Jul 2, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1196

સર્વના આત્મા-રૂપ,એ ચિદાકાશની અંદર કાકતાલીયની જેમ (જે કંઈ કારણના યોગે) સ્ફૂર્તિઓનો ઉદય થાય છે,
તેની જ 'સ્મૃતિ' એવી સંજ્ઞા કરવામાં આવી છે.ને તે ચિદાકાશના એક અવયવ જેવી છે અને સ્વતઃ (પોતે)તો
વિકાર-શૂન્ય (નિર્વિકાર) જ છે.આમ,સર્વના આત્મા-રૂપ-ચિદાકાશનું પોતાનું સત્ય-સ્વરૂપ,પોતાના અનુભવમાં
જે જે વિષયને પોતાની મેળે જ વિસ્તારી દે છે,તેને (પૂર્વે અનુભવાયેલા પદાર્થની સ્ફૂર્તિના સમાન-પણાને લીધે)
પછી (પાછળ)થી વિદ્વાનો 'સ્મૃતિ'નામથી ઓળખે છે.

પવનમાં રહેલી ચલન-શક્તિની જેમ,ઉદબોધક હેતુની પ્રાપ્તિ વડે (અથવા પ્રાપ્તિ નહિ થતાં પણ) જે કંઈ અનુભવમાં
આવે છે-તે જ અનુભવ-વૃત્તિ-વાળી-સંકલ્પ-સ્ફૂર્તિ,કાળાંતરે (ભવિષ્યમાં)અભ્યાસ વડે રૂઢ થયેલા પદાર્થોના
સંસ્કાર-બળથી, સમાન આકાર-સ્ફૂર્તિને લીધે 'સ્મૃતિ' શબ્દ વડે કહેવાય છે.

જેમ આ તમારા અવયવો મનની ઈચ્છા અનુસાર કોઈ વખતે ચેષ્ટા કરે છે અને કોઈ વખતે ચેષ્ટા કરતા નથી,
તેમ,આત્માની અંદર કાકતાલીયની જેમ જે જે પદાર્થોના અનુભવો વારંવાર ભાસ્યા કરે છે,
તે જ ઉત્તર(ભવિષ્ય)કાળમાં પછી,કોઈ કારણના યોગે તેનું સ્મરણ થઇ આવે તેને 'સ્મૃતિ' શબ્દ વડે કહે છે.

વસ્તુતઃ જોતાં તો આ દૃશ્ય અસંભવ છે તેથી તત્વજ્ઞ પુરુષ (કે પ્રજાપતિ) ની દૃષ્ટિમાં 'સ્મૃતિ' નામની કોઈ વસ્તુ જ નથી.
તેઓ તો ચિદ-રસ (જેવા) હોવાથી સદા નિર્વિકાર રહે છે,કેમ કે તેમની દૃષ્ટિમાં તો
\આ જગતની સ્થિતિ ચિદાકાશ-રૂપ જ છે.બાકી અવિવેકીની દૃષ્ટિમાં તો આ જગત હમણાં પણ યથાસ્થિત-પણે રહેલું છે.

પ્રાચીનકાળથી એવી પદ્ધતિ ચાલી આવે છે કે-જ્યાં સુધી શિષ્ય સાધન-ચતુષ્ટય-સંપત્તિ-પૂર્વક,જિજ્ઞાસુ તરીકે હોય,
\ત્યાં સુધી ગુરૂ તેને મોક્ષ-કથાનો ઉપદેશ આપે છે અને એ ઉપદેશથી દૃશ્ય,સ્મૃતિ,તથા વિષયોનું સ્મરણ-
એ સર્વ કંઈ શાંત થઇ જાય છે.

અવિદ્યા,મૂર્ખતા,અને મોહનો-અત્યંત અસંભવ છે,તેથી અવિવેકીઓનો નિશ્ચય અમારા સમજવામાં કોઈ દિવસ આવી
શકે નહિ,કેમ કે જે જેનો વિષય નથી તેનો તેને અનુભવ થતો નથી.
સૂર્યને રાત્રિનો અનુભવ કેમ અને કેવી રીતે થાય? તે તમે જ કહો.
અંતઃકરણ-રૂપ-ઉપાધિ-વાળા ચિન્માત્ર તત્વમાં,બાહ્ય આકારે જે કંઈ ભાસે છે,તેનો વ્યવહારમાં વારંવાર અભ્યાસ થતાં,
તે અભ્યાસ-વાળા વિષયના સંસ્કાર વડે રંગાયેલું ચિત્ત જ 'સંસ્કાર' નામથી ઓળખાય છે.
તત્વજ્ઞ પુરુષ,આ સર્વનું મિથ્યત્વ જાણે છે એટલે  તેને 'સંસ્કાર' લાગવો -એ અસંભવિત જ છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE