Sep 15, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-615

જેમ,કોઈ સારો હોય તેવો પુરુષ,કોપને લીધે,ક્ષણ-માત્રમાં રાક્ષસ જેવો ક્રૂર થઇ જાય છે,
તેમ,કૂટસ્થ ચૈતન્ય,જુદાંજુદાં સ્વરૂપને પ્રાપ્ત થઈને વિકલ્પ-રૂપ-કલંક-વાળું થઇ જાય છે.
વિકલ્પની કલ્પના થવાથી,એ ચૈતન્ય,સ્વ-રૂપથી ભ્રષ્ટ થઈને,જડની સાથે એકતાની ભાવના કરતાં,સવિકલ્પ-"બુદ્ધિ" ના "વિષય-પણા" ને પ્રાપ્ત થાય છે.

આમ,એ ચૈતન્ય,"સૂક્ષ્મ-ભૂત-રૂપ અને ભાગ્યોના બીજ-રૂપ-માયા" થી મલિન-પણાને પામે છે,અને તે પછી-"સમષ્ટિ-પ્રાણ-રૂપ" થાય છે.
પછી,અનુક્રમે,સૂક્ષ્મ-ભૂતોના પંચીકરણથી વ્યાપ્ત થઈને,ચૌદ-બ્રહ્માંડ-રૂપ અને કાળ-રૂપ થઇ જાય છે,
પછી,તેમાં "પ્રાણ" ના ધારણથી જીવ-રૂપ થઈને બુદ્ધિ-અહંકાર અને ચિત્ત-રૂપ થઇ જાય છે.
આમ,તે  ચૈતન્ય,ચિત્ત-પણાને પામીને સંસાર નું અવલંબન કરે છે.

કૂટસ્થ ચૈતન્ય જ અજ્ઞાનથી મલિન-પણાને પામીને,દેહ અને  જીવ-રૂપે "કલ્પાય" છે.
અને તેને લીધે પ્રાપ્ત થયેલી જડતાથી,તે ચૈતન્ય,સર્વજ્ઞ-પણું છોડી દઈને નિરંતર જન્મ-મરણને પ્રાપ્ત થયા કરે છે.
જેમ,જળ એ કરા-પણા ને પામે છે,તેમ,અનંત સંકલ્પમય-ચૈતન્ય,
"જડતાના સંકલ્પો" થી ભરપૂર થઇ,જડતાથી જીવ-પણાની ભ્રાન્તિને પ્રાપ્ત થાય છે.
અને તે પછી,ચિત્ત-મન-મોહ-માયા-વગેરે નામો-વાળું થઈને જડતાનો આશ્રય કરીને આ સંસારમાં જન્મે છે.

મોહ-રૂપી મંદ-પણાને પ્રાપ્ત થયેલું એ જીવ-ચૈતન્ય,તૃષ્ણા-રૂપી બેડીથી પીડાય છે,
કામ-ક્રોધ તથા ભયથી યુક્ત થાય છે,વૈભવ-દારિદ્રયને અનુસરે છે,પોતાના અનંત વ્યાપક-પણાને છોડી દે છે,
સ્ત્રી-પુત્ર-વગેરેના વિયોગોમાં શોક-વગેરે થી યુક્ત થાય છે,દુઃખો થી તપે છે,
શોકો અને અશુભો થી કંગાળ થઇ જાય છે,
"હું દુઃખ-વગેરે સ્વભાવવાળો છું" એવા મિથ્યા ભ્રમ-વાળું થઇ જાય છે,
પોતાને દેહ-રૂપ માન્યા કરે છે,અને અત્યંત દીન-પણાને પામે છે.

તે મોહ-રૂપી કાદવમાં ખૂંચી જાય છે,જન્મ-મરણ-રૂપી હિંડોળામાં ઝૂલ્યા કરે છે,
આ સંસારના અસાર તથા પાર વગરના અનેક -વિકારોથી વ્યવહાર કરે છે,હૃદયમાં તાપોથી તપ્યા કરે છે,
રાગ-ક્રોધ થી વ્યાપ્ત રહે છે.વિહવળ રહે છે,વૈભવનો ઉદય થતાં,પ્રસન્ન થાય છે-અને વૈભવનો નાશ થતાં ખેદ પામે છે,પોતાના જ સંકલ્પ કે એવા બીજા કોઈ ભ્રમમાં પડીને નાસ-ભાગ કર્યા કરે છે.

પોતાની વાસનાથી સેવેલા દુર્લભ વિષયોની આકાંક્ષાથી,મોટા મોટા કર્મો કરવા જતાં,
વચમાં જ ભ્રષ્ટ થઈને નીચીનીચી દુષ્ટ સ્થિતિઓમાં જઈને પડે છે,એક સંકટમાંથી બીજા સંકટમાં,
એક દુઃખમાંથી બીજા દુઃખમાં,અને એક વિપત્તિમાંથી બીજી વિપત્તિમાં જઈ પડે છે,
અનેક પ્રકારના અનર્થોથી યુક્ત થાય છે,ચિંતાઓથી પરવશ ચિત્ત-વાળો રહે છે,
તાપ-પશ્ચાતાપથી ઘેરાયેલો રહે છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE