Mar 19, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-454

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,આ પ્રમાણે વનમાં ચિંતા ને પરવશ થયેલો ઉદ્દાલક બ્રાહ્મણ,તે ગુફામાં બેસીને,વારંવાર ધ્યાનનો,અભ્યાસ કરવા લાગ્યો,
પણ,અભ્યાસ કરવા છતાં પણ,તેનું વાંદરા જેવું ચંચલ મન,વિષયોમાં ખેંચાવાને લીધે,તેને પ્રીતિ આપનારી સમાધિની સ્થિતિ પ્રાપ્ત થઇ નહિ.
અને (વળી) કોઈ સમયે,બહારના વિષયોના સ્પર્શોનો ત્યાગ થયા પછી સમાધિમાં પ્રવેશ કરવાના સમયમાં,તે મુનિનો તે,ચિત્ત-રૂપી વાંદરો,રજોગુણથી ક્ષોભ પામીને,અરુચિ-આળસ-વગેરે ઉદ્વેગોને પ્રાપ્ત થવા લાગ્યો.

તો,કોઈ સમયે તે મુનિનું ચિત્ત,હ્ર્દયાકાશમાં ઉગેલા સૂર્ય જેવા તેજને જોઇને -વળી પાછું,વિષયોમાં દોડી જવા લાગતું,અને,કોઈ સમયે તેનું ચિત્ત અજ્ઞાન-રૂપી અંધકારનો સહેજ ત્યાગ કરીને,વળી પાછું તરત જ (ચિત્તમાં) વિષયોની વાસના,જાગ્રત થવાને લીધે,વિષયોમાં લંપટ થઇને ત્રાસ પામેલા,પક્ષીની જેમ છટકી જવા લાગતું.

(તો) કોઈ સમયે તેનું ચિત્ત,બહારના વિષયોમાં ડૂબીને (અજ્ઞાન ની સ્થિતિ)
તથા- સમાધિના સુખોનો પણ ત્યાગ કરીને (આત્મપ્રકાશની સ્થિતિ)
એ બંનેની સંધિમાં લીન થઈને -લાંબા ગાળા સુધી નિંદ્રા-રૂપી સ્થિતિને જ પામવા લાગ્યું.

આ પ્રમાણે,ધ્યાનના આનંદો લેવા માટે,નિત્ય ઉગ્ર ગુફાઓમાં રહેતો,
અને જેના વિચાર ધ્યાનમાં જ લાગેલા રહેતા હતા,તેવો તે ઉદ્દાલક,
તુચ્છ તૃષ્ણાના તરંગો થી ચલાયમાન થવાને લીધે,વ્યાકુળ થઈને,સંકટમાં રહેવા લાગ્યો.
પછી,આ રીતે જેનું મન વ્યાકુળ થઇ ગયું હતો તેવો તે ઉદ્દાલક,નિત્ય પર્વતમાં ફરવા લાગ્યો.
ફરતાં ફરતાં તેને,એક દિવસ એક બીજી,અતિસુંદર ગુફા જોવામાં આવી.

(૫૨) ઉદ્દાલકે પોતાના મનને અનેક પ્રકારો વડે સમજાવ્યું

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,ઘણા ભ્રમણ કર્યા પછી તે ઉદ્દાલકને એવી સુંદર ગુફા જોવામાં આવતાં,
તેણે તે ગુફામાં પ્રવેશ કરીને પોતાનું આસન બિછાવીને,ચિત્તની વૃત્તિઓ ને પાતળી પાડી દઈને,શુદ્ધ થઈને,
મૌનવ્રત ધારણ કરીને તે આસન પર સ્થાન ગ્રહણ કર્યું.
અને નિર્વિકલ્પ સમાધિને માટે,તેણે મનને સમજાવવા-રૂપ નીચે પ્રમાણે વિચાર કર્યો.

ઉદ્દાલક સ્વગત કહે છે કે-હે,મૂર્ખ મન, તને સંસારની વૃત્તિઓનું શું પ્રયોજન છે?
જે,સમજુ હોય તે-પરિણામે દુઃખ દેનારી ક્રિયાઓનું સેવન કરે જ નહિ.
જે મનુષ્ય,ઉપશમ-રૂપી રસાયણ ને છોડીને ભોગો તરફ દોડે,
તે મનુષ્ય,કલ્પ-વૃક્ષ ના વનને છોડીને ઝેરી જંગલ માં જાય છે,એમ સમજવું.

હે,ચિત્ત તું,પાતાળમાં જઈશ કે બ્રહ્મલોક માં જઈશ પણ,ઉપશમ-રૂપી-અમૃત વિના તને શાંતિ મળવાની નથી.
હે,ચિત્ત,તું જ સેંકડો આશાઓથી ભરપૂર રહીને,સઘળાં દુઃખોને જ ભોગવ્યા કરે છે,
એટલા માટે તું હવે ભોગો ભોગવવાની આશાઓ ત્યજીને-અત્યંત સુંદર અને કલ્યાણ-રૂપી નિર્વાણ-પદમાં જા.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE