Oct 4, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1270

પ્રજ્ઞપ્તિ રાજા વશિષ્ઠને કહે છે કે-આ પ્રજા,પોતે નહિ ઈચ્છેલ અને ક્રિયા વડે પણ નહિ સાધેલ,એવી
રાજ-આજ્ઞા-આદિ વડે દંડ-બંધ-વધ એવા ફળને પ્રાપ્ત થાય છે તેમાં શી યુક્તિ છે?
વળી પથ્થરમાં થી બનાવેલ દેવ અને મુનિ- આદિના વરદાનના પ્રભાવથી,ક્ષણવારમાં સુવર્ણ-આદિ
કોઈ પણ સાધન-સંપત્તિ વિના શી રીતે બની જાય છે? શી યુક્તિથી તેમ બને છે?
કેટલાક જીવો વિધિ-નિષેધના નિમિત્ત વિના જ આ લોકમાં પ્રવૃત્ત થઇ રહેલા છે,
કે જેમાં કેટલાક લોક-પ્રચાર વડે રૂઢ છે તો કેટલાક તેવા રૂઢ નથી,તો તેમનું શું પ્રયોજન છે?

હે મહારાજ,'આ જગત પૂર્વે અસત હતું ને પછી તે સદ-રૂપ થયું' એવી શ્રુતિના અર્થની સંગતિ શી રીતે મળે?
અથવા તો 'આ સર્વ પ્રથમ અસત જ હતું' અને 'આ સર્વ પ્રથમ સદ-રૂપ જ હતું'  એવા શ્રુતિઓના અર્થની
પરસ્પર સંગત શી રીતે મળે? શૂન્ય આકાશમાંથી આ હિરણ્યગર્ભ (બ્રહ્મા) શી રીતે થાય?
આકાશનો (ચિદાકાશનો) જો એવો પ્રભાવ જ છે તો પછી એ આકાશ તો સર્વત્ર હોવાથી બીજા હિરણ્યગર્ભો
કેમ થતા નથી? અગ્નિ આદિના ઉષ્ણપણાના સ્વભાવો અને તેવા જ બીજા સ્વભાવો કેમ સ્થિતિને પ્રાપ્ત થઇ રહેલા છે?

ઇચ્છિત કામને આપનાર પ્રયાગ આદિ ક્ષેત્રમાં,કોઈ એક જ પુરુષનું તેના કોઈ મિત્રે જીવન ચિંતવ્યું હોય,
કે તેના કોઈ શત્રુએ મરણ ચિંતવ્યું હોય,પણ પછીથી તે મિત્ર તથા શત્રુનું મૃત્યુ થઇ જાય તો પછી તે પુરુષની
શી ગતિ થાય? " હું આકાશની અંદર પૂર્ણ-ચંદ્ર-રૂપ થાઉં" એવી કામના કરીને હજારો ઉપાસકો ચંદ્રભાવને
પ્રાપ્ત કરનારી ઉપાસના વિધિને અનુસરીને ધ્યાન કરે તો તેમને મળેલાં તે ચંદ્રભાવનાં ફળો વડે આકાશ
એક જ સમયે હજારો ચંદ્રોવાળું કેમ થઇ જતું નથી?

હે મહામુનિ,વરદાન કે શાપના પ્રભાવથી 'હું આ ઘરમાંથી બહાર નહિ નીકળતાં છેક કલ્પ પર્યંત સાતેય દ્વીપમાં
રાજા થઈને રહું' એવી પરસ્પર વિરુદ્ધ વાત જ્યાં મેળવેલી હોય,ત્યાં એ ઘરની અંદર સર્વ ભોગ્ય વસ્તુની સ્થિતિ
અને અસ્થિતિ કેમ ઘટી શકે? દાન-આદિ તપો,અને શ્રાદ્ધ-આદિ પારલૌકિક કર્મો અહીં કરવામાં આવવાથી
તે જો અહીં જ રહેલાં હોય છે અને અમૂર્ત છે તો તેમનું ફળ પરલોકમાં શી રીતે મળી શકે?
કેમ કે (અદ્વૈત મુજબ)આ લોક અને પરલોકમાં વ્યવહાર કરનાર જીવ તો કંઈ સાકાર નથી !!

દેશાંતરમાં કે કાળાંતરમાં આ જીવ કંઈ દેહ સહિત હોતો નથી કે જેના આશ્રયે ફળનો અનુભવ સંભવે !!
તેથી આ વાત અનુભવના બહારના જેવી ભાસે છે.આવું ઘણું બધું મને જે અઘટિત જેવું જણાય છે,
તો તે બરાબર ઘટિત શી રીતે થાય છે? મારા સંશય-સમુદાયને આપ આપની શીતળ વાણીથી દૂર કરો.
મને પરમ વસ્તુનો બોધ આપો કેમ કે આપ જેવા મહાત્માઓનો સમાગમ,તુચ્છ ફળ આપનાર થતો નથી.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE