May 2, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1143






જેમ,'બ્રહ્મ-રૂપ' એવા બ્રહ્મા,સૃષ્ટિના આદિકાળમાં પ્રગટ થઇ જાય છે,તેમ,બ્રહ્મ-રૂપ બીજા સેંકડો જીવો
પણ સૃષ્ટિના આદિકાળમાં પ્રગટ થઇ જાય છે.અજ્ઞાન (અવિદ્યા કે માયા)ના આવરણને લીધે,જેઓ પોતાના બ્રહ્મભાવને
ભૂલી જઈને પોતાના સ્વરૂપને બ્રહ્મથી જુદું (પોતાના દેહ-રૂપે) સમજે છે,તેઓ સત્વગુણના પરિણામથી થનારા
રજોગુણ-તમોગુણ વાળા 'જીવ-ભાવ'ને સ્વીકારે છે.અને 'આ જડ દ્વૈત સત્ય છે' એમ સમજે છે.અને તે દેહ-સંબંધી
વાસનાવાળા ને સંસ્કારોવાળા થઈને પ્રથમ મરી જાય છે. પછી તેમનો બીજો જન્મ કર્મસહિત જોવામાં આવે છે,
કેમ કે તે પોતે બ્રહ્મરૂપ છતાં દેહમાં આત્મ-બુદ્ધિ માની લઈને અવસ્તુપણાનો આશ્રય કરે છે.

બ્રહ્મા,વિષ્ણુ અને મહાદેવ-વગેરે પોતાના સ્વરૂપને બ્રહ્મથી જુદું સમજતા નથી અને પોતાના આત્મરૂપ,
બોધમય મહા-ચિદાકાશ માં જ સ્થિતિ રાખીને રહે છે.તેથી તેઓ કર્મ-બંધ-રૂપી દોષથી રહિત છે.
બ્રહ્મ પોતાના ચેતનપણા (સ્વભાવ) ને લીધે જાણે સૃષ્ટિ-રૂપ થઇ રહ્યું હોય તેમ ભાસે છે,એટલે જ્યાં સુધી બ્રહ્મનું સ્વરૂપ
ના ઓળખાય ત્યાં સુધી તેનું સૃષ્ટિ-રૂપે જ ભાન થાય છે (કેમ કે તેવો તેનો સ્વભાવ છે)
આ સૃષ્ટિ બ્રહ્મનો એક વિવર્ત છે,તેમાં સ્વપ્ન-જાગ્રત કે તેનાં કર્મો-વગેરે કેમ કરીને  હોઈ શકે?

એટલે સૃષ્ટિના આદિકાળમાં કોઈ પણ જીવનું કર્મ સંભવતું નથી,પરંતુ તે ચિદ્રુપ જીવ અવિદ્યામાં પોતાની સ્થિતિ રાખીને
કર્મનું નિર્માણ કરે છે અને કલ્પના વડે તેને ભોગવે છે.(જળની ચકરીનો દેહ કે તેનાં કર્મ કેમ સંભવે?)
સૃષ્ટિ,સૃષ્ટિ-રૂપે ચિત્તમાં રૂઢ થયા પછી જ કર્મની કલ્પના થાય છે અને પછી તે કર્મ-પાશને પરવશ બનીને આ જીવો
સંસાર-ચક્રમાં ફરતા (ભ્રમણ કરતા) રહે છે.જીવને પોતાનું શુદ્ધ સ્વરૂપ ઓળખવામાં આવતું નથી,
તેથી અજ્ઞાનને લીધે તેને કર્મો બંધન-રૂપ થઇ જાય છે,પરંતુ તત્વજ્ઞને તે બંધરૂપ ના થતાં શાંત થઇ જાય છે.

જે પદાર્થ વસ્તુતઃ જોતાં છે જ નહિ તો પછી તેની શાંતિ કરવામાં શો મોટો પરિશ્રમ થવાનો છે?
બુદ્ધિમાં સત-અસતનો વિવેક કરનારું પંડિત-પણું જ્યાં સુધી થતું નથી,ત્યાં સુધી જ માયા પ્રભાવ કરે છે.
માટે ખરું પાંડિત્ય (જ્ઞાન) એજ છે કે-જેને લીધે (સમજીને) આ સંસાર-ચક્રમાં વારંવાર ભટકવું પડે નહિ.
માટે નિરંતર નિર્મળ આત્મજ્ઞાન વડે તેને (આત્મજ્ઞાનને) મેળવવાનો યત્ન કરતા રહેવું-
કેમ કે તે વિના બીજા કોઈ પ્રકારે તમારા ભયની શાંતિ થશે નહિ.

(૧૪૩) ફરી નિર્વાણનો ઉપદેશ

મુનિ (વ્યાધને) કહે છે કે-ગતિને જાણનારા આત્મજ્ઞાની પંડિતો જે ગતિને પ્રાપ્ત થાય છે,તેની પાસે ઇન્દ્રની લક્ષ્મી પણ
તૃણ સમાન છે.ત્રણે લોકમાં એવું કશું સુખ કે ઐશ્વર્ય હું દેખતો નથી કે જે પંડિતને જ્ઞાનબળથી થનારા આનંદથી અધિક
હોય.તે પંડિતની યથાર્થ દૃષ્ટિ આત્મામાં જ પ્રસન્ન રહે છે અને સ્વરૂપનો બોધ થવાથી
તેની દૃશ્ય (જગત) દૃષ્ટિ શાંત થઇ જાય છે,અને તે ક્ષણવારમાં બ્રહ્મ-રૂપ થઇ જાય છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE