May 15, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1156

(બીજા) મુનિ કહે છે કે-સ્વપ્નના સર્વ અનુભવો કાકતાલીય ન્યાયની જેમ ભાસ્યા કરે છે.
આ જગતનો અનુભવ પણ સ્વપ્નના જેવો જ છે,તેથી જ તે સ્વપ્નના જેવું જ છે ને બીજું કશું નથી.વસ્તુતઃ તો
માત્ર ચિદાકાશ જ જગતને આકારે પ્રસરી રહેલ છે.જે (જગત)ના 'કારણ' વિશેની રુઢતા ચિત્તમાં થઇ ગઈ હોય,
તે કારણવાળું જ ભાસ્યા કરે છે,પણ જો ચિત્તમાં 'કારણ' રૂઢ થયેલું ના હોય તો જ તે (જગત) કારણ-રહિત લાગે છે.
સ્વપ્નની અંદર કાર્ય-કારણ-આદિના ક્રમનો ઉદય થવાનો જે સ્વભાવ દેખાય છે તે ચિદાત્માનો એક વિવર્ત (વિલાસ) જ છે
તેમ સમજો.કેમ કે તત્વવેત્તાઓએ આવો નિર્ણય કરેલ છે.

સ્વયંભૂ બ્રહ્મા,સૃષ્ટિ,પંચમહાભૂતો વગેરેની ઉત્પત્તિના કારણનો નિર્ણય ચિદાત્મા સિવાય થઇ શકતો નથી,
તેથી તે સર્વ ચિન્માત્ર-રૂપ છે.બાકી બીજું કશું તેમનું કારણ નથી.
બ્રહ્મ પોતે જ સૃષ્ટિ-વગેરે રૂપે થયા છે અને તેમણે પોતે,પોતાના રૂપની પૃથ્વી-આદિ સંજ્ઞાઓ (નામો)ની કલ્પના કરી છે.
પ્રથમ ચિદાકાશની અંદર પવનમાં પ્રગટ થતી ચલન-શક્તિની જેમ સૃષ્ટિઓ (સૂક્ષ્મ-રૂપે) ખડી થઇ જાય છે અને
તે પોતાની મેળે જ દેહ તથા તેનાં કર્મ આદિ કારણોની કલ્પના કરી લે છે.

જીવથી ચિદાત્માની પ્રથમ બંધાઈ ગયેલ,એ નિયમની કલ્પના,એ બીજા ઉત્કૃષ્ટ યત્ન વડે જુદી થઇ શકે છે,
પરંતુ તેમાં વારંવાર મોટા ઉત્કૃષ્ટ યત્નની જરૂર પડે છે.
જીવાત્મા જ્યાં 'કારણ'ની કલ્પના કરી લે છે ત્યાં તેને 'કારણ'ની સ્થિરતા અનુભવમાં આવે છે,
જ્યાં તે 'કારણ'ની કલ્પના કરતો નથી ત્યાં તે જીવાત્માને કારણની પ્રતીતિ થતી નથી.
કેટલાક જીવો ભેગા થઇ પોતે સાથે જ શુભ-અશુભ કર્મો કરે છે,અને પછી તેનાં તેવાં જ ફળોને ભેગા થઈને ભોગવે છે.
તો કેટલાક (બાકીના હજારો) જીવો,કાકતાલીય ન્યાયે કોઈ પણ પ્રકારના 'કારણ' વિના જ દુઃખ ભોગવે છે.

(૧૫૦) મુનિને પોતાના પૂર્વદેહમાં જવાની અશક્તિ વિષે

મુનિ (વ્યાધને) કહે છે કે-આવી યુક્તિ વડે તે (બીજા) મુનિએ મને બોધ આપ્યો એટલે હું વિદિતવેદ્ય થઇ ગયો.
(મેં જાણવાનું જાણી લીધું) પછી તેમણે વિદાય માગી પણ મેં તેમને લાંબી પ્રાર્થનાઓ કરીને જવા દીધા નહિ.
પોતાના થોડા જ ઉપદેશ વડે મારા મોહને નિવૃત્ત કરનાર તથા અતિજ્ઞાની એવા એ મુનિ,
જાણે મારૂ જ સ્વરૂપ મારી આગળ આવીને ઉભું હોય તેવું મને જણાતું હતું.

વ્યાધ કહે છે કે-હે મહારાજ,આપે સ્વપ્નની અંદર જે મુનિને પોતાને ઉપદેશ આપનાર કહ્યા છે,
તે મુનિને પાછા જાગ્રતમાં પ્રત્યક્ષ-રૂપે કહો છો-તેનું મને આશ્ચર્ય લાગે છે.આ વિષે આપ મને સમજાવો.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE