Mar 5, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1089






સર્વ ઇન્દ્રિયો વડે અગમ્ય એવા પરબ્રહ્મની અંદર મન અને ઇન્દ્રિયો વડે પ્રતીતિમાં આવતાં પદાર્થોનું 'કારણ'
કશું છે જ નહિ,કેમ કે મન-ઇન્દ્રિયો જ તેમાં કારણ-રૂપ જણાય છે અને પરબ્રહ્મ તેમનો 'વિષય' પણ નથી.
જુદા જુદા નામ-રૂપે પ્રતીતિમાં આવતા પદાર્થોનું,નામરૂપથી રહિત એવું બ્રહ્મ,એ 'કારણ' કેમ હોઈ શકે?
શૂન્યની અંદર અશૂન્યપણું કેમ સંભવે? જેમ,વડ,સાકાર છે તો તેનું બીજ પણ સાકાર જ છે,તેમ,જો સાકાર
જગતનું 'કારણ' બ્રહ્મ જ હોય તો તે બ્રહ્મ પણ સાકાર હોવું જ જોઈએ.(પણ વસ્તુતઃ તેમ નથી)

જેમાં કંઈ આકૃતિ (આકાર) વાળું બીજ,જરા પણ પ્રતીતિમાં આવતું નથી,તે 'પરબ્રહ્મ'માંથી,
તે પોતે 'કારણ' ના હોવા છતાં પણ આ આકારવાળું જગત ઉત્પન્ન થાય છે ! તે આશ્ચર્યની વાત જ છે !!
તે પરમપદ(પરબ્રહ્મ) ની અંદર કાર્ય-કારણ-ભાવ-આદિ કશું નથી,એટલે વાચાળતાથી (વાણી વિલાસથી)
તેમાં કંઈ (પદાર્થ કે જગતની) કલ્પના કરી બોલવું તે એક મૂર્ખતા (અવિવેક) જ છે.

'કારણ'નો અભાવ હોય,તો કારણમાંથી કાર્યની ઉત્પત્તિ થાય નહિ' આ વાત બાળકને પણ અનુભવમાં આવે તેવી છે.
પૃથ્વી-આદિની (પદાર્થોની) પ્રતીતિ  થવી-તે જ તેના કારણ-રૂપ છે,આથી તે પદાર્થો,કંઈ વાસ્તવ વસ્તુ નથી.
છાયા-એ શી વસ્તુ છે? તે છાયા તડકામાં શી રીતે રહી શકે? તે (વિષે વિચારીને) તમે કહો.

આ જગત પરમાણુઓના સમૂહ-રૂપ છે,એ વાત પણ વાસ્તવિક નથી,કેમ કે 'સસલાનું શિંગડું ધનુષ્યના જેવડું છે'
એમ કહેવામાં અજ્ઞાન સિવાય બીજું કશું નથી.જો કુદરત, પરમાણુઓનો સમૂહ ભેગો કરીને જગતને ઉત્પન્ન કરે છે-એમ હોય
તો પાછો તે પાછો આકાશમાં જ કુદરતથી વિખેરાઈ જવો જોઈએ,અને જેથી  દેશ-દેશમાંકે ઘર-ઘરમાં એ પરમાણુઓના
અવયવ-રૂપી-રજ,નિરંતર નવીનવી રીતે ઉડ્યા કરવી જોઈએ,અથવા તો રોજ તે રજનો મોટો  ઢગલો કે મોટો ખાડો થઇ
રહેવો જોઈએ,પરંતુ આમ થતું તો કશું દેખાતું નથી.

કદાચિત આ જગતને કોઈએ બનાવેલું કહીએ,તો આ જગતના બનાવવાનું 'કર્મ' (કાર્ય) કોનું છે?
તેને ઈશ્વરનું બનાવેલું માનીએ તો,નિત્ય-મુક્ત ઈશ્વર,નિરર્થક (વ્યર્થ-કર્મ) પ્રવૃત્તિ કરે જ નહિ.
વળી જડ પરમાણુઓ પોતાની મેળે જ સૃષ્ટિ રચવામાં સમર્થ થઇ શકે નહિ.
હે રામચંદ્રજી,આ અચિંત્ય રચના-રૂપી કર્મ (જગત) કોઈએ અજ્ઞાનપૂર્વક જ બનાવી દીધું હોય,એમ તો સંભવી શકે નહિ.
અને જો તેને બુદ્ધિ-પૂર્વક બનાવ્યું હોય,તો એવો કોણ ઉન્મત્ત (પાગલ) હોય કે બુદ્ધિપૂર્વક વ્યર્થ કર્મ કરે?

જડ પવન પણ બુદ્ધિપૂર્વક ચેષ્ટા (કર્મ) કરી શકતો નથી અને તેની ચેષ્ટા વિના પરમાણુઓનો સમૂહ ભેગો  થઇ જાય
એ વાત પણ સંભવતી નથી.વળી આ જગત બીજા કોઈની કૃતિ (કાર્ય) રૂપ છે,એમ પણ સંભવ જણાતો નથી.
એટલે તત્વવેત્તાઓ (અદ્વૈત વાદીઓ કે અહી યોગવાસિષ્ઠ મુજબ) કહે છે કે-આ જગત ચિદાકાશનો આભાસ છે,
અને તે ચિદાકાશ (પરબ્રહ્મ-કે ઈશ્વર) વિવર્તભાવથી આ જગત-રૂપે ભાસે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE