More Labels

Mar 18, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-453(૫૧) શાંત-પદમાં શાંતિ ઇચ્છનાર ઋષિ ઉદ્દાલક
વસિષ્ઠ કહે છે કે-હે,રામ, ચિત્તની વૃત્તિઓ કે જેઓ પરલોકના વિષયો સુધી પણ પહોંચી શકે તેવી લાંબીલાંબી છે,વળી,આ ચિત્તની તે વૃત્તિઓ વાસનામય હોવાને લીધે-સુક્ષ્મ છે,તેથી -જો સમાધિમાં જરાક પ્રમાદ થઈ જાય તો-સમાધિના સુખને કાપી નાખે  તેવી અત્યંત તીક્ષ્ણ છે-માટે તે ચિત્તની વૃત્તિઓમાં પ્રમાદથી વિશ્વાસ રાખશો નહિ. હે,નીતિના વિષયમાં પ્રવીણ રામ,ઉત્તમ કુળમાં તમને આ શરીર મળ્યું છે -વળી, આત્મા-ના પરિચય વાળી બુદ્ધિ તમને પ્રાપ્ત થઇ છે,તેને વિવેક થી પોષણ આપી અને તેનું રક્ષણ કરજો.

હે,મારાં વાક્યોના મુખ્ય તત્વ ને જાણનારા,રામ,
જેમ મોર,મેઘના શબ્દ ની ભાવના કરવાથી સુખ પામે છે,
તેમ,તમે મારા વાક્યના અર્થની જ ભાવના કરવાથી સુખ પામશો.
તમે સઘળા પ્રપંચને ઉત્પન્ન કરનારાં,પૃથ્વી-આદિ પાંચ ભૂતોને કાપી નાખીને,તથા વીંધી નાખીને,
ઉદ્દાલક મુનિ ની પેઠે અત્યંત ધીર બુદ્ધિથી અંદર વિચાર કરો.

રામ કહે છે કે-હે,મહારાજ,ઉદ્દાલક મુનિએ કયા ક્રમથી પાંચે ભૂતોને કાપી નાખીને તથા
વીંધી નાખીને અંદર વિચાર કર્યો હતો? તે મને કહો.

વસિષ્ઠ કહે છે કે-પૂર્વે,ઉદ્દાલક મુનિએ જે રીતે -ભૂતો (પંચમહાભૂતો) નો વિચાર કરવાથી અખંડિત બ્રહ્મ-વિદ્યા
પ્રાપ્ત થઇ હતી તે -રીતને હું કહું છું તે તમે સાંભળો.

પૂર્વે, ગંધમાદન નામના એક મોટા પર્વતમાં,મોટા વૃક્ષો ની છાયા-વાળા,ઊંચા પ્રદેશમાં,
યત્નોથી પુરુષાર્થને સિદ્ધ કરવાના અભિમાનવાળો,મહાબુદ્ધિમાન,મૌનવ્રત ને ધારણ કરનારો,અને જેને હજી યુવાની પ્રાપ્ત થઈ નહોતી,એવો ઉદ્દાલક નામે એક મહાન તપસ્વી રહેતો હતો.

એ ઉદ્દાલક પહેલાં,તો,થોડી બુદ્ધિવાળો,વિચાર વિનાનો,અણસમજુ,સારી વાસનાઓથી ભરેલા અંતઃકરણવાળો હતો અને તેને બ્રહ્મપદ માં વિશ્રાંતિ મળી નહોતી.
પછી એ મુનિમાં અનુક્રમે તપથી,શાસ્ત્રોમાં કહેલા નિયમો પાળવાથી અને સદાચાર પાળવાથી,
વિવેક નો ઉદય થયો.અને કોઈ સમયે તે મુનિને વિચાર થયો કે-
મુખ્યત્વે કરીને પામવા જેવો કયો પદાર્થ છે? કે જેમાં શાંતિ મળવાથી કદી પણ શોક કરવો ના પડે?
જેને પામીને ફરીવાર જન્મ નો સંબંધ થાય જ નહિ અને જેમાં મનના વ્યાપારો જ ના હોય તેવા
પવિત્ર પરમપદ માં હું ક્યારે વિશ્રાંતિ પામીશ? ભોગોની તૃષ્ણા મારી અંદર ક્યારે શાંત થઇ જશે?

"આ કામને પહોંચી વળીને આ બીજું કામ કરવું છે" એવી જાતની કલ્પના ને -
હું-ઉત્તમ-પદમાં શાંત થયેલી બુદ્ધિ વડે ક્યારે હસી કાઢીશ?
જગત-રૂપી આ જાળ,મારા ચિત્તમાં આભાસમાત્રથી રહેલી હોવા છતાં,પણ,
તે ચિત્તને વળગે નહિ-એવો સમય ક્યારે આવશે?
જગતનાં પ્રાણીઓ -જે આ ગરબડભરેલી ખોટીખોટી ક્રિયાઓ (કર્મો) કરે છે,તેને હું ક્યારે હસી કાઢી શકીશ?

વિકલ્પો થી વિક્ષેપ પામેલું,અને હિંડોળા ની જેમ ઝૂલ્યા કરતુ મારું મન,ક્યારે શાંત થશે?
હું ક્યારે બ્રહ્મા જેવો પૂર્ણ બુદ્ધિવાળો થઇને,નાતે તે બુદ્ધિથી ઉદય પામેલા,સ્વ-રૂપના સ્મરણથી,
જગતની સ્થિતિઓની સામે હસ્યા કરતો કરતો,ક્યારે પોતામાં જ સંતોષ પામીશ?
હું અંદર એકરસ સ્વ-રૂપવાળાઓ,સૌમ્ય અને સઘળી વસ્તુઓમાં સ્પૃહા વિનાનો થઈને ક્યારે શાંતિ પામીશ?
હું અહી આ પર્વતની ગુફાની અંદર,નિર્વિકલ્પ સમાધિને લીધે,બ્રહ્માકાર મનવાળો થઈને,
સંસારનું  અનુસંધાન-નહિ- રહેવાથી,પથ્થરના જેવી સ્થિરતાને ક્યારે મેળવી શકીશ?

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE