Sep 12, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-612

સઘળાં તત્વોથી ન્યારી,સઘળાં તત્વોની અંદર રહેલી,સર્વને સત્તા આપનારી,અને
પોતાની સત્તાથી સર્વની સત્તા નું અપહરણ કરનારી જે સંવિત (શક્તિ) છે-તે જ દેવ (પરમાત્મા) છે.વ્યવહારિક તથા પ્રતિભાસિક પદાર્થો ના અધિષ્ઠાન-રૂપ કે સાક્ષી-રૂપ જે ચૈતન્ય છે-તે જ દેવ છે.સૂર્ય-વગેરેને પણ પ્રકાશ આપનાર-તે ચૈતન્ય (બ્રહ્મ) ને જ શ્રુતિઓ -સત તથા ॐ -વગેરે શબ્દોથી કહે છે.

સામાન્ય સત્તા-રૂપ સ્વભાવથી સર્વમાં સમાન-રૂપ રહેલું-એ "બ્રહ્મ" જ "મહાચિત્ત અને પરમઅર્થ" કહેવાય છે.
જેમ,લતાઓની અંદર રસ રહે છે,તેમ એ સર્વાત્મક ચૈતન્ય સર્વમાં સત્તા-સામાન્ય-રૂપે રહેલ છે.
અને સર્વ નો બાધ  (નાશ) થાય છે ત્યારે,તે બ્રહ્મ જ મહા-સત્તા-રૂપે રહે છે.
આમ,હું,તમે,અરુંધતી,પાર્વતી,ગણ અને ત્રણે લોક-આદિ સઘળા પદાર્થો,પણ ચૈતન્ય-તત્વ જ છે.

તે ચૈતન્ય (બ્રહ્મ કે પરમાત્મા કે ઈશ્વર) ને જ ઉત્તમ બુદ્ધિ-વાળા તત્વવેત્તાઓ દેવ સમજે છે.
હાથ-પગ ઇત્યાદિ અવયવો-વાળો જે કોઈ બીજો દેવ કલ્પવામાં આવે છે-તેમાં પણ કેવળ ચૈતન્ય-માત્ર જ છે,
એમ કહ્યા વિના બીજું શું કહેવામાં સાર છે? તે તમે જ કહો!!
જે કેવળ ચૈતન્ય છે તે જ સંસાર ના સારરૂપ છે,સર્વના,સાર-પણાને પામેલો એ જ દેવ છે,
એથી જ સઘળું પ્રાપ્ત થાય છે,અને એ જે પૂર્ણ દેવ છે -છે-
અને  તે જ (ચૈતન્ય)  હું છું.તે જ (ચૈતન્ય) તમે છો અને તે જ (ચૈતન્ય) સર્વ જગત પણ છે.

હે વસિષ્ઠ મુનિ,એ દેવ કોઇથી પણ દુર નથી,કોઈને પણ દુર્લભ નથી,સર્વદા દેહમાં તે રહે છે,આકાશમાં રહે છે,
અને સર્વમાં પણ રહે છે.એ દેવ જ સઘળું કરે છે,સઘળું ભોગવે છે,સઘળું ધારણ કરે છે,જાય છે,શ્વાસ લે છે,
પ્રત્યેક અંગોને જાણે છે,અને સર્વજ્ઞ છે.
આ શરીર-રૂપી નગરી,કે જે વિચિત્ર ચેષ્ટાઓ વાળી છે,તે દેવથી જ સ્ફુરે છે,અને તેમાં જ એ દેવ રહે છે.
આ બુદ્ધિ-રૂપી ગુફા,કે જે શરીર-રૂપી પહાડમાં રહેલી છે તે દેવના અનુગ્રહથી જ ચલિત થયા કરે છે.

મન-આદિ-છ ઇન્દ્રિયોની ગતિથી અલગ રહેનારા-
એ નિર્મળ "આત્મા"નું જ- "ઉપદેશના વ્યવહાર માટે" "ચિત્ત" એ સ્ત્રી-લિંગ નામ "કલ્પેલું" છે.
ચિન્મય,સૂક્ષ્મ,સર્વ-વ્યાપી અને નિર્લેપ-એ દેવ -જ આ જોવામાં આવતા જગત-રૂપ-આભાસને,
"અધ્યારોપ"ની દશામાં  કરે છે.પણ- "અપવાદ"ની દશામાં નથી કરતો.

હે,વસિષ્ઠ મુનિ,જેમ,વસંત-ઋતુ,લતાને રસથી શોભાવે છે,તેમ,એ અત્યંત નિર્મળ ચિત્ત (અહી આત્મા સમજવું)
જગતને માટે જગત સંબંધી ક્રિયાને શોભાવે છે.તે સર્વને સત્તા-તથા સ્ફુરણ-આપવા-રૂપ ચમત્કારો સર્જે છે.
વળી,પૂર્વની વાસનાઓના અનુસાર તે નિર્મળ ચૈતન્ય જ અનેક ચમત્કારો ને પ્રગટ કરે છે.
અને તેથી જ,કેટલાએક ચમત્કારો આકાશ-રૂપે,જીવ-રૂપે,ચિત્ત-રૂપે,કળા-રૂપે,દેશ-રૂપે,
ક્રિયા-રૂપે,દ્રવ્ય-રૂપે,વિકારો-રૂપે,ગુણોના ભેદ-રૂપે,યોગ્યતાઓ-રૂપે,
પ્રકાશો-રૂપે,પર્વતો-રૂપે,અંધકાર-રૂપે,સૂર્ય-રૂપે,ઇન્દ્ર-રૂપે અને યક્ષો-રૂપે દેખાય છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE