Apr 30, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1141

મુનિ કહે છે કે-ત્યાં બીજા જ પર્વતો,ગામો,પૃથ્વી,દિશાઓના ભેદ-વગેરે મને દેખાયા.તે બંધુઓ-વગેરે ત્યાંથી
ક્યાંક ઉડીને ચાલ્યા હોય તેમ,તે કોઈ ત્યાં દેખવામાં આવ્યા નહિ.જાણે પ્રથમનાથી બીજું જ જગત ઉદય
પામ્યું હોય તેમ ભાસતું હતું.બાર સૂર્યો તપતા હતા અને દશે દિશાઓ બળતી હતી.સમુદ્રો સુકાઈ ગયા હતા
અને દિશાઓમાં પ્રચંડ પવનો વાતા હતા.પ્રથમ પાતાળ,પછી પૃથ્વી અને પછી દશે દિશાઓમાં જવાળાઓ
નીકળવા માંડી હતી.હું જ્વાળાઓથી ભરપુર ભરેલા ઘરની અંદર પેઠો,છતાં આતિવાહિક દેહના દૃઢ નિશ્ચયને
લીધે મને દાહ થતો નહોતો.ને તે વખતે વાયુની ધારણા વડે પવન-રૂપ થઇ રહ્યો હતો.

(૧૪૧) કલ્પાંતરનું વર્ણન

મુનિ કહે છે કે-જોકે હું ચોતરફથી અગ્નિથી વ્યાપ્ત હતો અને અગ્નિમાં પડી જતો હતો તો પણ
'તે સ્વપ્નની અંદર સ્વપ્ન છે'એવું મને જ્ઞાન હોવાથી હું દુઃખી થઇ જતો નહોતો.
મેં એ દાવાનળ વિષે વિચાર કરવા માંડ્યો,ત્યાં તો સુસવાટા મારતો પવન ચાલુ થઇ ગયો અને અગ્નિની
જવાળાઓને પુષ્ટિ આપવા માંડ્યો.જગતના વિવિધ પદાર્થો તે ભયાનક પવનના વેગ સાથે ઉડતા હતા.
અગ્નિના તણખા વડે તે જાણે પોતાના ઊંચા દાંતોને બહાર કાઢી રહ્યો હોય તેમ જણાતો હતો.
અને દિશાઓને તે ધુમાડા-રૂપી અંધકારથી ઢાંકી દેતો હતો.

ત્યારે પૃથ્વી,આકાશ અને ચારે દિશાઓમાંથી જ્વાળાઓ-રૂપી મેઘો નીકળવા માંડ્યા  
અને દેવતાઓ સહિત આ સાતેય લોક જ્વાળામય એવા એક પર્વતની જેમ પિંડ-રૂપ બની ગયા.
ત્યારે ભયંકર પવન કાળાગ્નિ રુદ્રની જેમ,નૃત્ય-રૂપી-લીલા કરવાને પ્રવૃત થઇ ગયો હતો.

(૧૪૨) કર્મના અભાવનો નિર્ણય

મુનિ કહે છે કે-તે સમયનું કષ્ટ અનેક સંભ્રમોના અધિષ્ઠાન-રૂપ હતું.ને તેની અંદર હું વહ્યો જતો હતો,
ખેદ પામતો હતો.હું વિચાર કરવા લાગ્યો કે-આ તો મને બીજાના હૃદયમાં સ્વપ્ન જોવામાં આવે છે,
તો શા માટે તે દુઃસ્વપ્નના દુઃખને વૃથા અનુભવું છે? આ દશાને છોડીને હું શા માટે નિવૃત્તિ ના પામું?

પારધી (વ્યાધ) કહે છે કે- 'સ્વપ્ન શું હશે?'એ સંદેહની શાંતિ માટે આપે બીજાના હૃદયમાં પ્રવેશ કર્યો હતો,
તો પછી આપે એ વિષયમાં શો નિર્ણય કર્યો? આપે જે સર્વ જોયું તે શું હતું? હૃદયની અંદર મહાસાગર
ક્યાંથી હોય? ઉદરમાં પ્રલયવાયુ કેમ સંભવે? અને હૃદયની અંદર પ્રલયાગ્નિની સ્થિતિ પણ કેમ ઘટે?
આકાશ,પૃથ્વી,વાયુ પર્વતો,નદીઓ,દિશાઓ અને જગત એ બધું હૃદયમાં હોવું તે કેમ સંભવે?
આ વિષે આપ મને યથાર્થ રીતે કહો.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE