Aug 9, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-883

ભુશુંડ કહે છે -જો કે સર્વ દૃશ્ય (જગત) માત્ર આભાસ-રૂપે રહેલ છે,અને તાત્વિક દૃષ્ટિએ છે જ નહિ,
તે,ફક્ત માયાવીની માયાની જેમ,મિથ્યા છતાં પણ કોણ જાણે ક્યાંથી,પણ ઉત્પન્ન થયેલું જોવામાં આવે છે.
જેમ સોનાની અંદર કુંડળ-આદિ ભાવો રહેલ છે,તેમ,સંસાર પણ ચૈતન્ય-તત્વના ચમત્કારની અંદર રહેલો છે,
કે જે -સંકલ્પનો જ માત્ર ક્ષય થવાથી તરત જ ક્ષય પામી જાય છે.માટે હવે સંકલ્પ કરવો કે સંકલ્પ થવા જ
ના દેવો-એ બંને વાત તમારા પોતાના ખાસ તાબાની જ વાત છે.માટે જેમ તમારી ઈચ્છા હોય તેમ તમે કરો.

જે પુરુષ,અન્નપાન-વગેરે ઐહિક (આ લોક સંબંધી) ભોગ ની સામગ્રી,
અને દાન-યજ્ઞ-વગેરે પારલૌકિક (પરલોક સંબંધી) ભોગની સામગ્રી,એ બંનેમાં નિષ્કામ હોવાથી કંઈ પણ
"ફળની આશા" રાખતો નથી,તેવા વીતરાગ (અનાસકત-કે નિષ્કામ) પુરુષનો આ છેલ્લો જન્મ છે.

હે શુદ્ધ બુદ્ધિમાન વિદ્યાધર,પૂર્વની અવિવેક દશાના કરતાં,કોઈ બીજી જ મહાપવિત્ર વિવેકની પદવીને તમે
પ્રાપ્ત થઇ ગયેલા છો.તમારા મનના સંકલ્પ-બળથી પણ ઉત્તમ એવી આ પદવીથી તમે હવે નીચે પડશો નહિ,
અને, વાણી અને મનના વ્યાપાર-રહિત (વાણી-મનથી અગમ્ય) એવા
શુદ્ધ ચિદરૂપ પરમાત્માનું અવલંબન રાખી,મન-જગત વગેરે દૃશ્ય-વર્ગને છોડી દો.

(૯) જગત ચિન્માત્ર છે

ભુશુંડ કહે છે કે-હે વિદ્યાધર,દૃશ્ય અને તેમાં રહેલ ક્રિયા,ગુણ દોષ વગેરેને તથા તે દૃશ્યથી "જુદા જણાતા"
એવા  દૃષ્ટા-રૂપે-જોનારા જીવ-ચૈતન્યને પણ તત્વ-દૃષ્ટિથી વિચારી,તેમને મિથ્યા સમજી,
તે તરફ કંઈ લક્ષ્ય નહિ આપતાં,શાંત-પણાથી,સર્વત્ર ભરપૂર પ્રકાશમય એક શુદ્ધ ચિદાત્મા થઈને તમે રહો.
જે રીતે,પરસ્પર એકબીજાના ધર્મોનું વિરુદ્ધ-પણું હોવા છતાં,સમુદ્રના જળમાં વડવાનલ રહેલો છે,
તે રીતે દૃશ્ય-વર્ગ પોતે ચૈતન્ય-તત્વ કરતાં વિરુદ્ધ અચેતન-વગેરે વિરુદ્ધ ધર્મવાળો હોવા છતાં,
સમાન-પણાથી એ ચૈતન્યમાં જ આભાસ-રૂપે રહેલો છે.(જડમાં ચેતનની પ્રવૃત્તિ ચૈતન્ય સત્તાથી જ છે)

જેમ અગ્નિની જવાળાના નાશનું અને ઉત્પત્તિનું કારણ પવન જ છે,તેમ,જડ અને ચેતન-એ બંને ભાગના
હેતુ-રૂપ એક ચેતન-સત્તા જ છે.કારણકે તેમનામાંનું ચેતન-પણું ચૈતન્ય-સત્તાને જ આધીન છે.
"હું" એવી કોઈ વસ્તુ છે જ નહિ,જે કંઈ છે તે ચૈતન્ય છે" એ પ્રમાણે તમે કેવળ ચૈતન્ય આત્મામાં જ શાંત થાઓ.
આમ તમે કે જે ચૈતન્ય છો- તે સર્વ પદાર્થની અંદર અને બહાર રહેલા હોવાથી પદાર્થોનો નાશ થઇ જાય,
તો પણ તમે (ચૈતન્ય) અવશેષ રહો છો.

હે વિદ્યાધર,"હું" એવું કોઈ અહંકારનું જુદું સ્થાન છે જ નહિ,જે છે તે ચૈતન્ય આત્મા જ છે,
એ પ્રમાણે જો તમારું "જીવ-ચૈતન્ય" જો "બ્રહ્મ-ચૈતન્ય" માં એકતાને પ્રાપ્ત થઇ ગયું,
તો પછી તેનાથી કોઈ બીજો વિષય જુદો નહિ રહેવાથી,
તમારા બ્રહ્મ-રૂપની  કોને  ઉપમા આપી શકાય તેમ છે? (કોઈને નહિ)

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE