Nov 2, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-003

     

 (સત્યવતી અને પરાશરના પુત્ર-દ્વૈપાયન) વ્યાસજીએ સનાતન વેદના વિભાગ કરી આ પવિત્ર ઇતિહાસ રચ્યો છે.

આ ઇતિહાસ (મહાભારત)ની રચના વખતે તેઓએ વિચાર્યું કે-આ ઇતિહાસ-ગ્રંથ રચ્યા પછી હું મારા શિષ્યોને કેવી રીતે ભણાવીશ? તેમની આ ચિંતા જાણીને બ્રહ્માજી (હિરણ્યગર્ભ) ત્યાં પધાર્યા.(54-59)

તેમનો સત્કાર કર્યા પછી,બ્રહ્માજીના પૂછવાથી વ્યાસજીએ કહ્યું કે-

હે ભગવન,મેં આ પરમ પવિત્ર કાવ્ય રચ્યું છે.તેમાં વેદનું ગૂઢ રહસ્ય છે,વેદાંગો ને ઉપનિષદની વ્યાખ્યા છે,

ઇતિહાસ અને પુરાણોનો પ્રકાશ છે,એમાં ભૂત,ભવિષ્ય ને વર્તમાનનું નિરૂપણ છે.

તેમાં વૃદ્ધાવસ્થા,મૃત્યુ,ભય,વ્યાધિ,ભાવ-અભાવનો નિર્ણય છે,વિવિધ ધર્મો ને આશ્રમોના લક્ષણો છે.

એમાં તપશ્ચર્યા ને બ્રહ્મચર્યનું તત્વદર્શન છે,પૃથ્વી,ચંદ્ર,સૂર્ય,ગ્રહ,નક્ષત્રો,તારા તેમજ ચતુર્યુગોના પ્રમાણ છે.


ઋગ્વેદ,યજુર્વેદ,સામવેદ અને આત્મ-તત્વનું એમાં નિરૂપણ છે.તેમજ ન્યાય,શિક્ષા,ચિકિત્સા,દાનધર્મ ને પાશુપતધર્મનું એમાં વર્ણન છે.વળી,ભગવાને જે જે અને જયારે જયારે દિવ્ય અને માનુષ અવતારો ધારણ કર્યા છે તેનું વર્ણન છે.એમાં પુણ્યતીર્થ,નદી,પર્વત,વન,સાગર,દિવ્યપુર,યુદ્ધકૌશલ્યો,આવશ્યક વાક્યો અને જાતિઓનું વર્ણન છે.આ બધા ઉપરાંત,જે પરબ્રહ્મ (તત્વ) આ સકળ સંસારમાં વ્યાપીને રહ્યું છે,તેનું આમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે.આ પૃથ્વી પર આ મહાગ્રંથને લખી શકે તેવો કોઈ (લહિયો)લેખક મને જણાતો નથી.(60-70)


બ્રહ્મા બોલ્યા-તમને રહસ્યોનું જ્ઞાન  અને તમે જન્મથી જ સત્ય અને બ્રહ્મ સંબંધી વાણી બોલો છો,

તમે તમારા આ ગ્રંથને 'કાવ્ય' કહ્યું છે તો તે 'કાવ્ય' તરીકે વિશેષ જ રહેશે.

કોઈ પણ કવિ,તમારા આ કાવ્ય કરતાં ચડિયાતું કાવ્ય લખી શકશે નહિ,

તમે ગણેશજીનું સ્મરણ કરો,તે તમારા આ કાવ્યના લહિયા (લખનારા) થશે.(71-73)


સૂતજી બોલ્યા-આમ કહીને બ્રહ્માજી પોતાના લોકમાં ગયા.તે પછી વ્યાસજીએ ગણેશજીનું સ્મરણ કર્યું.

ત્યારે ગણપતિજી ત્યાં પધાર્યા.વ્યાસજીએ તેમને આસન આપ્યું ને તેમનું સ્વાગત કરીને પછી કહ્યું કે-

'હે ગણનાયક,,તે જેમ હું બોલતો જાઉં તેમ આપ લખો'

ગણપતિ બોલ્યા-'જો લખતાં લખતાં મારી કલમને ક્ષણભર પણ અટકવાનું ન આવે તો હું લહિયો થવા તૈયાર છું 

વ્યાસજી બોલ્યા-આપ પણ કશુંયે સમજ્યા વિના ન લખજો.(74-79)


ત્યાર પછી વ્યાસજી,વચ્ચે વચ્ચે,સમજવા અતિ કઠણ પડે તેવા શ્લોકો કહેતા,ત્યારે ગણપતિજીને પોતે સર્વજ્ઞ હોવા છતાં,તેવા શ્લોકોનો અર્થ વિચારવા માટે થોડુંક થોભવું પડતું હતું.તે સમયે વ્યાસજી બીજા અનેક શ્લોકો રચી નાખતા અને બીજાં કોઈ નિત્ય-નિમિત્તિક કર્મો પણ કરી નાખતા.

મહાભારતમાં આવા આઠ હજાર આઠસો શ્લોકો ગૂઢ અર્થવાળા છે.જેનો અર્થ હું (સુતજી) અને શુકદેવજી 

જાણીએ છીએ.આ ગૂઢાર્થ ભરેલા ફૂટ-શ્લોકોની કોઈ વ્યાખ્યા કરી શકે તેમ નથી.(80-83)


જેમાં ધર્મ,અર્થ,કામ અને મોક્ષનું સંક્ષેપમાં અને વિસ્તારથી વર્ણન છે એવા આ મહાભારત-રૂપી-સૂર્યે,

અજ્ઞાન-રૂપી-અંધકારમાં અથડાતા લોકોની આંખ,જ્ઞાન-રૂપી-અંજનની સળીથી તેમની આંખો ઉઘાડીને,

તેમનો અજ્ઞાન-અંધકાર દૂર કર્યો છે.તેમની બુદ્ધિને વિકસિત કરી છે,તેમનું મોહ-રૂપી આવરણ દૂર કર્યું છે.

આ મહાભારત-રૂપી વૃક્ષ,સર્વે મોટા મોટા કવિઓનું આશ્રય-રૂપ છે.


સંગ્રહ-અધ્યાય,એ આ વૃક્ષનું બીજ છે,પૌલોમ અને આસ્તિકપર્વ તેની જડ (મૂળ) છે,

સંભવ-પર્વ તેનો શાખા વિસ્તાર છે,સભાપર્વ અને વનપર્વ,એ તેના ઉપર રહેલા પક્ષીના માળા છે,

અરણી-પર્વ તેનું રૂપ છે,વિરાટ અને ઉદ્યોગપર્વ તેનો સાર છે,ભીષ્મપર્વ તેની મહાશાખા છે,

દ્રોણપર્વ તેનાં પાંખડાં છે,કર્ણપર્વ તેનાં શ્વેત પુષ્પ છે,શલ્યપર્વ તેની સુગંધ છે,

સ્ત્રીપર્વ ને ઐષિકપર્વ તેની વિશ્રામ છાયા છે,શાંતિપર્વ તેનું મહાફળ છે,


અશ્વમેઘ પર્વ તેનો અમૃતરસ છે,આશ્રમવાસિક પર્વ તેનો ચોતરો છે અને 

મૌસલપર્વ મોટીમોટી ડાળોના અગ્રભાગ છે,શિષ્ટ બ્રાહ્મણ-રૂપી-પંખીઓ,આ વૃક્ષનું સેવન કરે છે.

મેઘની જેમ,આ મહાભારત-વૃક્ષ,સર્વને શાંતિ આપશે,અને આ વૃક્ષનાં સ્વાદિષ્ટ તથા પવિત્ર ને નિત્ય એવા ધર્મ-રૂપી-ફૂલ અને ફળોના ઉદયની કથા હવે હું કહીશ,દેવો પણ આ ઉદયનો નાશ કરી શકતા નથી.(84-93)


પૂર્વે,માતા સત્યવતી અને ગંગા-પુત્ર-ભીષ્મની આજ્ઞાથી,કૃષ્ણદ્વૈપાયને (વેદવ્યાસે) વિચિત્રવીર્યની પત્નીઓ(ક્ષેત્ર)માં,

ત્રણ અગ્નિસમાન કૌરવ-પુત્રો (પાંડુ-ધૃતરાષ્ટ્ર-વિદુર) ઉત્પન્ન કર્યા હતા,પછી બુદ્ધિમાન વ્યાસજી તપસ્યા માટે પોતાના આશ્રમે ચાલ્યા ગયા હતા.સમય જતાં,આ પુત્રો વૃદ્ધ થઈને પરલોકવાસી થયા,ત્યારે વેદવ્યાસજીએ 

આ મહાભારત કહ્યું.પોતાના શિષ્ય વૈશંપાયનને તે મહાભારતને,જયારે,જન્મેજયને સંભળાવવાની આજ્ઞા કરી,

ત્યારે વૈશંપાયન મુનિએ,સભાસદો સાથે બેસીને,તેમને આ મહાભારત સંભળાવ્યું.(94-98)


વ્યાસ (દ્વૈપાયન) ઋષિએ,આ મહાભારત ગ્રંથમાં,કુરુવંશનો વિસ્તાર,ગાંધારીની ધર્મશીલતા,વિદુરની પ્રતિજ્ઞા,

કુંતીની ધીરજ,શ્રીકૃષ્ણનું માહાત્મ્ય,પાંડવોની સત્યનિષ્ઠા અને કૌરવોની ધૃષ્ટતા-એ સર્વ વર્ણવ્યું છે.

ઉપાખ્યાનો વિના,વ્યાસજીએ ચોવીસ હજાર શ્લોકોમાં ભારત-સંહિતા (જય) રચી હતી.

પછી વેદવ્યાસજીએ,સંપૂર્ણ પર્વ અને વૃત્તાન્તોનો સંક્ષેપ કરીને,દોઢસો શ્લોકોમાં અનુક્રમણિકા અધ્યાય રચ્યો.

ને આ ગ્રંથ,સૌ પ્રથમ પોતાના પુત્ર શુકદેવજીને ભણાવ્યો.ને પછી યોગ્ય શિષ્યોને શીખવ્યો.


એ પછી,તેમણે સાઠ લાખ શ્લોકોની એક બીજી સંહિતા રચી.

તેના ત્રીસ લાખ શ્લોકો દેવલોકમાં,પંદર લાખ શ્લોકો પિતૃલોકમાં,ચૌદ લાખ શ્લોકો ગાંધર્વલોકમાં,

અને એક લાખ શ્લોકો મૃત્યુલોકમાં રહ્યા.વ્યાસજીના શિષ્ય,વૈશંપાયને આ (મૃત્યુ)લોકમાં,

જન્મેજયના સર્પ-સત્રને પ્રસંગે એક લાખ શ્લોકવાળી આ મહાભારત-સંહિતાનું કીર્તન કર્યું હતું,

તેનું હું (સૂતજી) વર્ણન કરું છું,તે તમે સર્વ સાંભળો.(99-109)