More Labels

Apr 7, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-473

જે અવિદ્યા (અજ્ઞાન) છે તે જીવનું જીવન છે અને જે માયા છે તે,ઈશ્વરનું જીવન છે.કારણકે  જીવ-પણું અવિદ્યા-રૂપી ઉપાધિ થી અને ઈશ્વર-પણું માયા-રૂપી ઉપાધિથી થયું છે.
એ બંને ઉપાધિઓને દુર કરી દેતાં,ઈશ્વર અને જીવના ચૈતન્ય-સ્વરૂપમાં કંઈ ભેદ નથી.માટે જે કંઈ છે તે -શાંત અખંડિત ચૈતન્ય જ છે તેમ સમજો.

હે,રામ,"આ જે સઘળું જગત છે તે બ્રહ્મ જ છે" એમ જે મારે બોલવું પડે છે તે તમને સમજાવવા માટે બોલવું પડે છે.કેમકે,વાસ્તવિકપણે વિચાર કરતાં તો "જગત મુદ્દલે છે નહીં" એવો સિદ્ધાંત વિદ્વાનોએ સ્વીકાર્યો છે.

(૫૮) ભીલના રાજા સુરઘુને માંડવ્યે ઉપદેશ આપ્યો

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,ભીલના રાજા સુરઘુ નો વિસ્મય આપનાર વૃતાંત-રૂપ એક જુનો ઈતિહાસ,
આ વિષયમાં જ કહેવામાં આવે છે.
આ જગતમાં હિમાલયના શિખર-રૂપ એક "કૈલાસ" નામનો પર્વત છે,તેની નીચેના ભાગમાં,હેમજટ નામથી
ઓળખાતા ભીલો રહે છે,તેમનો સુરઘુ નામનો બળવાન,ધનવાન અને તેજસ્વી રાજા હતો.
કે જે,કોઈ જાતનો ખેદ નહિ પામતાં,પ્રજાનું પાલન કરતો હતો અને રાજ્ય-સંબંધી કાર્યો કર્યા કરતો હતો.

ઘણા દિવસ થતાં,રાજ્ય-સંબંધી સુખ-દુઃખોથી બંધાયેલા,એ રાજાને રાજ્યથી કંટાળો આવ્યો,
અને આમ કંટાળો આવવાથી એ રાજા નીચે પ્રમાણે વિચાર કરવા લાગ્યો.

સુરઘુ સ્વગત કહે છે કે-જેમ ઘાણી પોતાના બળથી તલને પીલે છે,તેમ હું પોતાના બળથી આ દુખિયા
અપરાધી લોકોને શા માટે પીડું છું? જેમ મને કોઈ શિક્ષા કરે તો મને પીડા થાય તેમ હું શિક્ષા કરું છું,તો એ
સર્વ-લોકોને પીડા થતી જ હશે.મને લાગે છે કે-હું આ લોકોને ધન આપું,કેમકે જેમ ધનથી હું રાજી થાઉં છું,
તેમ તે સર્વ લોકો ધનથી રાજી થાય તે સ્વાભાવિક જ છે.
હવેથી મારે અપરાધીઓને શિક્ષા કરવાનું બંધ જ રાખવું,પણ જો તે અપરાધીઓને હું
યોગ્ય શિક્ષા નહિ કરું તો-આ પ્રજા,કોઈ પણ જાતના  નિયમ વિના મર્યાદામાં ચાલશે નહિ.
અપરાધીઓને શિક્ષા કરવાની એ બહુ મોટી કડાકૂટ છે,હાય,આવા આવા વિચારોથી હું અત્યંત દુઃખી છું"

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,તે રાજાનું ચિત્ત "હું આમ કરું કે તેમ કરું?"  એવા વિચારો કરતાં શાંતિ પામ્યું નહિ.
ત્યારે એક વખત માન્ડવ્ય નામના મુનિ એ સુરઘુ રાજાને ઘેર આવ્યા.ત્યારે સુરઘુ એ તેમની પૂજા કરી અને પછી,તેમને નમ્રતા-પૂર્વક પોતાના ચિત્તની વ્યાકુળતાની વાત કરી અને કહ્યું કે-
મારા મનમાં સમતા ઉદય પામે અને વિષમતા ટળી જાય તેવો ઉપાય આપ બતાવો.

માન્ડવ્ય કહે છે કે-હે,રાજા,જેમ,સૂર્યના કિરણથી હિમ પીઘળી જાય છે,તેમ પોતાના હાથમાં જ રહેલા,
(વૈરાગ્ય તથા ત્યાગ આદિ યત્નથી અને શ્રવણ-મનન-આદિ) ઉપાયથી મનનું આ વેવલા-પણું પીઘળી જાય છે.પોતાના "વિચાર-માત્ર" થી મનની અંદરનો તાપ તરત શાંત થાય છે.
તમે પોતાના જ મનથી પોતાના શરીરમાં રહેલી ઇન્દ્રિયોનો વિચાર કરો કે-"એ ઇન્દ્રિયો કેવી છે અને કોણ છે?" વળી,"હું કોણ છું? આ જગત કેવું છે?અને જન્મ-મરણ કેમ થાય છે?" એનો પણ વિચાર કરો.

એટલે તમને અત્યંત મહત્તા (મોટાપણું કે બ્રહ્મપણું) પ્રાપ્ત થશે.અને આમ "વિચાર" કરીને તમે તમારા પોતાના સ્વભાવને જાણશો,તો તમારું મન,હર્ષ-શોકથી કંપાવી શકાય નહિ એવું અચળ થશે.
એટલે કે તમારું મન પોતાના ચંચળપણાને ત્યજીને,તાપ વિનાનું થઇ,
પોતાના મૂળભૂત બ્રહ્મરૂપ થઇને બ્રહ્મમાં શાંત થશે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE