Dec 27, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1023

આ જે કંઈ વિવર્ત-રૂપે પ્રતીતિમાં આવે છે,તે પરમ-મંગલ-રૂપ છે અને ચિદાકાશથી જરા પણ જુદું નથી.
નિશ્ચળ અને અવિનાશી ચિદાકાશ જ અહંકારની ભાવના કરે છે ત્યારે સંકલ્પ-રૂપ-મનના આકારે સ્ફુરિત
થઇ પ્રતીતિમાં આવે છે.વસ્તુતઃ તો એ ચિદાકાશ પોતાના સ્વરૂપની અંદર જ સ્થિત-પણાથી રહેલ છે,
પરંતુ મિથ્યા ભાવના (સંકલ્પ) કરવાથી,'ચિદાભાસ' રૂપે,અહંકારરૂપે,સ્થૂળદેહરૂપે થઇ રહેલા
પોતાના આત્માને અનુભવે છે.

એ ચિદાકાશ વસ્તુતઃ શુદ્ધ છે તેથી વાસનાના ક્ષય સુધી તે દેહાદિકને આત્મા-રૂપે અનુભવે છે
પછી વાસનાનો ક્ષય થઇ જતાં તે પોતાની ઇચ્છાથી જ શાંત-અહંકારરહિત થઇ જાય છે.
જીવનમુક્ત પુરુષોને જયારે યથાર્થ તત્વજ્ઞાન થાય છે ત્યારે તેમને આ વિસ્તીર્ણરૂપે દેખવામાં આવતો સંસાર
શૂન્યરૂપ જ લાગે છે અને પરમતત્વ જ જાણે વિવર્ત-રૂપે સર્વને આકારે થઇ રહ્યું છે તે અનુભવમાં આવે છે.
યથાર્થ તત્વજ્ઞાન થાય,ત્યારે અદ્વૈતજ્ઞાનના બળથી અહંકારનો ક્ષય થઇ જઈને કેવળ મોક્ષ જ અવશેષ રહે છે.

હે રામચંદ્રજી,બ્રહ્મા,પોતે જ આ જગતને આકારે થઇ રહેલ છે અને એ વિરાટના આત્મારૂપ બ્રહ્માનો જે દેહ છે,
તે જ આ જગત છે અને તે જ 'બ્રહ્માંડ' શબ્દ વડે પણ કહેવાય છે.વસ્તુતઃ તત્વથી તો જગત કે બ્રહ્માંડ કશું નથી,
કે તમે કે હું પણ નથી.શુદ્ધ નિર્મળ ચિદાકાશની અંદર  જગત ક્યાંથી ઉત્પન્ન થાય? શી રીતે ઉત્પન્ન થાય?
ક યાં સાધન વડે ઉત્પન્ન થાય?કેવા રૂપે ઉત્પન્ન થાય? અને તેને ઉત્પન્ન થવામાં શું સહકારી કારણ હોઈ ?

આથી સિદ્ધ થાય છે કે-જગત મિથ્યા-રૂપે ઉત્પન્ન થાય છે,મિથ્યા-રૂપે દેખાય છે,મિથ્યા-રૂપે જ પ્રિય-અપ્રિય
ભાસે છે અને શુદ્ધ નિરાકાર બ્રહ્મ (સ્વપ્નની જેમ) ભ્રાંતિથી જ પોતાના સ્વરૂપને જગતના આકારે દેખે છે.
જે કંઈ (જગત) પ્રતીતિમાં આવે છે તે છે-એમ માનીએ તો,તે કંઇક અનિર્વચનીય જેવું છે.અથવા
દ્વૈત-અદ્વૈત એ બંને વિભાગને છોડી દેતાં કંઈ પણ નથી.નિર્મળ ચિદાકાશ જ જગતરૂપે પ્રતીતિમાં આવે છે.

જે રામચંદ્રજી,આ તત્વજ્ઞાનને લીધે સર્વ ભેદ-બુદ્ધિને છોડી દઈને મેં નિઃસંકલ્પ દશા પ્રાપ્ત કરી છે.પરમાર્થ દૃષ્ટિએ
બ્રહ્મ-રૂપ હોવા છતાં,હું વ્યવહાર-દૃષ્ટિએ જાણે દેહાદિરૂપ હોઉં,તેવો થઇ રહ્યો છું અને મમત્વથી રહિત છું.
આવી જ રીતે તમે પણ તેવા જ થઇ જાઓ અને મૌનને ધારણ કરી ચપળતા મૂકી દો.
પછી વ્યુત્થિત (જાગ્રત) દશામાં તમે સુખથી યથાપ્રાપ્ત વ્યવહાર કરતા રહો
કે સમાધિ અવસ્થામાં તે વ્યવહાર ભલે ના કરો.આ બાબતમાં શા માટે આગ્રહ રાખવો?
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE