Jan 21, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-729

(૭૨) બાકીના પાંચ પ્રશ્નોના ઉત્તર
રાજા કહે છે કે-હે વેતાળ,જેમ પુષ્પમાં સુગંધ સ્ફુરે છે,તેમ પરમાત્મા-રૂપી-મોટા પવનમાં કાળની,આકાશની,સમષ્ટિ પ્રાણની,અને જીવની સત્તા-આદિ સુક્ષ્મ અને ચંચલ,રજો સ્ફૂર્યા કરે છે.કાળ,આકાશ,પ્રાણ,જીવ આદિ મોટાં આકાશો-પોતાની સત્તા વગરનાં છે પણ  પરમાત્માની સત્તાથી સત્તા-વાળાં છે.
જગત-રૂપી મોટા સ્વપ્નમાં અમુક યોનિઓ-રૂપ-સ્વપ્નોમાંથી અમુક યોનિઓ-રૂપ-બીજા સ્વપ્નોમાં જતો,
જીવ-રૂપ-પુરુષ,પછીનાં આવતાં જતાં સ્વપ્નોમાં,પહેલાં સ્વપ્નોની સત્યતા છોડતાં અને પછીનાં સ્વપ્નોની સત્યતા સ્વીકારતાં પણ,બોધ માત્રથી શાંત-પણાને વધારનારા પોતાના બ્રહ્મ-પણા-રૂપ-સ્વચ્છ સ્વ-રૂપને છોડતા નથી.

જેમ,કેળના થાંભલાની અંદર,તેની અંદર અને તેની અંદર પણ જોતાં વારંવાર છોતરું મળ્યા જ કરે છે,
તેમ, બ્રહ્મના વિવર્ત-રૂપ આ જગતમાં અંદર,તેની અંદર અને તેની અંદર પણ વારંવાર મળ્યા કરે-
એવો અણુ પદાર્થ "બ્રહ્મ" છે.એ જ પદાર્થ વિવર્ત તથા જગતમાં ફેલાવું આદિ -નિમિત્તોને લીધે-
"સત-બ્રહ્મ-આત્મા" વગેરે શબ્દોથી કહેવાય છે,
વાસ્તવિક રીતે જોતાં તે-સઘળા ધર્મોથી શૂન્ય છે,અને વચનથી (વાણીથી) કહી શકાય તેવો નથી.
કે જેથી તે કિંચિત પણ છે અને નકિંચિત પણ છે.

વસ્ત્રની સત્તા-તંતુની સત્તામાં,તંતુની સત્તા-કપાસની સત્તામાં,કપાસની સત્તા-કપાસના ફળની સત્તામાં,
ફળની સત્તા-છોડની સત્તામાં,છોડની સત્તા-બીજની સત્તામાં,અને બીજની સત્તા-માટી-જળની  સત્તામાં,
એ ક્રમથી જે જે સત્તા ધરવામાં આવે છે,તે તે સત્તા તે તે અનુભવોએ બનાવેલા આકારોને ત્યજીને,
જેમ કેળનો સ્તંભ-છોતરામાં પૂરો થાય છે,તેમ ચિન્માત્રમાં સમાપ્તિ (પર્યાવસાન) પામે છે.
માટે નિર્મળ ચિન્માત્ર (બ્રહ્મ) જ જગત-રૂપે ફેલાયેલું છે.

સૂક્ષ્મ હોવાથી અને મન-વચન આદિથી અલભ્ય હોવાથી-પરમાત્મા પરમ-અણુ (પરમાણુ) કહેવાય છે.
પોતાના પરમ-અણુ-પણાને (અતિ-સૂક્ષ્મ-પણાને) નહિ છોડતા-એ પરમાત્માની આગળ- બ્રહ્માંડ,આકાશ,પ્રાણીઓના સમૂહ,સૂર્ય-મંડળ અને મેરુ-પર્વત પણ અત્યંત અણુ છે,
કેમ કે,અનંત-પણાને લીધે એ પરમાત્મા જ પોતે બ્રહ્માંડ-આકાશ-આદિનું મૂળ "કારણ" છે.

આ જગત-આદિ-કે જે મર્યાદા-વાળું હોવાથી સ્વપ્નના જગતની પેઠે તુચ્છ છે-તે-અણુ છતાં-પણ-
અત્યંત અનંત-પણું ધરાવનારા પરમાત્માની આગળ પરમાણુની જેમ જણાય છે.
જ્ઞાન-માત્ર-આત્મા કે જે ચક્ષુ-આદિથી અલભ્ય હોવાને લીધે,પરમ-અણુ છે, સર્વને ભરપૂર કરનાર હોવાને લીધે મોટા પર્વત-સમાન છે,અને અધ્યારોપની દ્રષ્ટિથી સર્વ જગત-રૂપી-અવયવો વાળા હોવા છતાં પણ અપવાદની દ્રષ્ટિથી નિરવયવ છે-કે-જેના શીલાના ગર્ભ જેવા ઘાટા ગર્ભમાં આ ત્રૈલોક્ય-ઘાટી,મજ્જા-રૂપ છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE