Jan 7, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-715

ચિદાભાસ-રૂપ-સઘળા જીવોને જન્મ-મરણ સ્થિતિ પણ એ જ પ્રમાણે-
(તે જન્મ-મરણ-સ્થિતિ) બ્રહ્મ-રૂપ-આકાશ-મય હોવા છતાં,મિથ્યા આકારને પ્રાપ્ત થઇ છે.
આત્મા પોતાથી જુદો ના હોવા છતાં,આ સંસાર-રૂપી-ખાડાને,જુદો માની લઈને તેમાં પડે છે.
સઘળા જીવોને,જન્મ-મરણ-વગેરેની સ્થિતિ વખતે,પોતપોતાના કર્મોના-ફળ-રૂપી-પ્રયત્ન,જગત-રૂપે,(સ્વપ્ન ની જેમ) પ્રતિત થયા કરે છે.સન્યાસીના જીવની જેમ સઘળા જીવો મોક્ષની પ્રાપ્તિ સુધી વ્યાકુળ રહે છે.મેં તમને આ સન્યાસીની કથાથી જીવોના સમૂહોનું વર્ણન કર્યું છે.


હે રામચંદ્રજી,કેવળ એ સન્યાસી જ પૂર્ણ આત્મ-સ્વ-રૂપમાંથી છૂટો પડીને ભમ્યો-એમ છે નહિ,
પણ સઘળા જીવો,આ રીતે જ પૂર્ણ સ્વરૂપમાંથી છુટા પડીને ભમ્યા કરે છે-તેમ સમજો.
જેમ પર્વતની ટોચ પરથી ભ્રષ્ટ થયેલો પથરો નીચે નીચે જાય છે,તેમ જીવ,દિવસે દિવસે એક મોહમાંથી બીજા મોહમાં નીચે ને નીચે જાય છે,એ વાત આપણને અનુભવથી જ સાચી લાગે છે.

પરમાત્મામાંથી ભ્રષ્ટ થયેલો જીવ,આ દૃઢ સ્વપ્નને જુએ છે,અને વળી એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્નમાં જાય છે.
માયાએ ખોખરો કરેલો અને એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્નમાં પડતો જીવ,
પોતે પોતામાં જ, કોઈ કાળમાં,કે ક્યાંય કોઈ નિમિત્તથી આ સઘળા સંસારને દૃઢ માન્યા કરે છે.
દેહમાં જે અહંભાવ છે-તે ટળીને,જે આત્મ-લાભ થાય છે-તે જ મોક્ષ છે.

રામ કહે છે કે-અહો,આ જીવને ભારે ખોટો મોહ ઉત્પન્ન થાય છે.જેમ થાકેલો મનુષ્ય સૂઈ ગયા પછી,
વિચિત્ર સ્વપ્ન આવવાથી દુઃખી થાય છે- અને તે સ્વપ્ન ને સાચા જેવું માની લેવામાં આવે છે,
તેમ,જીવને મિથ્યા જ્ઞાન-રૂપી રાત્રિમાં અનેક આકારો તથા અનેક વિકારોવાળી-માયાથી,ભારે વિષમ સંકટ આવી પડે છે,અને તેને સાચા જેવું માની લેવામાં આવે છે-એ ભારે (મોટું) આશ્ચર્ય જ છે !!
હે મહારાજ "આ જગતની સ્થિતિમાં સર્વદા સર્વત્ર સર્વ સંભવે છે" એમ જે આપે કહ્યું-તે મારા અનુભવમાં આવ્યું.
હવે મારે પૂછવાનું એ છે કે-એ ગુણો-વાળો પણ જીવટ-આદિના મોહમાં પડેલ-એ સન્યાસી,
હાલ ક્યાંય છે કે નથી?આપ અંતરમાં અવલોકન કરીને મને કહો.

વસિષ્ઠ કહે છે કે-હું આજ રાત્રે સમાધિ કરીને,આ ત્રૈલોક્ય-રૂપી આશ્રમને સંપૂર્ણ રીતે જોયા પછી-
તે સન્યાસી હાલમાં છે કે નહિ-તે તમને આવતી કાલે પ્રભાતમાં કહીશ.
ત્યારે તે વખતે સાયંકાળ થતાં સભામાં વિરામ થયો, સર્વ લોકો પોતપોતાને ઘેર ગયા
અને બીજે દિવસે સવારે આવીને પોતાના આસન પર આવી બેસી ગયા.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE