતા.તેમાં મોટાનું નામ "પુણ્ય" અને નાનાનું નામ "પાવન" હતું.

મોટો પુત્ર પુણ્ય,એ ગુણોથી પણ મોટો અને જ્ઞાનવાન થયો હતો,જયારે નાનો પાવન અર્ધો જાગ્રત થયો હતો,
એટલે કે મૂર્ખતામાંથી નીકળ્યો હતો પણ પરમપદને પહોંચ્યો ન હતો.
એથી જાણે તે અધવચ હિલોળા લેતો હોય તેવી  સ્થિતિમાં હતો.
આયુષ્યને જીર્ણ કરી દેનારો સો વર્ષોનો સમય વીતી ગયો-ત્યારે  મુનિ-અને તેની પત્નીએ દેહત્યાગ કર્યો.
માતાપિતા ના મરણ બાદ "પુણ્ય" શોકથી રહિત થઈને તેમની પાછળ કરવાના કર્મોમાં લાગી ગયો.
પણ "પાવન" માત-પિતાના મરણ નું બહુ દુઃખ ધરવા લાગ્યો.

શોકથી દુષિત થયેલા ચિત્તવાળો પાવન-એ પોતાના મોટાભાઈની ધીરજ સામે જોતો નહોતો,
અને વિલાપ કરીને વનની ઝાડીઓમાં ફરવા લાગ્યો.ત્યારે મોટાભાઈ પુણ્યે પોતાના ભાઈને કહ્યું કે-

હે,ભાઈ,તું શા માટે આવો ગાઢ શોક કરે છે? આ શોક ભયંકર અને કેવળ આંધળાપણું જ આપનાર છે.
આપણા માતા-પિતા મોક્ષ નામની પરમાત્માની -એ જ "પોતાની પદવી" ને પામેલા છે,
કે જે પદવી,પ્રાણીઓના અધિષ્ઠાન-રૂપ છે.અને બ્રહ્મવેત્તાઓના સ્વરૂપ-ભૂત છે.
આમ,જે "સ્વ-રૂપ"ને પામેલા છે-તેમનો તું શા માટે શોક કરે છે?


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE