Aug 30, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1244

(૧૯૧) બ્રહ્મનું નિર્વાણ-સ્વરૂપ

રામ : હે મુનિ-શ્રેષ્ઠ,જો એમ જ હોય,તો આ જગત એ એક પરમતત્વનો વિવર્ત (આભાસ) જ છે.
અને તે પરમતત્વ જ સર્વ ભાવ-રૂપે થઇ રહે છે.ખરી રીતે જોતાં કશાનો ઉદય-અસ્ત થતો નથી.
જગત એ આભાસ-રૂપી એક ભ્રાંતિ જ છે અને તત્વ-દૃષ્ટિથી જોઈએ તો ભ્રાંતિ પણ નથી.
પણ કેવળ એક બ્રહ્મ-સત્તા જ છે.

વસિષ્ઠ : કાકતાલીયની જેમ,અતર્ક્ય એવી અવિદ્યા (માયા)વડે બ્રહ્મ જ જાણે પોતાની અંદર જીવભાવને
ધારણ કરી રહ્યું હોય એમ ભાસે છે.તે આત્મા જીવ-રૂપ થઇ રહેલા બ્રહ્મ-વડે જ જગત જુએ છે ને અનુભવે છે.

રામ : અહો,આશ્ચર્યની વાત છે કે-દિશાઓના વિભાગ વિના મહાપ્રલયમાં અને મોક્ષકાળમાં ચિદાત્મા શી રીતે પ્રકાશે છે?
ભીંત-રૂપી આશ્રય વિના દીવાની પ્રભા શી રીતે ભાસે છે? તે વિષે આપ કહો.

વસિષ્ઠ : આ વાત તમારા કહેવા પ્રમાણે આશ્ચર્યકારક જ છે,પરંતુ તે બની શકે જ નહિ તેવો વિચાર કરવાનો નથી,
કેમ કે ઊંડો વિચાર કરી જોશો તો જણાશે કે-તે ચિદ-રૂપ, એ સૂર્ય આદિના પ્રકાશને પણ પ્રકાશ આપે છે.
તે અંધકારના સમયમાં પોતાની મેળે સૂર્યોદય થયા પછી તેના પ્રકાશની સાથે પ્રકાશે છે.

સૂર્ય આદિનો પ્રકાશ,ભીંત આદિની અપેક્ષા નહિ રાખનારા પ્રકાશ સ્વભાવવાળો છે,છતાં જાણે ભીંતમાં પ્રકાશતો હોય
તેમ જણાય છે,ખરી રીતે જોતાં તે ભીંત અને તેનો પ્રકાશ-એ બંને સૂર્ય આદિના પ્રકાશ વડે જ અનુભવમાં આવે છે.
તેમાં જેમ ભીંત આદિના સંબંધ વિના,પ્રથમ પણ સૂર્ય આદિના પ્રકાશ આકાશમાં જોવામાં આવે છે,
તેમ,પ્રલયકાળમાં પણ દૃષ્ટા એવો આત્મા દૃશ્યના લીધે નિર્વિષય અનુભવમાં આવે છે.
માટે દૃષ્ટા પણ નથી અને દૃશ્ય પણ નથી જ,પણ નિર્વિકાર બ્રહ્મતત્વ જ છે.

જેમ ભીંત એ પ્રકાશના અવલંબન-રૂપ થાય છે,તેમ પોતા વડે પોતાની મેળે જ
ચિત્પ્રભા (ચિદાકાશનો પ્રકાશ) સૃષ્ટિના આદિકાળમાં જગતના આકારે પ્રતીતિમાં આવે છે.
જેમ સ્વપ્ન આદિમાં એક જ આત્મા પોતાના સ્વરૂપ વડે જ દૃષ્ટા-દૃશ્ય-દર્શન-એ ત્રિપુટી-રૂપ થઇ જાય છે,
તેમ,એક પરમાત્મા જ એ ત્રિપુટી-રૂપે થઇ જઈ પોતાના સ્વરૂપ વડે જગત-રૂપ ભાસે છે.

ચિદાકાશ (પરમ-તત્વ) એ સ્વયં-પ્રકાશ છે.સૃષ્ટિના આદિકાળમાં તે પોતાના વિવર્ત (આભાસ)ને પ્રસારી દઈ,
જાણે સૃષ્ટિ-રૂપ થઇ રહેલ હોય તેમ ભાસે છે એટલે, સૃષ્ટિના આદિકાળમાં ત્રિપુટી-રૂપ તે પોતે જ છે.
આવી તેની વિચિત્ર 'માયા-શક્તિ' કે 'સ્વભાવ' છે કે જે માયા-શક્તિ અનેક-રૂપે પ્રગટ-રૂપે પ્રકાશે છે.
આ પ્રમાણે ચિદાકાશની પ્રભા (માયા-શક્તિ) પ્રથમ ઉદય પામીને પોતાના સ્વરૂપમાં ચિદાકાશ-રૂપે
પ્રકાશે છે.અને તેની અંદર અનાદિ તથા અનંતના જેવું ભાસતું આ જગત વિવર્ત-રૂપે ભાસે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE