Jul 21, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1213

તે બ્રાહ્મણે કુંદદંતને કહ્યું કે-મારો જન્મ મથુરામાં થયેલો છે.પિતાના ઘરમાં મોટો થયા પછી,
પદ-પદાર્થ (શબ્દશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર) ને સમજતાં મેં જોયું કે-ખજાનાની જેમ રાજા સર્વ સુખ-સમૂહના આશ્રયરૂપ
હોય છે.તે સમયે હું નવયૌવનને લીધે ભોગની ઈચ્છા કરતો હતો તેથી 'હું પૃથ્વીપતિ અને ઉદારચિત્તવાળો થાઉં'
એવી ઘણા લાંબા સમય સુધી ઈચ્છા કરી હતી.અને તે જ પ્રયોજન માટે હું અહી આવી તપમાં પ્રવૃત્ત થયો છું.
અહીં મારાં બાર વર્ષો આમ જ ચાલ્યાં ગયાં છે.તારા પૂછેલા પ્રશ્નનો મેં જવાબ આપ્યો છે,માટે હવે ખુશીથી
તું તારા ઇષ્ટ દેશમાં ચાલ્યો જા.હું તો મારું ઇચ્છિત વરદાન મળતાં સુધી આવી જ સ્થિતિમાં દૃઢ થઇ રહીશ.

કુંદદંત (રામને) કહે છે કે-ત્યારે મેં તે બ્રાહ્મણને કહ્યું કે-હે સુશીલ,તમને જ્યાં સુધી ઇચ્છિત વર મળ્યો નથી,
ત્યાં સુધી હું તમારી રક્ષા અને પરિચર્યા કરવા માટે અહીં જ રહીશ.હે રામ,મેં આ પ્રમાણે તે બ્રાહ્મણને કહ્યું,
ત્યારે એ શાંત તપસ્વીએ પાષણના જેવું મૌન ધારણ કર્યું અને પોતાની આંખો મીંચી દઈને મુડદાના જેવો બની ગયો
પછી તે તપસ્વી પાસે હું ચિત્તમાં ઉદ્વેગ રાખ્યા વિના છ માસ સુધી રહ્યો.

એક દિવસ સુવર્ણના જેવો તેજસ્વી પુરુષ,સૂર્ય-બિંબમાંથી નીકળીને ત્યાં આવી તે તપસ્વી પાસે ઉભો રહ્યો,
અને તપસ્વીને કહ્યું કે-હે તપસ્વી,આ દેહથી કરેલા તપ-રૂપી ધર્મના બળથી આ પૃથ્વીનો રાજા થઇ તું આ
પૃથ્વીને સાત હજાર વર્ષ સુધી પાળીશ. આ પ્રમાણે વરદાન આપી તે તેજસ્વી પુરુષ પાછો સૂર્યમાં લીન થઇ ગયો.
એ આદિત્ય-પુરુષના ગયા પછી મેં તે તપસ્વીને કહ્યું કે-હે મહારાજ,વૃક્ષની શાખામાં લટકવા-રૂપી તપનું ફળ હવે
તમને પ્રાપ્ત થયું છે,માટે હવે તે તપને છોડીને યથા-પ્રાપ્ત વ્યવહાર સુખથી કરો.

તેણે મારી વાત કબૂલ રાખી એટલે મેં તેના પગને વૃક્ષ-શાખામાંથી છોડી દીધા.પછી તેણે સ્નાન,પૂજા કરી,
ફળ વડે મારી સાથે પારણું કર્યું.ત્યાર બાદ ત્યાં ત્રણ દિવસ વિશ્રામ કરી તેના ઘર તરફ જવા નીકળ્યા

(૧૮૧) ગૌરીના આશ્રમનું વર્ણન

કુંદદંત (રામને) કહે છે કે-પ્રસન્ન-ચિત્ત એવા અમે મથુરા નગરી તરફ ચાલી નીકળ્યા હતા.પર્વતો,શહેરો,ગામોને
ઓળંગીને અમે બે રાત રોકાતા રોકાતા ચાલ્યા હતા.ત્રીજે દિવસે અમે મનુષ્યોના અભાવને લીધે મૂર્તિમાન આકાશ જેવા
દેખાતા જંગલમાં ગયા.ત્યાંથી એ માર્ગ છોડી બીજા વનમાં પ્રવેશ્યા ત્યારે તે તપસ્વીએ મને કહ્યું કે-
અહીં મુનિઓના મંડળ વડે સુશોભિત ગૌરીના આશ્રમમાં આપણે જઈએ.કેમકે મારી જેમ જ પોતાના ઇચ્છિત ફળને
ઇચ્છનારા મારા સાત ભાઈઓ આ વનની અંદર તપ કરીને સ્થિર થઇ રહેલા છે.તેમનું પાપ વિવિધ પ્રકારનાં તપો વડે
ક્ષીણ થઇ ગયું છે.હું પણ પ્રથમ છ માસ સુધી ગૌરીના આશ્રમમાં રહ્યો હતો.ત્યાં જવાથી આપણું ચિત્ત
ત્યાંના તપસ્વીઓના પુણ્યને લીધે સ્વચ્છ થશે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE