Aug 28, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1242

રામ : દૃશ્ય તો પ્રત્યક્ષ અનુભવમાં આવે છે,તો તે કેમ સંભવતું નથી?
(દૃશ્ય દેખાવાના) અનુભવના વિષયમાં તમે આવો નિષેધ કેમ કરો છો?

વસિષ્ઠ : જગત અવિવેકીઓને જેવા પ્રકારેનું ભાસે છે,તેવા પ્રકારે તે સત્ય નથી,
અને વિવેકીઓને તે જેવા પ્રકારનું ભાસે છે,તે અવર્ણ્ય અને અદ્વિતીય-રૂપ જ છે.

રામ : અવિવેકીઓને આ ત્રૈલોક્ય કેવા પ્રકારનું ભાસે છે? અને તે સત્ય કેમ નથી?
વિવેકીઓને જગત કેવું ભાસે છે? અને તે અવર્ણ્ય કેમ છે?

વસિષ્ઠ : અવિવેકી પુરુષોને આ જગત દેશકૃત,કાળકૃત અને વસ્તુકૃત પરિચ્છેદ-વાળું પ્રતીતિમાં આવે છે,
ત્યારે વિવેકીઓની દૃષ્ટિમાં તો જગત ઉત્પન્ન થયું જ નથી,ને પ્રથમથી જ તે સંભવતું નથી.

રામ : જો જગત કદી સંભવતું જ નથી,મિથ્યા છે અને આભાસથી પણ રહિત છે
તો પછી તે આમ હોવા છતાં અનુભવમાં કેમ આવે છે?

વસિષ્ઠ : આ જાગ્રત સૃષ્ટિ-રૂપી જગત મિથ્યા છે છતાં અભાસ-રૂપે દેખાય છે.કારણના અભાવે
તે ઉત્પન્ન થયેલ જ નથી,છતાં સ્વપ્નની જેમ તે અનુભવમાં આવે છે અને કાર્યને સાધી આપે છે.

રામ : સ્વપ્ન આદિમાં અને મનોરાજ્ય આદિમાં જે દૃશ્યનો અનુભવ થાય છે
તે જાગ્રતના વ્યવહારના અનુભવથી ઉત્પન્ન થતા જાગ્રત સંસ્કારના બળથી છે.

વસિષ્ઠ : હે રામચંદ્રજી,સ્વપ્ન,સંકલ્પ અને મનોરાજ્યમાં જે કંઈ અનુભવમાં આવે છે તે
જાગ્રતનો પદાર્થ આવો (દૃશ્ય જેવો) છે કે કોઈ બીજો છે? તે તમે જ કહો.

રામ : સ્વપ્નમાં કલ્પના આદિમાં ને ભ્રમમાં જાગ્રત પદાર્થ જ સંસ્કાર-રૂપે નિરંતર ભાસ્યા કરે છે.

વસિષ્ઠ : જો સ્વપ્ન,એ જાગ્રત સંસ્કારના બળથી જ ભાસતું હોય એટલે કે સ્વપ્ન અને જાગ્રતના પદાર્થો
એક જ હોય તો પછી સ્વપ્નમાં પડી ગયેલું ઘર જાગ્રત અવસ્થામાં કેમ જોવામાં આવે છે?

રામ : 'જાગ્રતના પદાર્થો જ સ્વપ્નમાં ભાસે છે તેમ નથી,પરંતુ કાંઇ બીજું જ ભાસે છે અને તે બ્રહ્મ જ છે'
આવો આપનો અભિપ્રાય મારા સમજવામાં આવી ગયો
પણ,હવે માત્ર એટલો જ સંદેહ રહે છે કે-બ્રહ્મ જગતના જેવું શી રીતે ભાસે છે?

વસિષ્ઠ : કેટલાક અનુભવેલા અને કેટલાક ન અનુભવેલા-એ બંને પ્રકારના અર્થો ચિત્તની અંદર ભાસે છે અને
જેવા આકારે સૃષ્ટિના આદિ-મધ્ય-અંતમાં,જેવા અનુભવનો અભ્યાસ થયો હોય,તેવા આકારે તેનું ભાન થાય છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE