Oct 7, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1273

(૨૦૮) વિધાતાની ઈચ્છા
વસિષ્ઠ કહે છે કે-પોતાને ઘેર બેઠા છતાં,મનુષ્યોને અસંબદ્ધ અને નિરવયવ,એવા દૂરના વૃતાંતો વડે
શુભાશુભ ફળની પ્રાપ્તિ કેવી રીતે થાય છે તે સંબંધમાં હું હવે કહું છું,તે તમે સાંભળો.
પ્રથમ તો વસ્તુતઃ જોતાં આ જગત હિરણ્યગર્ભના સંકલ્પનગર-રૂપ (કલ્પિત) છે,તે જો દૃશ્ય-રૂપે સમજાયું હોય
તો તે દૃશ્ય-રૂપ છે અને જો બ્રહ્મ-રૂપે સમજાયું હોય તો તે બ્રહ્મ-રૂપ છે.તે હિરણ્યગર્ભ (બ્રહ્મા)ના સંકલ્પ વડે
ખડા થઇ ગયેલા આ જગતમાં પણ હિરણ્યગર્ભના સંકલ્પને અનુસરીને જ સર્વની સ્થિતિ થઇ રહી છે.

યોગીઓના યમ-નિયમ-આદિ નિયમ વડે શુદ્ધ થયેલું જીવન ચૈતન્ય વરદાન કે શાપ વડે જે વ્યવહારને સાધી આપે છે,
તે સંબંધમાં હિરણ્યગર્ભ નો સંકલ્પ પણ તેવો જ હોય છે.કેમ કે 'વર-શાપ વડે જે કંઈ સિદ્ધ થાય છે-તે તપસ્વીઓના
વર-શાપ વડે સિદ્ધ થાઓ'એવો હિરણ્યગર્ભનો સત્ય સંકલ્પ છે.
પ્રજાના વિધિ-નિષેધનો બોધ કરનારાં શાસ્ત્રો વડે સુચવેલા ધર્મ-અધર્મ જે કંઈ એક આસ્થાની વ્યવસ્થા વડે ફળ આપે છે,
તે પણ એક હિરણ્યગર્ભના સંકલ્પનું જ ફળ છે.

હે રાજા,આ જગતની અંદર જે દેહધારીઓ છે,તેમને પૂર્વકાળમાં (પ્રલય સમયે)આ જગત દેખાતું નહોતું,
તેથી તે અસત્ય હતું પણ હમણાં તેમને તે દેખાતું હોવાથી,તે જગત સત્ય-રૂપે પ્રતીતિમાં આવે છે.
આમ થવું તે પણ ચિદ-રૂપ-બ્રહ્મના સંકલ્પબળથી જ છે,જે સત્યતા દેખાય છે તે તેનાથી જ છે.
કેમ કે ચિદાકાશના ઉન્મેષ-નિમેષ આ જગતના ઉદય-રૂપ અને પ્રલય-રૂપ છે.

પ્રજ્ઞપ્તિ રાજા કહે છે કે-જો આ જગત બ્રહ્મા (હિરણ્યગર્ભ) ના સત્ય સંકલ્પને લીધે જ સત્ય હોય,તો પછી
તે પ્રથમ સુષુપ્તિમાં તથા પ્રલય આદિમાં કેમ દેખાતું નથી? અને જાગ્રત તથા સૃષ્ટિકાળમાં કેમ દેખાય છે?
વળી સદા વિકારને પ્રાપ્ત થતું આ જગત શાથી જાણે સુસ્થિર આરંભવાળું હોય તેમ દેખાય છે?

વસિષ્ઠ : ચિદાકાશના સંકલ્પનગરમાં રહેલા આ માયિક દૃશ્યનો એવો સ્વભાવ જ છે કે
તે ક્ષણવારમાં સ્વપ્ન અને જાગ્રતમાં ખડું થઇ જાય છે તથા પ્રલય-સુષુપ્તિ-મોક્ષમાં તિરોહિત થઇ જાય છે.
આ સદ-રૂપ અને અસદ-રૂપ સૃષ્ટિઓ ચિદાકાશની અંદર બાળકના સંકલ્પનગરની જેમ ભ્રાંતિથી ભાસે છે.
જે પ્રમાણે તમે તમારા પોતાના સંકલ્પનગરને ઉત્પન્ન કરી નાખો અને ક્ષણવારમાં તેનો નાશ કરી નાખો છો,
એ તમારો પોતાનો સ્વભાવ જ છે,તે જ પ્રમાણે આ જગત ચિદાકાશના સ્વભાવનો જ એક વિવર્ત (આભાસ) છે.
એટલે વસ્તુતઃ જોતાં તે ચિદાકાશ શુદ્ધ (નિરાકાર) જ છે તેમ તમે સમજો.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE