May 7, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1148

મુનિ કહે છે કે-'જગત ચિન્માત્ર છે,તમે પણ ચિન્માત્ર છે અને હું પણ ચિન્માત્ર છું' એવું ગુરૂ અને
શાસ્ત્રમાં કહેલી યુક્તિ વડે જ્ઞાન થાય છે એટલે કે જયારે એક પરમાણુની અંદર પણ સ્થૂળ-ભાવ છોડી દેવામાં આવે છે
ત્યારે સર્વ (બ્રહ્માંડ) પરમ સૂક્ષ્મ ચિન્માત્ર-રૂપે અનુભવમાં આવે છે.કે જે જન્મ-મરણ-આદિ વિકારથી રહિત છે

માટે 'મારું સ્વરૂપ પરમાણુના જેવું અતિ-સૂક્ષ્મ છે,હું જ આ જગતના આકારે થઇ સર્વ ઠેકાણે રહું છું અને પરમાણુ જેવા
સૂક્ષ્મ પદાર્થની  અંદર પણ મારી સ્થિતિ છે.હું ચિદાકાશના એક પરમાણુ-રૂપ (જીવ-રૂપ) છું અને તેની સાથે એકતાને
પ્રાપ્ત થયો છું.મારામાં ત્રણે લોકની સ્થિતિ રહી છે.જેમ,કમળના અંકુરની અંદર તેનું બીજ રહેલું છે,
તેમ હું એ પ્રાણી (મનુષ્ય)ના ઓજ (તેજ) ની અંદર પ્રવેશ કરીને રહ્યો છું.'
એમ તે મનુષ્યના ઓજની અંદર તેના વાસનામય જગતનો મને અનુભવ થતો હતો તથા મારા આત્માની
અંદર જ મારા (બ્રહ્મના વિવર્ત-ભાવથી ભાસતા) વાસનામય જગતનો પણ અનુભવ થતો હતો.

વ્યાધ(પારધી) કહે છે કે-જો દૃશ્ય કારણ વિના જ ખડું થઇ જતું હોય તો પ્રસિદ્ધ રીતે તે કેમ દેખાય છે?
અને જો તે દૃશ્ય સકારણ હોય તો સ્વપ્નમાં તેની સૃષ્ટિ કેમ ઉત્પન્ન થઇ જાય છે?

મુનિ કહે છે કે-પ્રથમ તો,સર્વ 'કારણ'ના અભાવ છતાં આ (અનિર્વચનીય) સૃષ્ટિ વિનાકારણે જ પ્રતીતિમાં આવે છે.
કેમ કે ચિદાકાશ જ વિવર્ત (વિલાસ-આભાસ કે કલ્પિત) રૂપે સૃષ્ટિના આકારે થઇ રહેલું છે.
બ્રહ્મ પ્રકાશ-રૂપ છે,આદિ-અંતથી રહિત છે અને તે જ પોતાના સ્વાભાવિક ચિદ્રુપપણાથી જગત આકારે ભાસે છે.
બ્રહ્મ (ચૈતન્ય) માયામાં પ્રતિબિમ્બિત થતાં જાણે અવયવ-રૂપ થયું હોય તેમ જણાય છે.
અને તે એક હોવા છતાં અનેક અવયવોવાળું અને અનેક-રૂપે ભાસે છે.અને સાકાર હોય તેવું થઇ જાય છે.

તે બ્રહ્મ,પોતે સર્વના અધિષ્ઠાન-રૂપ છે,તેથી તે પોતે જ દેવતાઓ-વગેરેના દિવ્ય-સાકાર-રૂપને,
સ્થાવર-જંગમ જગતને,અને ક્રમથી સર્વ નિયમોને તથા વિધિ-નિષેધને,પોતાનામાં જ  'કલ્પી' લે છે.
વળી તે દેશ,કાળ,ક્રિયા-આદિની પણ 'કલ્પના' કરી લે છે.
ભાવ,અભાવ,ગ્રહણ કરવું,ત્યાગ કરવો,સ્થૂળ,સૂક્ષ્મ,ચર,અચર-એ સર્વ પદાર્થો, છેક મોક્ષ થતાં સુધી,વ્યભિચરિત
(અનિયમિત) થઇ જાય છે પરંતુ તે માટેનો બંધાયેલ 'ઈશ્વરી નિયમ'નો,કોઈ દિવસ પણ વ્યભિચાર થતો નથી.
એ નિયતિની (ઈશ્વરી નિયમની) જ્યારથી 'કલ્પના' થઇ છે,
ત્યારથી કારણ વિના કાર્યની ઉત્પત્તિ સંભવિત થતી નથી.(એમ કલ્પનાથી જ સમજવામાં આવે છે)

'ઈશ્વરનો બાંધેલ નિયમ' અને તેની 'કલ્પના કરનાર ભોક્તા જીવ'-એ બંને બે હાથની જેમ,
બ્રહ્મના એક અવયવ જેવા છે,અને તે પોતાના એક હાથ વડે બીજા હાથને નિયમમાં રાખે છે.
જેમ જળની અંદર ચકરીઓ થતી રહે છે,તેમ,જીવમાં સંકલ્પનું સ્ફુરણ થતાં-ઈચ્છા વિના જ,
અને પ્રથમ બુદ્ધિનું ચલન થયા વિના જ,કાકતાલીય ન્યાયની જેમ જાગ્રત અને સ્વપ્ન સૃષ્ટિ ખડી થઇ જાય છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE