Nov 8, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-974

તૃષ્ણા વિનાનો,વિરક્ત વિવેકી-પુરુષ,પોતે બ્રહ્મ-રૂપ થયેલો હોય છે અને તેની તૃષ્ણા પણ બ્રહ્મ-રૂપ થયેલી હોય છે,આથી કોઈ વખતે ભલે તેને બાહ્ય પદાર્થોનું જ્ઞાન થતું હોય,પણ તે તેને વિક્ષેપ કરી શકતું નથી.
જેમ,સારી રીતે પ્રજળેલા અગ્નિમાં ઘીનું ટીંપુ રહી જ શકતું નથી,તેમ,શુદ્ધ-ચૈતન્યને પોતાના આત્મા-રૂપે અનુભવનારા તત્વજ્ઞ પુરુષને જ્ઞાનના પ્રભાવથી સદાકાળ સહજ-સમાધિ સિદ્ધ રહે છે,તેને સમાધિ માટે કોઈ વિશેષ પ્રયત્ન કરવો પડતો નથી.

વિષયો તરફ પરમ વૈરાગ્ય હોવો એ જ સમાધિ કહેવાય છે,અને જેનો આવો વૈરાગ્ય પૂર્ણતાને પામ્યો હોય,
તેના ધ્યાનનો ભંગ કરવાને દેવો-કે દાનવો,કોઈ પણ શક્તિમાન થઇ શકતા નથી.
આમ,વિષયો વિષે પરમ વૈરાગ્ય મેળવવો,એ જ દ્રઢ ધ્યાન છે,માટે એને સાધવાનો પ્રયત્ન કરવો.
(જો કોઈ પણ રીતે) સત્ય જ્ઞાન થવાને લીધે,વિવેકીને, જો ભેદ-બુદ્ધિ (બ્રહ્મ-અને નામ-રૂપ-વાળું જગત) દૂર થાય,
તો પછી બીજા તુચ્છ ધ્યાનની શી જરૂર છે? (ધ્યાનથી ભેદ-બુદ્ધિ દૂર થાય છે કે જ્ઞાન થાય છે)

વસિષ્ઠ કહે છે કે-હે સુજ્ઞ શ્રોતાઓ,વિવેકી અને અવિવેકી,જ્ઞાન અને અજ્ઞાન,જગત અને પરમેશ્વર,
એ સર્વ એકરૂપ થઈને જે અધિષ્ઠાન-ચૈતન્યમાં પ્રકાશિત થઇ રહ્યાં છે,તેમાં જ તમે શાંતિ મેળવો.
પરમપદમાં શાંતિ મેળવવાના ત્રણ ઉપાય છે. એક ઉપાય-અધ્યાત્મ-શાસ્ત્રનો નિરંતર અભ્યાસ કર્યા કરવો એ છે,
બીજો ઉપાય-સત્સંગ છે અને ત્રીજો ઉપાય -ધ્યાન છે.આ ઉપાયોમાં અનુક્રમે એક પછી એક શ્રેષ્ઠ છે.

જીવ (આત્મા) એ બ્રહ્મ-ચૈતન્ય (પરમાત્મા)નું એક પ્રતિબિંબ જ છે.
તે અરીસાની જેમ આશ્રય-રૂપ થઇ રહેલ ઉપાધિ (માયા)ને લીધે પરસ્પર ભિન્નભિન્ન રૂપને ધારણ કરી લે છે.
આ જગતમાં સર્વને તે પ્રિય-અપ્રિય વસ્તુનો સંબંધ થાય છે અને તેઓ પોતપોતાના કર્મની વિચિત્રતા પ્રમાણે,
બ્રહ્માથી માંડીને છેક તરણા સુધીનાં  નાનાં મોટાં શરીરોમાં ઉદય પામે છે.

આ પ્રમાણે અનાદિ-કાળથી જ આ સૃષ્ટિનો ક્રમ ચાલ્યો આવ્યો છે.
કોઈ પુણ્યાત્મા પુરુષ ભાગ્યનો ઉદય થવાથી,જ્ઞાનના અધિકારને યોગ્ય એવો માનવ-જન્મ મેળવે છે,
અને તેમાં તેને શાસ્ત્ર-વિચાર-સત્સંગ-ધ્યાન-વગેરે વિચારો મળી આવે છે.
અને આમ થતાં, તે તેના આગળ-પાછળના અનેક જન્મોનું અવલોકન કરે છે,
કે જેથી તેને વૈરાગ્યનો ઉદય થઇને જ્ઞાનની પ્રાપ્તિ (ઉદય) થાય છે.
જ્ઞાન અને વૈરાગ્ય-એ બેમાંથી એકની સિદ્ધિ થતાં,બંનેની સિદ્ધિ થઇ જાય છે.

જગતની ભ્રાંતિ નિર્મૂળ (મૂળ વગરની) છે,અને આ ભ્રાંતિ ઉપર-ઉપરના (ઉપલકિયા) જ્ઞાનથી દૂર થઇ શકતી નથી.
જેમ,અવિવેકી મનુષ્યમાં સંસાર પ્રત્યે આસક્તિ થવાથી,સંસાર-સંબંધી ભ્રાંતિ વધતી જાય છે,

તેમ,વિવેકીને જ્ઞાન-બળ (જ્ઞાન-શક્તિ)ને લીધે,સંસાર-ભ્રાંતિનો(તે સંસાર બ્રહ્મ-રૂપે ભાસવાથી) ધીમે ધીમે ક્ષય થાય છે,અને છેવટે તેને આ ત્રણે લોકની સ્થિતિ માત્ર આભાસ-રૂપે જ જોવામાં આવે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE