More Labels

Mar 28, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-463

જેમ,આકાશના મધ્યમાં રહેલી વરાળો અનુક્રમથી શીતળ મેઘ-પણાને પ્રાપ્ત થાય છે,
તેમ,આકાશના મધ્યમાં રહેલા,તે પ્રાણવાયુઓ -અનુક્રમે ચંદ્રના મંડળ-પણા ને પ્રાપ્ત થયા.હર્ષથી ભરપૂર થયેલા તે ચંદ્ર-મંડળમાં,તે પ્રાણવાયુઓ અમૃતમય કિરણો ની ધારા-રૂપ થઇ ગયા.

જેમ ગંગા,આકાશમાંથી સદાશિવ ના મસ્તક પર પડી હતી,તેમ તે અમૃત-મય-ધારા,આકાશમાં રહેલી શરીરની અવશેષ-રૂપ ભસ્મ પર પડી.
એ ધારા પડવાથી,ચંદ્રના બિંબ સરખી-શોભા-વાળું,ચાર હાથ-વાળું (નારાયણ નું) શરીર પ્રગટ થયું.
નારાયણ ના શરીર-રૂપે ઉદય પામેલું,પ્રફુલ્લિત નેત્ર-કમળ-વાળું,પ્રસન્ન મુખ-કમળ-વાળું,અને
સુંદર કાંતિ-વાળું -એ ઉદ્દાલક નું શરીર શોભવા લાગ્યું.

આમ, અમૃતમય પ્રાણવાયુઓએ,એ શરીરને પૂર્ણ કરી દીધું.
જેમ,જળ,એ,ફેલાયેલી ચકરીઓ વળી-ગંગા-નદીને પૂર્ણ કરે છે,
તેમ,પ્રાણવાયુએ,ચકરીઓના આકારવાળી-અને શરીરની અંદર રહેનારી"કુંડલીની" નામની શક્તિને પૂર્ણ કરી.

આમ,દાહ થયાની તથા અમૃત થી ભીંજાવા આદિની "ભાવનાઓ" (પ્રાણાયામ ની ભાવનાઓ) થી-ધોવાયેલું,
એ ઉદ્દાલક નું શરીર નિર્મળ (નારાયણ ના શરીર-રૂપ) થઈને સમાધિ ના કામ માં યોગ્ય થયું.

(નોંધ-પ્રાણાયામ ના કોઈ ચોક્કસ નિયમો સર્વ-સામાન્ય-પણે જોવામાં આવતા નથી.
પતંજલિ -કે જે યોગ ના આચાર્ય કહેવાય છે-યોગસૂત્રમાં તેમણે પ્રાણાયામની કોઈ ચોક્કસ રીતિ લખેલી નથી.કોઈ કોઈ એમ કહે છે કે-રેચક-કુંભક-પૂરક-એ ત્રણે ક્રમમાં સઘળા (આખા) ॐકારનો ઉપયોગ કરવો,
જયારે અહી,રેચક માં પહેલો ભાગ,કુંભકમાં વચલો અને પૂરકમાં છેલ્લો ભાગ જ લંબાવવો એમ કહ્યું છે.
થોડીક ગોપનીયતા થી ભરેલા આ પ્રકારનો જો અનુભવ કરવામાં આવે તો ઘણા આશ્ચર્યકારક જવાબો
મળી શકે તેમ છે?!!! ઉદાહરણ તરીકે -બ્રહ્મ માંથી બનેલા -બ્રહ્મા (નો છેલ્લો અક્ષર અ-કાર)
વિષ્ણુ (નો છેલ્લો અક્ષર -ઉ-કાર) અને મહેશ નો (પહેલો અક્ષર મ-કાર) ???!!!!!!--અનિલ શુક્લ)

પછી ઉદ્દાલકે પદ્માસનથી દેહ ની સ્થિતિ ને દૃઢ (હલન-ચલન વગરની) કરી.
જેમ,હાથી ને ખીલાથી બાંધી મુકવામાં આવે છે,તેમ, પાંચે ઇન્દ્રિયોને દેહમાં બાંધી મુકીને,
આશાઓ-આદિમાં ફેલાયેલા પોતાના મનને,દૃશ્યોના (જગતના પદાર્થોના) દર્શન--આદિ-મળોથી રહિત થઈને,વાયુથી થતી ગતિ-વિનાનું કરીને-(તે મન ને) સ્વચ્છ કરવા માટે નિર્વિકલ્પ સમાધિ કરવાનો ઉદ્યોગ કર્યો.

એ નિર્વિકલ્પ સમાધિના સમયમાં વિષયોમાં દોડી જતા અને વ્યાકુળ થતા મનને,તેણે બળાત્કારે રોક્યું.
અને પોતાનાં નેત્રોની ઉપર નીચે-ની બંને પાંપણો ને સ્થિર રાખીને અડધી મીંચી દીધી.
તે ઉદ્દાલકે પ્રથમ -પ્રાણ અને અપાન (વાયુ)ના વેગ (ગતિ કે જે શક્તિ છે) ને ક્ષોભ થી રહિત કર્યો !!
જેમ,કાચબો,પોતાના અંગોને પોતાની અંદર જ સંતાડે છે,
તેમ તેણે,પોતાની ઇન્દ્રિયોને વિષયોમાં નહિ જવા દેતાં,અંદર જ રાખવા લાગ્યો.
અને તેમ કરવાથી,તેણે,જેમ તલથી તેલ જુદું કરવામાં આવે છે,તેમ તેણે ઇન્દ્રિયોને, વિષયોથી જુદી કરી.

જેમ,કોડિયાથી ઢાંકી દીધેલ મણિ,પોતાનાં દુર ફેલાયેલાં કિરણોને તરત સંકોચી લે છે,
તેમ,ધીર બુદ્ધિ-વાળા એ ઉદ્દાલકે,બાહ્ય-વિષયોમાં,અત્યંત દૂરદૂર દોડી જતી-
સઘળી વૃત્તિઓને (બુદ્ધિથી) સંકોચી લીધી.
જેમ,વૃક્ષ,ઠંડીના મહિનાઓમાં  શાખાઓની અંદર રહેલા રસો ને લીન કરી નાખે છે,
તેમ,ઉદ્દાલકે,મન ની વાસનાઓ-રૂપી અંદરના વિષયોને,અધિષ્ઠાનમાં ખેંચી લઈને,તેને દૂર કરી નાખ્યા.

જેમ,પાણીથી ભરેલા ઘડાના મોઢાને,ક્યાંયથી ય  પવનનો સંચાર ના થાય,એવી રીતે રોકી દેવામાં આવે,
તો તે ઘડાનાં બીજાં છિદ્રોમાંથી પાણી ઝરતું રોકાઈ જાય છે,
તેમ,ઉદ્દાલકે,પગની પાની વડે,ગુદાને દબાવી દીધી,તેથી,શરીરના નવે દ્વારના પવનો રોકાઈ ગયા.
પછી,વસ્ત્રો-વગેરે ના આવરણ વિનાની,આત્માના (પોતાના) પ્રકાશ-વાળી,અને મુખ-રૂપી-કમળથી શોભાયમાન લાગતી,ડોકને -અક્કડ (સીધી) રાખી.આવા ધ્યાનથી વશ કરેલા પોતાના મનને પોતાના હૃદયમાં જ પૂરી રાખ્યું.સ્વચ્છ આકાશની જેમ,અત્યંત નિર્મળ-પણાને પામેલો,એ ઉદ્દાલક,વાયુ વિનાના પૂર્ણ સમુદ્ર જેવો જણાવા લાગ્યો.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE