Mar 17, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-452

સંસાર-સંબંધી અનેક દુઃખદાયી કડાકૂટ કર્યા કરતો,આત્મજ્ઞાન વિનાનો પુરુષ,ભલે,ધરતી પર ધામધૂમથી ફરતો હોય,તો પણ તે શબ જ ફરે છે તેમ સમજવું.જીવતો તો કેવળ આત્મવેત્તા પુરુષ ને જ સમજવો.
કારણકે-ચિત્તની ચંચળતા વધી જતાં,આત્મવેત્તા-પણું દૂર જતું રહે છે.
એટલે જ-પ્રાપ્ત થયેલા ભોગોના તિરસ્કારથી -અને- નહિ પ્રાપ્ત થયેલા વિષયો (ભોગો) ની તૃષ્ણાના ત્યાગથી,સમજુ પુરુષે,ધીરેધીરે મનને સુકાઈ ગયેલા પાંદડાંની જેવું દુર્બળ કરી નાખવું.

ઇન્દ્રિય તથા દેહ -આદિ અનાત્મ-પદાર્થો માં "હું છું" એવી ભાવના રાખવાથી,
દેહના પોષણ ની અત્યંત ચિંતા રાખવાથી,અને પુત્ર-સ્ત્રી-કુટુંબ-વગેરેમાં મમતા રાખવાથી-
ચિત્તની ચંચળતા વધી જાય છે.
મનુષ્યમાં અહંકાર વધવાથી,કુટુંબમાં આસક્તિ રાખવાથી અને-
"જે શરીર છે તે જ હું છું" એવી ભાવના રાખવાથી  ચિત્તની ચંચળતા વધી જાય છે.
દેહમાં અહંભાવ-કે જે જરા-મરણ-આદિ અનેક દુઃખ દેનાર છે,વળી,તે અહંકાર નકામો જ વધ્યા કરે છે,તથા,
તે,કામ-ક્રોધ-વગેરે દોષો-રૂપી સર્પોના કરંડિયા-રૂપ હોવાથી ચિત્તની ચંચળતા વધી જાય છે.

આ સંસાર મનોહર છે,અને તેમાં અમુકથી લાભ છે અને અમુકથી હાનિ છે,
એવો વિશ્વાસ થતાં ચિત્તની ચંચળતા વધી જાય છે.
સ્નેહ,ધન અને સ્ત્રી-વગેરે નો લોભ-કે જે ઉપટ ટપકે જોતાં રમણીય લાગે છે -
પણ પરિણામે દુઃખદાયી છે,તેથી ચિત્તની ચંચળતા વધી જાય છે.
આ ચિત્ત-રૂપી સર્પ,આશાઓ-રૂપી દૂધ પીને વિષયો-રૂપી ઉંદરનો ચારો મળવાથી-વધારે ચંચલ બની જાય છે.

હે,રામ, આ ચિત્ત-રૂપી ઝાડ,પર્વત જેવડું મોટું છે,શરીર-રૂપી ઊંડા ખાડામાં લાંબા કાળથી ઉગીને જામેલું છે,
ચિંતાઓ-રૂપ મંજરીઓ વાળું,જરા-મરણ-વગેરે વ્યાધિઓ-રૂપી ફળ થી નમી ગયેલું છે.
વિષયોના ઉપભોગો-રૂપી અનેક ફૂલો-વાળું છે,અને કલ્પનાઓ-રૂપી પાંદડાઓ વાળું છે.
તેને,(તે ચિત્તને) વિચાર-રૂપી-દૃઢ-કરવત થી કાપી નાખો.

હે,રામ,શરીર-રૂપી વનમાં રહેલો,ચિત્ત-રૂપી-ઉગ્ર-હાથી,કે જે,સંસાર-રૂપી-પહાડના બહારના વિષયો-રૂપી-શિખર પર બેસનારો છે,એ હાથી પહાડની અંદરની સંકલ્પો-રૂપી ગુફામાં પેસીને આરામ લઇ શકતો નથી.
જેનાં (જે હાથીનાં) શાસ્ર અને અનુમાન-રૂપી બે નેત્રો અવિવેક-રૂપી મદથી ચકચૂર થઇ ગયાં છે-
તેને વિચાર-રૂપી-નખો ની અણીઓથી અત્યંત રીતે ચોળી નાખો.
(આમ અહીં ઉપર મુજબ -ચિત્તને,સર્પ,ઝાડ,હાથી વગેરે સાથે સરખાવી,પછી પણ કાગડા,પિશાચ,અજગર,
ગીધ,વાનર,દોરડા (પાશ) વગેરે સાથે પણ,લંબાણ થી સરખાવવામાં આવ્યું છે)

હે,રામ, જેમ અસ્ત્ર ની યુક્તિથી,ભયંકર અસ્ત્ર ને પણ શમાવવામાં આવે છે,
તેમ શુદ્ધ ચિત્તથી,મલિન ચિત્તને શમાવી નાખી,
અખંડ શોભા-વાળા થઈને તમે લાંબા દિવસો સુધી (વિષયોમાં) ચંચળ-પણાનો ત્યાગ કરી દો.

આ પ્રકારથી અને આગળ કહેલા તત્વ-બોધના પ્રકારથી,અંદર શાંત કરેલા મનને નિર્મળ કરી,
તે નિર્મળ મન વડે,સ્થૂળ-સુક્ષ્મ અને કારણ-દેહ પર્યંત (સુધી)-સઘળા દૃશ્ય (જગત)ને-
"આ ત્યાજ્ય જ છે" એવી દૃષ્ટિ થી તેને તુચ્છ-રીતે જ જોઇને,
સંસારનો પાર પામીને,તમે લીલા-માત્ર થી,ખાન-પાન કરો,શાસ્ત્રોક્ત કાર્યમાં વિહાર કરો,અને
શાસ્ત્ર થી અવિરુદ્ધ -એવા લૌકિક  કાર્યો માં પણ (અનાસકત થઈને) રમણ કરો.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE