More Labels

Jul 1, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1195

હે રામચંદ્રજી,પ્રથમના (આદિ ) પ્રજાપતિ(બ્રહ્મા)મુક્ત થઇ જવાથી ફરીવાર તેના દેહ,બુદ્ધિ આદિ ઉત્પન્ન થતાં નથી.
વળી નવા પ્રજાપતિને જગતની રચનાની 'સ્મૃતિ' એ પણ સંભવતું નથી.
કદાચિત 'તે પ્રજાપતિને તેના પૂર્વ-સંસ્કારના બળથી પ્રથમની જેમ જગતની રચના કરવાની સ્મૃતિ થાય અને તેથી
ફરીવાર તેનો દેહ આદિ ઉત્પન્ન થાય છે' એવું માનવામાં આવે-તો પણ તેનો એ દેહ પણ મનોમય જ છે,
એટલે કે પૃથ્વી-આદિ પંચમહાભૂતથી ઉત્પન્ન નહિ થયેલો-સંકલ્પથી ખડો થઇ ગયેલો (મિથ્યા) જ છે.
આથી કોઈ પણ દેશ-કાળમાં તેને કશી પણ સ્મૃતિ સંભવતી નથી કેમ કે તત્વ દૃષ્ટિથી જોતાં તો તે છે જ નહિ !

રામ કહે છે કે-હે મહારાજ,એ સર્વ પૃથ્વી આદિ પદાર્થોની પૂર્વવત રચના કરવાની વાત કેમ સંભવે?
જો સ્મૃતિ જ અસંભવ હોય તો પછી પ્રથમના જેવી જ બ્રહ્માંડની રચના શી રીતે સંભવે?

વસિષ્ઠ કહે છે કે-જો પૂર્વ કલ્પનામાં,પૃથ્વી-આદિ દૃશ્ય પદાર્થો (પરમાર્થ દૃષ્ટિએ જોતાં) સત્ય હોય તો-
હજી તેનો સ્મૃતિ વડે ઉત્પન્ન થનાર (અને અન્વય-વ્યતિરેક વડે પ્રસિદ્ધ એવો) 'કાર્ય-કારણ-ભાવ' સંભવે,
પરંતુ વસ્તુતઃ જોતાં (દૃશ્યની અસત્યતાને લીધે) સ્મૃતિ સંભવતી જ નથી.
જ્યાં બ્રહ્મથી માંડી સ્તંભ સુધી કોઈ દૃશ્ય જ નથી ત્યાં સ્મૃતિનો સંભવ ક્યાંથી ને કેવો હોય?
જે પદાર્થ પરમાર્થ-દૃષ્ટિએ જોતાં-જે ઉત્પન્ન થાય અને હાલ (વર્તમાન)માં પ્રમાણો વડે જેનો અનુભવ થાય,
તેનું કાળાંતરે (બીજા ભવિષ્યના સમયે) પણ સ્મરણ થાય તો-તે સ્મૃતિ નામથી કહેવાય,
પણ જ્યાં દૃશ્ય જ નથી (કશું ઉત્પન્ન થતું જ નથી)તો પછી ત્યાં બીજી સ્મૃતિ આદિની કલ્પના ક્યાંથી સંભવે?

માટે જો,પ્રથમ પ્રજાપતિને પણ,જગતરચના આદિની સ્મૃતિ સંભવતી જ નથી,તો પછી શુદ્ધ જ્ઞાન-રૂપ એવા
બીજા પ્રજાપતિ (બ્રહ્મા) નું સાકાર પણું પણ ક્યાંથી સંભવે? જે કંઈ સ્મૃતિ થાય છે તે પૂર્વના અનુભવજન્ય
સંસ્કારની ભાવનાના બળથી થાય છે.હવે પૂર્વે કશું પણ નહોતું તેથી આદિ-પ્રજાપતિ(બ્રહ્મા)ને પણ
લૌકિક સ્મૃતિ (અમુક મારી મા છે-અમુક મારી પુત્રી છે-આદિ પ્રમાણજન્ય સ્મૃતિ) હોતી નથી જ.

સર્વ પદાર્થ (દૃશ્ય) એ ચિદાકાશનો વિવર્ત છે-એ સત્યને અનુસરીને શાંત પરબ્રહ્મને જ મેં વ્યવહારમાં 'સ્મૃતિ'
શબ્દ વડે આગળ કહેલો છે.એટલે પોતાના આત્મસ્વરૂપનો જે એક વિવર્ત છે તેને જ સ્મૃતિ કે સ્મરણ-'શબ્દ' જાણવો.
તે સ્મરણ વડે,આગળ અનુભવાયેલો પદાર્થ સાદૃશ્યને લીધે,બાહ્ય વસ્તુ-રૂપે ભાસે છે.
જીવ ભ્રાંતિ વડે (કે સ્મૃતિ પરંપરા વડે) જે કંઈ બ્રહ્મની અંદર અનુભવે છે,તે જ કાળાંતરે (ભવિષ્ય કાળમાં)
તે જ (પોતાના સ્વરૂપને કદી નહિ છોડનાર એવા) બ્રહ્મની અંદર,સંસ્કારબળથી તેને સ્ફૂરી આવે છે,
તેની તેણે 'સ્મૃતિ' એવી સંજ્ઞા પોતે જ (જીવે જ) કલ્પી લીધેલી છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE