Jul 30, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-873

વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,ઉપર કહ્યા પ્રમાણે કરવાથી,(જ્ઞાનથી) "કર્મના બીજો-રૂપી" (મૂળ)
ખજાનાનો ત્યાગ થઇ શકે છે,બાકી બીજી રીતે તેનો ત્યાગ સંભવતો નથી.
માટે તમારી અંદર રહેલું ચિદાભાસ-રૂપી-કર્મનું મૂળ જ સદા માટે શાંત થઇ જાઓ.
"પરબ્રહ્મ વિનાનું જે બીજું-ચિદાભાસ-રૂપ અને તે વડે અનુભવતો દૃશ્ય-પ્રપંચ-છે,તે બંને
જ્ઞાન વડે જોતાં છે જ નહિ" એવો નિશ્ચય થતાં,તત્વજ્ઞાન અને શાંતિ-વાળા વિવેકી પુરુષોને
"કંઈ લેવાનું કે દૂર (ત્યાગ) કરવાનું" રહેતું જ નથી.તેઓ ત્યાગ-કે-ગ્રહણ-એ કોઈ વાતને જાણતા જ નથી,કે જેથી આકાશના જેવી નિર્લેપતાને હૃદયમાં ધારણ કરી,શાંત ચિત્તથી "સ્વ-રૂપ"માં રહે છે.

સંસારમાં આવી પડેલા વ્યવહારો (કર્મો) તે કરે છે,છતાં પણ તેમનામાં કર્તા-પણાનું અભિમાન(હું કર્મ કરું છું તેવું) નહિ હોવાથી અને ચિત્તમાં કર્મનો કોઈ "સંસ્કાર" નહિ લાગવાથી-ખરી રીતે તેઓ કશું કરતા જ નથી.
એવા પુરુષોની કર્મેન્દ્રિયો પણ મનમાં કંઈ વિકાર ન થતાં શાંત રહે છે,ને આપોઆપ કર્મ કર્યે જાય છે.
"આત્મા સિવાય સર્વ વસ્તુ મિથ્યા હોવાથી-કર્મ એવી કોઈ વસ્તુ જ નથી" એ જ કર્મનો ત્યાગ છે.
અને તે માત્ર "જ્ઞાન" વડે જ સિદ્ધ થાય છે.બાકી,પ્રારબ્ધના સંજોગે,સ્વાભાવિક થયા કરનાર,
દેહ-આદિનાં કર્મ જે અવસ્તુ-રૂપ (મિથ્યા) જ છે-તે કર્મ કરવાથી પણ શું અને ના કરવાથી પણ શું?

દેખાતા પદાર્થો (જગત) નો અભાવ થતાં જ સંકલ્પો મટી જાય છે-અને તેથી વાસના-રહિત થઇ,
"અમુક કર્યું કે અમુક ન કર્યું" એવા સંબંધને પણ છોડી દઈ,
શાંત-પણાથી નિર્વિકારપણે સ્થિતિ રાખવી-તે "કર્મ-ત્યાગ" કહેવાય છે.
જેવી રીતે,ઘણો સમય જતા,આગળ થઇ ગયેલાં કાર્યો ભુલાઈ જાય છે,તેવી રીતે,સર્વ દૃશ્ય (જગત)નું
ચિત્તમાં (ફરી પાછું) કોઈ "સ્મરણ" (યાદ) જ ના ઉઠે-તેવી રીતે તેને ભૂલી જઈ,
અંદર (અંતઃકરણમાં) થાંભલાની જેમ "દૃઢતાની સ્થિતિ" રાખવી-તે "કર્મ-ત્યાગ" કહેવાય છે.

અજ્ઞાની પુરુષો માત્ર "કર્મેન્દ્રિયોને રોકી રાખવા-રૂપી-ત્યાગ" કરે છે કે જેમાં "કર્મોના મૂળ" નો ત્યાગ થતો નથી,
તે સાચો "કર્મોનો ત્યાગ" નથી.પણ જે જ્ઞાની પુરુષો,મૂળ-સહિત-કર્મ-ત્યાગ વડે શાંતિને પ્રાપ્ત થયા છે,તેઓને,
"કર્મ કરવાનું કે કર્મ ના કરવાનું" એ બંનેમાંથી એકેયની જરૂર રહેતી નથી (તેમના માટે તે બંને સરખા જ છે)
આમ,ઉપર કહ્યા મુજબ,વિવેકી પુરુષો,"કર્મની બીજ-રૂપી-કળા"ને મૂળ-સહિત ઉખેડી નાખી,
નિત્ય એક પરમ-તત્વમાં જ ચિત્તને એકાગ્ર કરે છે.તેને લીધે તેમની સ્થિતિ સુખ-વાળી હોય છે.

"મોક્ષ-રૂપી-લક્ષ્મી" પ્રાપ્ત થવાથી જેમના વિક્ષેપો દૂર થયા છે,તેવા વિવેકી પુરુષો "સંકલ્પ"ઓ ત્યાગ કરે છે,અને તેથી "અડધી ઊંઘતી અને અડધી જાગતી" એવી કોઈ અનિર્વચનીય યોગ-ભૂમિકાને પ્રાપ્ત થયેલા હોય છે.
ટૂંકમાં -જેનો "મૂળ-સહિત-ત્યાગ" કરવામાં આવે તેને જ ખરેખરો "ત્યાગ" કહેવાય છે.

હે રામચંદ્રજી,ઉપર કહ્યું તે પ્રમાણે,ચિદાભાસ-સ્વરૂપ અને તેને લીધે અનુભવમાં આવતો દૃશ્ય-પ્રપંચ-વગેરે કશું છે જ નહિ,એકમાત્ર સત્ય-પરબ્રહ્મ જ સર્વત્ર છે,એવું જ્ઞાન થતાં કર્મનો ત્યાગ સિદ્ધ થાય છે,બીજી કોઈ રીતે નહિ.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE