More Labels

Jul 22, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1214

કુંદદંત (રામને) કહે છે કે-તે તપસ્વીએ ઉપર પ્રમાણે કહ્યું,એટલે અમે બંને જણા તે મુનિ-આશ્રમમાં ગયા.
ત્યાં જઈ જોયું તો તે મહાઅરણ્ય શૂન્ય જ હતું.ત્યાં વૃક્ષ,પર્ણકુટી,ઋષિ,વેદી,દ્વિજ-આદિ કશું જોવામાં આવ્યું નહિ.
માત્ર તે અરણ્ય અતિશૂન્ય દેખાયું.ને પૃથ્વી પર મૂર્તિમંત આકાશ આવી રહ્યું હોય તેવું જણાતું હતું.
અમે બંનેએ ઘણા સમય સુધી ભ્રમણ કર્યું તો એક જગ્યાએ એક વૃક્ષ અમારા જોવામાં આવ્યું.
તેની નીચે એક વૃદ્ધ તપસ્વી સમાધિમાં વિરાજ્યા હતા.અમે બંને પણ તે વૃક્ષની છાયામાં જઈ બેઠા.

ઘણા લાંબા સમય સુધી તે મુનિ ધ્યાનમાંથી ઉઠયા નહિ,ત્યારે મારા ચિત્તમાં ઉદ્વેગ થયો અને મેં ચપળતાથી
ઉંચે સ્વરે કહ્યું કે-હે મુનિ,આપ ધ્યાનથી વ્યુત્થિત થાઓ.ત્યારે એ મુનિ વ્યુત્થિત થયા અને બોલ્યા કે-
'તમે બંને મહાશયો કોણ છો?ગૌરીનો આશ્રમ અહીંથી ક્યાં ચાલ્યો ગયો? મને અહીં કોણ લઇ આવ્યું?
અને હાલ કયો કાળ ચાલે છે?' ત્યારે મેં તેમને કહ્યું કે-હે મહારાજ,આપ જે પૂછો છો તે વિષે અમે કંઈ પણ જાણતા નથી.
આપ તો સર્વજ્ઞ છો તો તમે પોતાની મેળે જ યોગબળથી શા માટે જાણી લેતા નથી?

મારી વાત સાંભળીને તે મહર્ષિ ફરીવાર ધ્યાન-નિષ્ઠ બની ગયા.અને ધ્યાનમાં જ તેમણે જાણે પોતાનું અને અમારું
સર્વ વૃત્તાંત જાણી લઈને,મુહૂર્તમાત્રમાં તે  ધ્યાનથી વ્યુત્થિત થયા અને કહેવા લાગ્યા કે-
હે મહાશયો,મને પુત્રના જેવું પ્રિય,આ જે કદંબ-વૃક્ષ છે,તે મારા નિવાસ-રૂપ છે.તેની અંદર કોઈ કારણથી.
દેવી ગૌરી,સરસ્વતી-રૂપે દશ વર્ષ સુધી રહ્યાં હતાં ત્યારે સમસ્ત ઋતુઓ તેમની સેવા કરતી હતી.
ત્યારે આ ઘાટું વન ગૌરીના નિવાસને લીધે બહુ વિશાળ (ગૌરીવન) બની ગયું હતું.

(૧૮૨) ભાઈઓનો સમાગમ

વૃદ્ધ તપસ્વી (કુંદદંતને) કહે છે કે-આ કદંબની અંદર પોતાની ઇચ્છાથી દશ વર્ષ સુધી સ્થિતિ રાખ્યા પછી,
તે ગૌરી પોતાના (શિવના) મંદિરમાં ચાલ્યાં ગયાં.પણ ત્યારથી ગૌરીના સ્પર્શ-રૂપી અમૃત વડે સિંચાયેલું
આ કદંબ વૃક્ષ કદી ઘરડું થતું જ નથી.ગૌરી ચાલ્યા ગયા બાદ આ મોટું વન,
જન-સમૂહની ઉપજીવિકાના સાધન-રૂપ થતાં સામાન્ય વન જેવું થઇ ગયું.

હું,માલવ નામના દેશનો રાજા હતો.પણ કોઈ એક સમયે ધન-લક્ષ્મીને છોડી દઈને મુનિઓના આશ્રમમાં ભ્રમણ
કરતાં કરતાં આ પ્રદેશમાં આવી ચડ્યો,ત્યારે અહીંના આશ્રમવાસીઓએ મારી સારી પૂજા-સેવા કરી,એટલે હું,
આ કદંબ-વૃક્ષની નીચે ધ્યાન-નિષ્ઠ થઇ રહ્યો.ત્યાર બાદ કેટલાક કાળ તમે સાતે ભાઈઓ સાથે તપ કરવા માટે
આ આશ્રમમાં આવ્યા હતા.કાળે કરીને તમે પોતે શ્રીપર્વતમાં તપ કરવા ચાલ્યા ગયા,બીજાએ સ્વામી કાર્તિકેય
તરફ પ્રયાણ કર્યું,ત્રીજો કાશી ગયો અને ચોથાએ હિમાલય તરફ ગતિ કરી.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE