May 1, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1142

મુનિ કહે છે કે-સૃષ્ટિના આદિકાળમાં જ પ્રથમ સૃષ્ટિ થવાનું કશું 'કારણ' સંભવતું નથી,તેથી સ્પષ્ટ રીતે સૃષ્ટિ
ઉત્પન્ન થઇ જ નથી.સુષ્ટિ-વાચક-શબ્દ અને તેનો અર્થ (દૃશ્ય કે જગત) એ બંને અધિષ્ઠાન-ચૈતન્યનું સ્વરૂપ,
ના ઓળખાયાથી અજ્ઞાન વડે પ્રતીતિમાં આવે છે,પરંતુ વસ્તુતઃ જોતાં એમાંનું કશું નથી.
હે વ્યાધ (પારધી) તમને અનુભવમાં આવેલું,સ્વપ્ન  જેવી સૃષ્ટિનું ખરું તત્વ તમે સમજી જશો
એટલે તમારા અજ્ઞાનની શાંતિ થઇ રહેશે.

જયારે,પરમ સિદ્ધાંત-રૂપે જાણીતા એવા પરમ પવિત્ર,અનંત અને અનાદિ એવા પરમપદમાં તમે જશો
ત્યારે 'સૃષ્ટિ' નામનો શબ્દ અને 'દૃશ્ય' (જગત) નામનો તેનો અર્થ એમ બંને રહેશે નહિ.એમ મારું કહેવું છે.
બાકી આ વિષયમાં મૂઢ અવિવેકીઓની દૃષ્ટિમાં જે આવતું હોય તે વિષે હું જાણતો નથી.
'તત્વ-વસ્તુ' જ અવિદ્યા (માયા)ના યોગથી દૃશ્ય-રૂપે ભાસી રહી છે,અને બોધ-માત્ર ચિદાકાશ જ સર્વત્ર,
વિવર્ત-રૂપે પ્રસરી રહેલ છે.તો એ ચિદાકાશ ની અંદર હૃદય ક્યાં છે? સ્વપ્ન ક્યાં છે? જ્ઞાન-અજ્ઞાન ક્યાં છે?
જન્મ-મરણ ક્યાં છે? પ્રલય ક્યાં છે? અગ્નિ-જળ-પૃથ્વી-આકાશ -આદિ ક્યાં છે?

જેમ શુદ્ધ આકાશમાં,આભાસથી જુદા જુદા આકારો જોવામાં આવે છે,તેમ તમને ભ્રાંતિ કે અવિદ્યાને લીધે
ચિદાકાશમાં દૃશ્ય-જગતના આકારો ભિન્ન-રૂપ ભાસે છે,બાકી અમારી દૃષ્ટિમાં તો જગત પ્રાતિભાસિક સત્તા પણ નથી
કે વ્યવહારિક સત્તા પણ નથી.વળી તે સાવ શૂન્ય છે,છતાં તેની પ્રતીતિ નથી થતી તેવું પણ નથી.તેથી જે પ્રતીતિમાં
આવે છે તે અનાદિ-અનંત-ચિદાકાશ-રૂપ જ છે.સ્વપ્નની જેમ એક દૃષ્ટા જ અનેક આકારે ભાસે છે,
તેથી સિદ્ધ થાય છે કે-જાગ્રતમાં પણ પ્રતીતિમાં આવતી આ સૃષ્ટિનું કોઈ કારણ નથી.
અને તેને લીધે દૃષ્ટા,દૃશ્ય અને દર્શનની ત્રિપુટી પણ નથી,એક શુદ્ધ વસ્તુ જ એ સર્વ-રૂપે ભાસે છે.

એ વસ્તુ (ચિદાકાશ) સ્ફુટ-રીતે (દૃશ્ય તરીકે) અનુભવમાં આવવા છતાં અવાચ્ય છે,અનાદિ છે,અનંત છે,એક છે.
જેમ એક કાળ જ પ્રલય-રૂપ અને સૃષ્ટિ-રૂપ-એમ બંને રીતે થઇ જાય છે,તેમ એક બ્રહ્મ જ સર્વ-રૂપ થઇ રહ્યું છે.
એકને જે વસ્તુ મોટી ભીંત-રૂપ દેખાય છે,તે જ વસ્તુ બીજાને (જ્ઞાનીને) નિર્મળ આકાશ-રૂપ દેખાય છે.
જેમ અદૃશ્ય પવનમાં અદૃશ્ય સુગંધ રહે છે,તેમ નિર્બાધ ચિન્માત્ર તત્વની અંદર જગત પણ નિર્બાધ-પણે,
અધ્યારોપ-દૃષ્ટિથી રહેલું છે.માટે તમે તમારા શુદ્ધ સ્વરૂપમાં જ નિરંતર સ્થિર થઈને રહો.

વ્યાધ (પારધી) કહે છે કે-હે મહારાજ,પૂર્વજન્મ સંબંધી કર્મ કોનું હોય છે અને કોનું હોતું નથી? તેમ જ જેમનું એ કર્મ
નથી હોતું તેમને તે કર્મ-રૂપ બીજ વિના,મનન (સંકલ્પ)ની ઉત્પત્તિ અને તેનો ત્યાગ શી રીતે થઇ શકે?

મુનિ કહે છે કે-સૃષ્ટિના આદિકાળમાં બ્રહ્મા-આદિ પોતાની મેળે જ પ્રગટ થઇ જાય છે,તેમનો જન્મ કે તેમને પૂર્વકર્મ હોતાં
નથી.તેમનો દેહ વિજ્ઞાનમય હોય છે અને તેમને જન્મ-મરણ-આદિનો સંસાર પણ હોતો નથી.
તેમને દ્વૈત-કે બીજી વિવિધ કલ્પનાઓ હોતી નથી પરંતુ તેમનો દેહ વિશુદ્ધ જ્ઞાનમય હોવાથી,તેઓ સર્વાત્મ્ય-ભાવને
લીધે સર્વ-રૂપ થઈને રહેલ છે.બાકી તત્વ-દૃષ્ટિથી જોઈએ તો-
સૃષ્ટિના આદિકાળમાં કોઈ પૂર્વકર્મ છે જ નહિ,પરંતુ સૃષ્ટિના આરંભકાળમાં બ્રહ્મ જ સૃષ્ટિ-રૂપ થઇ જાય છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE