Jul 23, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1215

વૃદ્ધ તપસ્વી (કુંદદંતને) કહે છે કે-બાકી બીજા (તમારા) જે ચાર ભાઈઓ બાકી રહ્યા હતા તેમણે ધીરપણાથી
અહીં જ તપશ્ચર્યા કરવા માંડી.સર્વે ભાઈઓનું એ જ ઇષ્ટ લક્ષ્ય હતું કે-' હું સમસ્ત સપ્તદ્વીપ-પૃથ્વીનો રાજા થાઉં'
એટલે તેમના તપ પછી પ્રસન્ન થયેલા ઇષ્ટદેવતાઓએ ઉત્તમ વરદાન આપી તે સર્વેનું ઇષ્ટ પૂર્ણ કર્યું.
હવે જેમ બ્રહ્મા,પૃથ્વીમાં ધર્મ-પ્રધાન સતયુગને ભોગવીને,પાછા બ્રહ્મ-લોકમાં જાય છે,
તેમ તમે તો હજી તપમાં જ હતાં,તેટલામાં તમારા એ ભાઈઓ પોતાના ઘેર ચાલ્યા ગયા.

હે તપસ્વી,તમારા ભાઈઓએ ત્યારે વરદાન આપવાને તત્પર થઇ રહેલા પોતાના ઇષ્ટ-દેવતાને પ્રાર્થના કરી
કહ્યું હતું કે-'હે ઇષ્ટ દેવતા,અમે પૃથ્વીના અધિપતિ હોઈએ ત્યારે પ્રજાઓ જુઠાપણાને છોડી સત્યમાં સ્થિતિ
રાખી રહો,અને પોતાના વર્ણાશ્રમ-ધર્મ પ્રમાણે વર્તો' ત્યારે ઇષ્ટદેવતાઓ તથાસ્તુ કહીને ત્યાંથી અંતર્ધાન થઇ ગયા.
તે પછી તમારા ભાઈઓ પોતાના ઘેર ગયા અને તે પછી બીજા સર્વ આશ્રમવાસીઓ પણ ચાલ્યા ગયા.
એક માત્ર હું ક્યાંય નહિ જતાં,અહીં એકાંતમાં ધ્યાનની અંદર ચિત્તને એકાગ્ર રાખીને જ રહ્યો છું.

કાળે કરીને,આસપાસ રહેનાર મનુષ્યોએ,આ આસપાસનું વન કાપી નાખ્યું.પણ આ કદંબ-વૃક્ષને સારી રીતે
પૂજે છે અને એક સમાધિમાં સ્થિતિ રાખનાર એવા મને પણ આદરભાવ આપી પૂજે છે.
આ સર્વ વાત મારા ધ્યાનમાં આવવાથી મેં તમને કહી બતાવી.હે મહાશયો,હવે તમે બંને પોતાને ઘેર જાઓ.
ત્યાં તમારા બંધુઓ તમને પોતાની પત્ની સાથે તમને મળશે.બ્રહ્મલોકમાં જેમ આઠ વસુઓનો સમાગમ થાય છે
તેમ,તમારા આઠે ભાઈઓનો તમારા ઘરમાં સમાગમ થશે.

તપસ્વી (રામને) કહે છે કે-હે મહારાજ,જયારે એ વૃદ્ધ તપસ્વીએ ઉપર પ્રમાણે અમને કહ્યું ત્યારે,
સંદેહને લીધે મેં તેમને એક આશ્ચર્યકારક વાત પૂછી કે-આ (સાત-દ્વીપવાળી) પૃથ્વી તો એક જ છે,
તો એક જ સમયમાં આઠેય ભાઈઓ એ એક પૃથ્વીના પતિ (રાજા) કેમ કરીને થઇ થઇ શકે?

વૃદ્ધ તપસ્વીએ કહ્યું કે-આ વાતમાં તમારો આ એકલો આ સંદેહ જ અસંબદ્ધ (અઘટિત) છે એવું નથી,
બીજું ઘણું પણ અસંબદ્ધ છે,ને તે વિષે હું તમને કહું છું તે તમે સાંભળો.
આ આઠેય ભાઈઓ પોતાના દેહનો ક્ષય થતાં પોતાના ઘરની અંદર જ સપ્તદ્વીપવાળી પૃથ્વીના રાજા થશે.
(આ વિષે હકીકતમાં એવું થયું હતું કે) તે આઠે ય ભાઈઓની પત્નીઓ,પોતાના પતિઓના વિયોગમાં
દુઃખિત થઇ ગઈ હતી અને ત્યારે તે દારુણ એવા શતચંદ્રાયણ નામનું વ્રત કરવા લાગી હતી.
કે જે વ્રતથી પ્રસન્ન થઈને અદૃશ્ય રહીને (ભગવતી) પાર્વતી-દેવીએ પ્રત્યેક સ્ત્રીને જુદું જુદું નીચે પ્રમાણે કહ્યું.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE