Aug 19, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1233

દૃશ્ય (જગત)ને સંકલ્પ દ્વારા અનુભવવાથી,તે 'ચિત્ત' નામે ઓળખાય છે.
'અમુક વસ્તુ અમુક પ્રકારની જ છે' એવો સ્પષ્ટ બોધ એનાથી જ થાય છે,તેથી તે 'બુદ્ધિ' કહેવાય છે.
સંકલ્પ કરવાથી અને મનનનો જ્ઞાતા હોવાથી તે 'મન' નામથી ઓળખાય છે.
'હું છું' એવી પ્રતીતિ ઉત્પન્ન કરવાથી તે 'અહંકાર' શબ્દથી પણ ઓળખવામાં આવે છે.

શાસ્ત્રને વિચારનારા વિવેકી પુરુષો,ચિદ-રૂપ 'આત્મા'ને જ મુખ્યત્વે 'ચિત્ત' શબ્દ વડે કહે છે.
તે જ જીવ (આત્મા) પ્રૌઢ એવા સંકલ્પ-સમૂહના સંયોગથી 'પુર્યષ્ટક' પણ કહેવાય છે.
સૃષ્ટિના આરંભમાં સહુથી પ્રથમ  તે જ હોય છે તેથી તેને 'પ્રકૃતિ' શબ્દથી કહે છે.
બોધ થતાં તેનું ઉપાધિમય-રૂપ દેખાતું નથી,તેથી વિદ્વાનો તેને 'અવિદ્યા' શબ્દથી ઓળખે છે.

આ નિરાકાર અને નિર્વિકાર જીવને પંડિતો 'આતિવાહિક દેહ' ના નામથી કહે છે.
અને તે લિંગ-શરીર-રૂપી ઉપાધિના યોગે આદિ-અંત યુક્ત છે એમ કહેવાય છે.
આવી રીતે આ ત્રણે લોકની ભ્રાંતિ સ્વપ્નનગરની જેમ ભાસ્યા કરે છે.
કે જે ભોગ અને મોક્ષ-રૂપ અર્થને આપનાર છે તે છતાં નિઃસ્વરૂપ,શૂન્ય અને નિરાકાર છે.

હે રામ,આતિવાહિક દેહ,ચિદાકાશરૂપ હોવા છતાં 'લિંગ-દેહ-રૂપ'કહેવામાં આવે છે.
આ લિંગ-દેહ (આતિવાહિક દેહ)મોક્ષ થતાં સુધી કાયમ રહે છે અને તેનો અસ્ત-ઉદય થતો નથી.
ચૌદ-લોકના સર્વ પ્રાણીઓની સૃષ્ટિનો અંકુર 'ચિત્ત-રૂપી-ભૂમિ' માં જ ફૂટે છે.
તેની અંદર કાળની વ્યવસ્થાને અનુસરીને,ફળની જેમ લાખો સંસારો ઉત્પન્ન થઇ ગયેલા છે,ઉત્પન્ન થશે
અને હાલ વર્તમાનમાં વિદ્યમાન છે.અરીસો જેમ પ્રતિબિંબને ધારણ કરે છે,તેમ આ ચિત્ત-રૂપી-દેહ
અંદર અને બહાર અનેક જગતોને ધારણ કરે છે,તેમ છતાં તે આકાશની જેમ શૂન્ય જ છે.

મહા-કલ્પને અંતે સર્વનો નાશ થઇ જાય છે,તે પછી મહા-શૂન્ય,પ્રૌઢ,બ્રહ્મરૂપ અને નિર્વિકાર એવા
ચિદાકાશની અંદર ચિત્ત-સ્વરૂપનું અજ્ઞાન (આવરણ) થાય છે,કે જે  ચિદાકાશના સ્વરૂપનું જ ભાન
આગળ વર્ણવેલા ક્રમથી આતિવાહિક-દેહ-રૂપે ભાસે છે.

જીવ પોતે જ આતિવાહિક દેહરૂપ છે અને તેને જગતનો પ્રકાશ અનુભવમાં આવે છે.
આમ તેને અનુભવમાં આવતો એકાદ ભાગ 'બ્રહ્મા' નામથી ઓળખાય છે અને કોઈ એક ભાગ 'વિરાટ' શબ્દથી
ઓળખાય છે.કોઈક ભાગ 'નારાયણ' શબ્દથી કહેવામાં આવે છે,કોઈ એક ભાગ 'ઈશ' નામથી ઓળખાય છે
અને કોઈ એક ભાગ 'પ્રજાપતિ' શબ્દથી પણ કહેવાય છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE