May 22, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-509

વસિષ્ઠ કહે છે કે-"આદિ વિનાના-અંત વિનાના-પ્રકાશ-રૂપ જે પરમાત્મા છે-તે જ આ જગત છે"
એવી રીતનો અસાધારણ અને એક-સરખો નિશ્ચય કરવો-તે "યથાર્થ જ્ઞાન"  કહેવાય છે.
અથવા-"આ જે ઘટ-પટ-વગેરે-જે સેંકડો પદાર્થો ની પંક્તિઓ છે-તે આત્મા જ છે-બીજું કંઈ છે જ નહિ" એવી રીતનો જે અસાધારણ નિશ્ચય કરવો તે જ "યથાર્થ જ્ઞાન" કહેવાય છે.

મિથ્યા જ્ઞાનથી જન્મ-મરણ થાય છે અને યથાર્થ જ્ઞાનથી મોક્ષ થાય છે.
આત્મા,મિથ્યા જ્ઞાનથી જગત-રૂપે દેખાય છે અને યથાર્થ જ્ઞાનથી-જગત-રૂપ ટળીને પાછો અસલ આત્મા જ દેખાય છે.મુક્તિમાં સંકલ્પ-રૂપ અંશથી રહિત,વિષયોથી રહિત,અને સ્વયં-પ્રકાશથી દીપતો-કેવળ અખંડ અનુભવ જ રહે છે -બીજું કંઈ રહેતું નથી,એ "તત્વ" વિષયો-રૂપી-દ્વૈતથી રહિત સમજવામાં આવે-તો તે પરમાત્મા જ છે,અને તેમાં જો દ્વૈત-રૂપી અશુદ્ધિ જોવામાં આવે તો-તે અશુદ્ધિને પંડિતો "અવિદ્યા" કહે છે.

જે અખંડ અનુભવ છે -તે જ જગત છે,અખંડ અનુભવમાં અને જગતમાં બે-પણા (દ્વૈત) ની કલ્પના કરવી જ નહિ.આત્મા પોતે -પોતાને જ-પોતાના સંકલ્પથી જગત-રૂપ બનાવી લે છે-માટે આત્મા સિવાય બીજું કંઈ છે જ નહિ.જે આત્મા છે -તે જ આ જગત છે-એવો નિશ્ચય કરીને પૂર્ણતા સમજવી-એ જ ત્રૈલોક્યમાં "યથાર્થ જ્ઞાન" છે.જે કંઈ સઘળું છે-તે આત્મા જ છે-એમ નિશ્ચિત સમજવામાં આવ્યું-તો પછી-પ્રિય-અપ્રિય,બંધ-મોક્ષની કલ્પનાઓ ક્યાંથી રહે?

હે રામ, આત્મા વિના બીજું શું છે? કે જેને માટે મૂઢ લોકો શોક કરે છે?
જગત પણ નથી અને ચિત્ત પણ નથી,"જગત અને ચિત્ત-રૂપે બ્રહ્મ જ દેખાય છે,સઘળું એક જ છે અને બ્રહ્મ જ છે" એમ સમજવામાં આવે તો પછી-બંધ પણ ક્યાંથી અને કોક્ષ પણ ક્યાંથી? (કશું નથી)
બ્રહ્મ જ અજ્ઞાનથી જગત-રૂપ દેખાય છે.જો જ્ઞાન પ્રાપ્ત થાય તો જગત-રૂપી-દ્વૈત અસ્ત પામી જાય છે.
માટે તમે યથાર્થ જ્ઞાન મેળવી-દ્વૈતનો તિરસ્કાર કરીને-પોતાથી જ બ્રહ્મ-રૂપ થાઓ.

જગતના દેખાતા જુદાજુદા પદાર્થો જુદા છે જ નહિ.જગતના આદિમાં ને અંતમાં જે અવિનાશી શાંત-સ્વ-રૂપ અવશેષ રહે છે-તે જ સત્ય વસ્તુ છે.અને તે આત્માનું સ્વરૂપ છે.
માટે યથાર્થ જ્ઞાન મેળવીને તમે આત્મ-સ્વ-રૂપ થાઓ.
આ સઘળું સ્થાવર-જંગમ -જગત એ "આત્મા" જ છે-તો પછી તેમાં સુખ-દુઃખ નો પ્રાદુર્ભાવ જ ક્યાં રહ્યો?
સુખ-દુઃખ કંઈ છે જ નહિ-માટે તમે સંતાપોથી રહિત થાઓ.

શુદ્ધ આત્માનું આલિંગન કરીને જે પુરુષ,સર્વદા અંતર્મુખ દૃષ્ટિથી રહેતો હોય,તે તત્વવેત્તા પુરુષને -
કયા ભોગો બાંધી લેવાને સમર્થ થાય? જેમ,મંદ પવન,પર્વતને જરા પણ ભેદી શકતા નથી-
તેમ, કામ આદિ શત્રુઓ -આત્માનો સંપૂર્ણ વિચાર કરનારાઓના મનને ભેદી શકતા નથી.
વિચાર વિનાના ને આશાઓમાં તત્પર રહેનારા મૂઢ અજ્ઞાની પુરુષોને દુઃખ ગળી જાય છે.

હે રામ,સઘળું જગત આત્મા છે અને દ્વૈત ક્યાંય છે જ નહિ-એવો દૃઢ નિશ્ચય રાખીને-આત્મા-રૂપે સ્થિર થાઓ.
"દ્વૈત છે જ નહિ" એવી રીતે સંપૂર્ણ અવલોકન કરીને-તેવા અસાધારણ નિશ્ચયને સ્થિર રાખનારો-પુરુષ મુક્ત
કહેવાય છે-કારણકે-આ પ્રકારના યથાર્થ અવલોકનથી આત્મા વિના બીજું કંઈ પણ ના રહેવાથી-ચિત્તનો સંપૂર્ણ નાશ થઇ જાય છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE