More Labels

Mar 4, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1088


જે આત્મા-રૂપી જ્ઞાન વિદ્યમાન (હાજર) હોવા છતાં,બીજાં અનેક શાસ્ત્રોથી,સહેલાઈથી નથી જણાતું,
તે આત્મ-સ્વરૂપ જેવા આ શાસ્ત્ર (યોગ વાસિષ્ઠ) વડે મધુરતાથી અને સહેલાઈથી લોકો જાણી શકશે,
એમાં કોઈ સંશય નથી.શાસ્ત્ર-દૃષ્ટિમાં જે આખ્યાનો મુખ્ય છે,તે સર્વમાં આ યોગ-વાસિષ્ઠનું આખ્યાન ઉત્તમ છે.
તે સુખથી અન્યાસે બોધ આપનાર છે,હૃદયને રુચે તેવું છે અને એમાં અનાદિ-સિદ્ધ તત્વવેત્તાઓના (અદ્વૈત) સંપ્રદાયના
સિદ્ધાંત વિના બીજું કશું પણ કપોળ-કલ્પિત નથી.એથી કોઈ અધિકારી પુરુષ,
આ યોગ વાસિષ્ઠ (શાસ્ત્રના) આખ્યાનને વિચારે તો આત્મજ્ઞાનને પ્રાપ્ત થાય છે.

કોઈ દિવસ કોઈ પણ શાસ્ત્ર-કર્તા (શાસ્ત્રોને રચનાર) પર (તેના લખાણ પર) મોહ પામી જઈ,તેનાથી પ્રભાવિત થઈને
(મોહ પામીને) તે શાસ્ત્રો(કે શાસ્ત્રકર્તા) માં ખાલી મગ્ન થઈને રહેવું નહિ,પણ,તે શાસ્ત્રકર્તાના શાસ્ત્રનો
અર્થ યુક્તિ વડે યુક્ત હોય અને અનુભવ વડે બંધબેસતો આવતો હોય (અનુભવ કરી શકાય તેવો હોય)
તો તે તે યુક્તિઓને અજમાવી અને તેનો અનુભવ કરવો જોઈએ.સાથે સાથે,શાસ્ત્રોનું અપમાન કરનારા
અવિચારી-અવિવેકી સાથે વિવેકી પુરુષે,કોઈ દિવસ અજ્ઞાન-મત્સર કે મોહથી મૈત્રી કરવી નહિ.

હે રામચંદ્રજી,અહી આ સભામાં શ્રોતાઓનો સમૂહ,તમે ને હું -જેવા (શાસ્ત્રના) અધિકારીઓ હાજર છીએ.
તમારી સર્વની બુદ્ધિ પણ શ્રવણ-ધારણા-અભ્યાસ વગેરેમાં નિપુણ છે અને હું પણ પોતે જેવો છું એ સર્વ યથાર્થ
રીતે જાણું છું.તમારા સર્વના ભાગ્યોદયથી ઉદબુદ્ધ (પેદા) થયેલી કરુણા વડે,હું તમને ઉપદેશ આપવા પ્રવૃત્ત થયો છું.
હું નર,ગંધર્વ,દેવ કે કોઈ રાક્ષસ નથી,પણ તમારો પોતાનો શુદ્ધ થયેલ ચિદાત્મા જ તમારા પુણ્યયોગથી,
તમને બોધ કરવા (વસિષ્ઠ-રૂપી) મારા આકારે (પણ વસ્તુતઃ ચિદાત્મા રૂપે) આવેલ છે.તમે સર્વ મારા ચિદાત્મા-રૂપ છો
અને હું પણ પુણ્યોથી ઉપદેશક થઇ રહ્યો છું,વસ્તુતઃ હું તમારા આત્માથી જુદો નથી.

જ્યાં સુધી રાત્રિના જેવા મહાઘોર,ભયંકર અને અંધકારમય એવા મરણના દિવસો આવી પહોંચ્યા નથી ત્યાં સુધી
સર્વ વસ્તુમાં વૈરાગ્ય રાખવા-રૂપી-સારને ગ્રહણ કરી લો.જ્યાં સુધી સર્વ પદાર્થોમાં વૈરાગ્ય થયેલ નથી,
ત્યાં સુધી પદાર્થોની વાસના ઓછી થતી નથી.સંસાર-સાગરમાંથી આત્માનો ઉદ્ધાર કરવા માટે,વાસનાને ઓછી કરવા
સિવાય બીજો કોઈ પણ ઉપાય કોઈ જગ્યાએ છે જ નહિ.

જો કદાચિત પદાર્થો સત્યપણે રહ્યા હોય,તો 'હજી અમુક વસ્તુ (પદાર્થો) જરૂરી છે ને ઉપયોગી છે' એવી
ભાવના થાય ,પરંતુ એ પદાર્થો સસલાનાં શિંગડાંની જેમ છે જ નહિ.(સસલાને શિંગડાં હોવાં અસંભવિત છે)
જગતના સર્વ પદાર્થો અવિચાર વડે જોવામાં આવે તો જ મનોહર દેખાય છે,
પરંતુ વિચાર કરવામાં આવે તો તેમનું અસ્તિત્વ જ ના જણાતાં તેઓ ક્યાંય જતા રહે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE