Jan 19, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૭૯

સુરસા,સિંહીકા,અને લંકિની-એ આ સંસારની ત્રિગુણી (ત્રણ-ગુણ વાળી) માયાનું સ્વરૂપ છે.એને વશ કર્યા વગર કે તેનો નાશ કર્યા વગર લક્ષ્ય (સત્ય) ની સિદ્ધિ થતી નથી.જીવનમાં સાત્વિક,રાજસિક અને તામસિક –એ ત્રણે ગુણો-રૂપી માયાનાં પ્રલોભનો,સામે આવીને ઉભાં થઇ જાય છે,ત્યારે તેમાંથી કોઈને વિવેકથી ને ચતુરાઈથી વશ કરવાં પડે, કોઈનો નિર્મૂળ નાશ કરવો પડે છે,તો કોઈના પર પોતાની શક્તિનો પ્રયોગ કરી,નિર્બળ બનાવી, તેની મદદ પણ લેવી પડે છે.
અહીં હનુમાનજી,સુરસાને ચતુરાઈ અને વિવેકથી વશ કરે છે,સિંહીકાનો નાશ કરી માર્ગ નિષ્કંટક કરે છે,
તો લંકિની પર મુષ્ટિ-પ્રહાર કરી અધમુઇ કરી તેને પોતાની મદદમાં લે છે.

પોતે લંકાને બાળી છે પણ તેમની નિરભિમાનતા કેવી અદભૂત છે!!
લંકાને બાળવાથી સીતાજીને કંઈ થયું તો નહિ હોય ને? એવી ચિંતા હનુમાનજીને થઇ,
ત્યારે તે પોતાની જાતને જે કહે છે –તે સમજવા જેવું છે.
હનુમાનજી પોતાની જાતને કહે છે કે-“હું કેવો મૂર્ખ છું,હું સમજુ છું કે લંકા મેં બાળી,પણ આ બાળવાનું સામર્થ્ય મારામાં ક્યાંથી આવ્યું? જેણે મારા પૂંછડાને શીતલ કર્યું,ને મને બળવા ના દીધો,અરે અગ્નિને પણ શક્તિ આપનાર,આદ્ય-શક્તિ જગદંબા એ સીતાજી પોતે જ છે,તેમણે જ તેમની શક્તિ પ્રદાન કરીને લંકાને બાળી છે”

અહીં પોતાના એ અદભૂત પરાક્રમનું શ્રેય પોતે લેતા નથી.તે તેમના જ્ઞાની હોવાનો પુરાવો છે.
હનુમાનજી જયારે અશોક-વાટિકામાં,સીતાજીની વિદાય લેવાની આજ્ઞા માગે છે, ત્યારે,
સીતાજી,હનુમાનજીના આવવાથી પોતાને એક નવું જીવન મળ્યું ને જીવવાની શક્તિ મળી,
એવું કહે છે.કે જે --હનુમાનજી પ્રત્યેનો વિશ્વાસ અને ભાવનાઓ બતાવે છે.

દશ મહિના સુધી શ્રીરામના વિરહની આગમાં બળતાં,સીતાજી પોતે સાચે જ -આગ સળગાવી બળી મરવાની ઈચ્છા કરતાં હતાં,ત્યારેજ તેમને રામજીનો સંદેશો સંભળાવવાનું સદભાગ્ય હનુમાનજીને મળ્યું છે,અને સીતાજી ને એ સંદેશાથી પ્રબળ આશ્વાસન મળે છે,ત્યારે એક રાજરાણી હોવાં છતાં,દુષ્ટ રાવણને ત્યાં બંદિની તરીકે રહેતી,ને પતિ-વિયોગ વેઠતી –એ સ્ત્રી (સીતાજી) –હનુમાનજીને આશિષ સિવાય બીજું શું આપી શકે?

એટલે,સીતાજી જયારે આશીર્વાદ આપે છે-કે-બળ ને શીલના ભંડાર થાઓ,ને અજર અમર થાઓ,ને શ્રીરામ ની કૃપા તમારા પર બની રહો.ત્યારે પણ હનુમાનજીને બીજી કોઈ આશા નથી,ને તેમને મન તો તે આશીર્વાદ “અમોઘ” છે.દિવ્ય છે,સંસારમાં પ્રખ્યાત એવા તે આશીર્વાદ, સંસારની કોઈ પણ ચીજ કરતાં વધારે કિંમતી છે.

હનુમાનજી ની “કૃત-કૃત્યતા” ની આ ભાવનાની દિવ્યતા પણ ક્યાં ઓછી છે? અને એટલે જ જતી વખતે-માતાજીને સમજાવીને “બહુ બિધિ ધીરજ દીન્હ” (અનેક પ્રકારથી ધીરજ બંધાવે છે) 
જગન્માતા ને ધીરજના પાઠ ભણાવવા એ –તેમની બુદ્ધિ શક્તિની ઓછી કારીગીરી નથી !!!

પાછા આવીને કોઈનેય પણ તેમણે લંકાદહનના પરાક્રમની વાત કરી નથી.
બ્રહ્માજીનો પત્ર વંચાય છે ત્યારે બધા જાણે છે.અને જયારે સ્વયં-રામ તેમની પ્રશંસા કરે છે ત્યારે-
પણ હનુમાનજી એ બધો યશ શ્રીરામને જ આપે છે.(ફળ પર પોતાનો અધિકાર નથી-તે સાર્થક કરે છે)
ને કહે છેકે-“હું તો પામર કપિ છું,મારું ગજું શું?એક ડાળ થી બીજી ડાળ પર કૂદી જાણું એટલું જ”
હનુમાનજીની નિરભિમાનતાની આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.


PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE