Jul 3, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1197

બ્રહ્મસત્તા જ પોતા વડે પોતાના સ્વરૂપમાં,જાણે જગત-રૂપે અવિર્ભાવને પ્રાપ્ત થઇ ગઈ હોય,તેવી બની જાય છે
અને પૃથ્વી-આદિ સંજ્ઞાઓને કલ્પી લે છે.આમ પૃથ્વી-આદિનો પ્રથમ અસંભવ છે,એટલે જગત સાકાર નથી,
તેમ જ તે સ્મૃતિથી બનાવાયેલું (સ્મૃત્યાત્મક) પણ નથી કે ભ્રાંતિ-રૂપ પણ નથી.
તે જગત તો કેવળ બ્રહ્મ-રૂપ જ છે અને એ બ્રહ્મ જ સુંદર જગતના આકારે વિવર્ત-રૂપે પ્રતીતિમાં આવે છે.
વસ્તુતઃ તો તે (બ્રહ્મ) 'એક' જ છે ને સૃષ્ટિ-પ્રલયના સમયમાં વિકારને નહિ પામતાં પોતાના સ્વરૂપમાં જ રહે છે.
તે બ્રહ્મ દૃશ્ય-રૂપે પ્રતીતિમાં આવે છે છતાં આકાશરૂપ,શાંત,નિત્ય અને નિરાકાર છે.

(૧૭૩) ચેતનને જડમાં અભિનિવેશ થવાનું કારણ

રામ કહે છે કે-સર્વના અનુભવરૂપ-અનંત આત્મ-તત્વ,એ સર્વના આત્મા-રૂપ છે,છતાં તેનો દેહમાં જ
અહંગ્રહ (હું દેહ-રૂપ છું તેવો આગ્રહ) કેમ બંધાઈ જાય છે? ચિદાત્મા સ્વપ્ન-આદિમાં જડ (પાષાણ-આદિ) રૂપ
કેમ બની જાય છે? અને આ જડ (પાષાણ-આદિ) 'નથી અને છે'-એમ કહો-તો એમ કેમ છે તે મને કહો.

વસિષ્ઠ કહે છે કે-જેમ દેહધારી જીવોને હાથમાં હાથપણાનો અભિનિવેશ (આગ્રહ) બંધાઈ જાય છે,
તેમ સર્વના આત્મા-રૂપ ચેતન-તત્વને પણ દેહમાં દેહપણાનો અભિનિવેશ બંધાઈ જાય છે.
જેમ,નિરાકાર ચિત્તમાંથી ઉત્પન્ન થવાને લીધે નિરાકાર સ્વપ્ન-નગરમાં,તે સ્વપ્ન-ભોક્તાને
સાકારતાનો અભિનિવેશ બંધાઈ  જાય છે.તેમ સર્વના આત્મા-રૂપ ચેતન-તત્વને પણ
સ્વપ્ન-જાગ્રત-આદિમાં તે તે (સાકાર-નિરાકાર-આદિ) ભાવનો અભિનિવેશ બંધાય છે.

જેમ ચેતન-પણે જણાતાં શરીરને કેશ-નખ-આદિમાં અચેતનપણાનો આગ્રહ બંધાય છે
તેમ,સર્વના આત્મા-રૂપ ચિન્મય તત્વને પાષાણ-આદિમાં જડ્ભાવનો અભિનિવેશ બંધાય છે.
જેમ,કેશ-નખ-આદિ અને જળ-આકાશના ધર્મને ધારણ કરનાર પુરુષનું એક જ શરીર જડ-ચેતન-રૂપ
અને સાકાર છે,તેમ,સર્વના આત્મા-રૂપ સત્ય-તત્વનું એક જ સ્વરૂપ જડ-ચેતન અને સ્થાવર-જંગમ-રૂપ છે.

જે પ્રમાણે,સ્વપ્નને દેખનાર મનુષ્ય,સવારે જાગે છે ત્યારે તેને સ્વપ્નના દૃષ્ટા-દૃશ્ય-વગેરે ભાવો મિથ્યા જણાય છે.
તેને 'એ સર્વ ચિદાકાશ-રૂપ હતું'એવો નિશ્ચય કરી આપવાને એ (સ્વપ્નના ઉદાહરણનો) પ્રબોધ જ સમર્થ થાય છે,
તે પ્રમાણે,સંસાર-રૂપ નિંદ્રામાંથી પ્રબુદ્ધ થયેલા તત્વજ્ઞને પણ દૃશ્ય-દૃષ્ટા-આદિનું મિથ્યાપણું જણાઈ આવે છે.
એટલે એ (મિથ્યા-પણાનો) પ્રબોધ જ ચિદાકાશના સત્યપણાને બતાવી આપે છે
અને તેમાં છેવટે તો મૌનનો જ આશ્રય લેવો પડે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE