Jul 29, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-872

વસિષ્ઠ કહે છે કે-શબ્દ-માત્રનું મૂળ "ॐ-કાર" છે,કે જેના વડે,
સર્વના આત્મ-રૂપ (ચૈતન્ય) ને લક્ષ્ય-રૂપે સમજી-"તેમનાથી જ મોક્ષ મળવાનો છે"
એમ સમજી,મનમાં કોઈ પણ ખેદ ના પામતાં તમે વ્યવહાર કરો.
વસ્તુતઃ "આત્મ-તત્વ સિવાય બીજું સર્વ મિથ્યા હોવાથી,પુણ્ય-પાપ,શુભ-અશુભ,કર્મો-
એવું કશું હોઈ શકે જ નહિ," આ વાત,વિવેકી પુરુષે તત્વ-જ્ઞાન વડે જાણી,પોતાનાં પુણ્ય-પાપ-રૂપી,
શુભ-અશુભ કર્મનો નાશ કરવો જોઈએ.

સારી રીતે તત્વ-દૃષ્ટિથી વિચાર કરતાં એમ જણાયું છે કે-જો કર્મનો સમૂળગો (પૂર્ણ-રીતે) નાશ થાય,
અને કોઈ જાતનાં કર્મો રહે જ નહિ,તો સંસાર (જગત) આપોઆપ શાંત થાય છે.
જેમ,જે,જળ છે-તે પોતે અંદર પ્રવાહ-રૂપે પણ છે,એ પ્રવાહ-પણું -જળથી જુદું નથી,
તેમ,એ ચૈતન્ય-આત્મા પોતાનામાં "ક્રિયાકારક-વગેરે ત્રિપુટી-વાળી,"ચિત્ત" એવી સંજ્ઞા (નામ) ઉત્પન્ન કરે છે"
પણ તેનાથી,તે પોતે જરા પણ જુદો પડતો નથી.એ જ રીતે,એ "ચિદ-રૂપ" (ચિદ્રુપ) પરમાત્મામાં રહેલું આકાશ
અને તેની અંદર રહેલા જગતના પદાર્થો-વગેરે કંઈ પણ પરમાત્મા થી જુદું પાડી શકાતું નથી.

આ પ્રમાણે જે ચૈતન્ય છે તે જ ચિત્ત-રૂપ છે,તેનાથી જુદું કંઈ નથી.એથી ચિદ-અને-ચિત્ત-એ બંને શબ્દ
"ચૈતન્ય"ને જ બતાવનાર -હોવાથી એ બંને શબ્દ (ચિદ-અને-ચિત્ત નો અર્થ "ચિદ્રુપ" (ચિદ-રૂપ) જ થાય છે.
(નોંધ-ચિદ-અને ચિત્ત-એ બંને એક જ ધાતુમાંથી બનેલ હોવાથી બંને નો અર્થ આમ પણ એક જ થાય છે)
એટલે,ઉપર કહ્યા મુજબ,જેમ જળમાં પ્રવાહ અને તેજમાં પ્રકાશ જોવામાં આવે છે,તેમ,પરબ્રહ્મની અંદર પણ
ચિદ-પણું અને ચિત્ત-પણું,એ બંને પોતપોતાના ધર્મોથી રહિત,શુદ્ધ-બ્રહ્મ-રૂપે રહેલ છે.

છતાં, તત્વથી જરા વધુ વિચાર કરતાં,"ચેતયતી-ઇતિ-ચિત" (જે પ્રકાશ કરે છે તે ચિત) એ "વ્યુત્પત્તિ" વડે
"દૃશ્ય પદાર્થોનો પ્રકાશ કરવો-તે ચેતનની "ક્રિયા" હોય" તેમ જણાય છે.પરંતુ,
"ચેતન કે જે તત્વ-દૃષ્ટિથી,સાક્ષી-રૂપ (કૂટસ્થ) છે" તેમાં આ વાત સંભવિત નથી,પણ ભ્રાંતિ વડે મિથ્યા જ ભાસી રહેલ છે.એટલે જે મિથ્યા-રૂપે ભાસતું હોય તે ખરી રીતે હોઈ શકે જ નહિ.

જેમ,પવન અને તેની ગતિ-એ બંને જુદા નથી,તેમ, એ "ચેતન (ચિદાભાસ) અને તેની ક્રિયા (કર્મ)"
એ બંને,કોઈ હેતુ વિના જ (ભ્રાંતિથી) દેખાતાં હોવાથી,તે બંને "આત્મા" થી જુદાં નથી,
તેથી બહાર જાગ્રત-અવસ્થામાં તથા અંદર સ્વપ્ન ને સુષુપ્તિ-અવસ્થામાં
જે કોઈ પદાર્થો જોવામાં આવે છે -તે પણ "આત્મા" થી જુદા નથી જ.

આ જે "દેહ" છે તે કર્મનો ફેલાવો કરે છે,અને તેનું મૂળ "અહંકાર" છે,કે જે જન્મ-મરણ-આદિ સંસારના હેતુ-રૂપ છે.
"હું (અહંકાર) એવી કંઈ વસ્તુ જ નથી"એવી ભાવના વડે,"ચિદાભાસ" કે જે કર્મ-રૂપે ફેલાય છે,
તેનો અભાવ સમજી લઇ,અહંકાર-રૂપી મૂળને કાપી નાખવાથી તે "ચિદાભાસ" શાંત થઇ જાય છે.
માટે પથ્થરની જેમ દૃઢ બની,તમે સંસારના આ મૂળને ઉખેડી નાખો.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE