Nov 18, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-019

 

અધ્યાય-૧૦-રુરુ અને ડુંડુંભનો સંવાદ 


II रुरु उवाच II मम प्राणसमा भार्या दष्टासिद्मुजगेन ह I तत्र भे समयो घोर आत्मनोरग वै कृतः II १ II

રુરુ બોલ્યો-મારી પ્રાણસમી પત્નીને એક સર્પ કરડ્યો હતો,ત્યારથી મેં એક ભયંકર નિયમ લીધો છે કે-

મારા જોવામાં,જે કોઈ સર્પ આવે તેને હું મારી નાખું છું,એટલે આજે હું પણ તને મારીશ.


ડુંડુંભ બોલ્યો-હે તપોધન,માણસોને જે ડસે છે તે સર્પો જુદા છે,માત્ર સાપના આકાર જેવા (ડેંડવા) અમોને,

મારવા તમોને ઘટતા નથી,અમે સર્પોની જાતિના છીએ,તેથી જ તેમની જેમ,અમે હાનિ પામીએ છીએ,

દુઃખ પામીએ છીએ પણ તેમની જેમ સુખ પામતા નથી,તમે અમને મારવા જોઈએ નહિ 

સૂતજી કહે છે કે-સર્પનાં એવાં વચન સાંભળીને રુરુએ તેને માર્યો નહિ,અને તે સર્પને સાંત્વન આપતાં.

રુરુ બોલ્યો કે-સર્પ દેહને પામેલો તું કોણ છે? તે તારી ઈચ્છા હોય તો તું કહે.

ડુંડુંભ બોલ્યો-પૂર્વે હું સહસ્ત્રપાત નામે ઋષિ હતો,પણ બ્રાહ્મણના શાપથી આ અવતાર પામ્યો છું,

રુરુ બોલ્યો-બ્રાહ્મણે શા માટે શાપ આપ્યો હતો? કેટલા સમય સુધી તારું આ શરીર રહેશે?

અધ્યાય-10-સમાપ્ત 


અધ્યાય-૧૧-ડુંડુંભની શાપ મુક્તિ 


II डुण्डुभ उवाच II सखा वभूव मे पूर्व खगमो नाम व द्विजः I भृशं संशितवाक तात तपोबलसमन्वितः II १ II

ડુંડુંભ બોલ્યો-પૂર્વે ખગમ નામે,મારો બ્રાહ્મણ મિત્ર હતો.બાળપણમાં,મેં રમત રમતમાં,તણખલાનો એક સર્પ બનાવ્યો,ને અગ્નિહોત્રમાં આસક્ત એવા તે બ્રાહ્મણ મિત્રને મેં બિવરાવ્યો,કે ડરથી તે મૂર્છા પામ્યો,જયારે 

તે ભાનમાં આવ્યો,ત્યારે તેને ક્રોધિત થઈને મને શાપ આપ્યો કે-'તું સર્પ થઈશ' ત્યારે હું ઉદ્વેગ પામ્યો,ને ગભરાઈને તેને કહ્યું-તને મિત્ર માનીને વિનોદ અર્થે જ આમ કર્યું હતું,મને ક્ષમા આપવાને તું યોગ્ય છે,માટે તું શાપ પાછો વાળ.


ત્યારે તે બ્રાહ્મણે કહ્યું કે-મારુ કહેલું મિથ્યા તો થશે નહિ,પણ ભવિષ્યમાં પ્રમતિને રુરુ નામનો પવિત્ર પુત્ર થશે,તેને જોઈને તત્કાળ તારી મુક્તિ થશે.હે તપોધન,આપ જ તે રુરુ છો,એટલે મારું  મૂળરૂપ પામીને હું,તમને હિત વચન કહીશ.ત્યારે તેણે,ડુંડુંભનું રૂપ ત્યજીને પોતાનું અતિ તેજસ્વી રૂપ ધારણ કર્યું ને રુરુને આ વચન કહ્યાં.

'હે તપોધન,અહિંસા એ પરમ ધર્મ છે,તેથી,બ્રાહ્મણે ક્યારેય કોઈ પ્રાણીની હિંસા કરવી જોઈએ નહિ,

દંડને ધારણ કરવો,ઉગ્રતા રાખવી ને પ્રજનું રક્ષણ કરવું એ ક્ષત્રિયનાં કર્મ છે,માટે એ કર્મો આપને (આપ બ્રાહ્મણ હોવાથી) માટે ઇચ્છવા યોગ્ય નથી જ.હે દ્વિજવર,પૂર્વે જન્મેજયના એક સર્પયજ્ઞમાં સર્પોની હિંસા થઇ હતી,ત્યારે તે સર્પસત્રમાં બ્રાહ્મણોમાં મુખ્ય એવા,આસ્તીક નામના બ્રાહ્મણે જ ભય પામેલા સર્પોનું રક્ષણ કર્યું હતું.(1-19)

અધ્યાય-11-સમાપ્ત 


અધ્યાય-૧૨-સર્પસત્રની પ્રસ્તાવના 


II रुरुउवाच II  कथं हिसितवान सर्पान् स राज जनमेजयः I सर्पा वा हिंसितास्तत्र किमर्तः द्विजसत्तम् II १ II

રુરુ બોલ્યો-હે દ્વિજશ્રેષ્ઠ,તે જન્મેજય રાજાએ શા કારણે અને શી રીતે સર્પોને માર્યા હતા?

અને તે બુદ્ધિમાન આસ્તીકે તે સર્પોને શા માટે છોડાવ્યા હતા?તે હું સાંભળવા ઈચ્છું છું 

ઋષિ બોલ્યા-હે રુરુ,આસ્તીકનું ચરિત્ર તમે,ચરિત્ર કથા કહેતા બ્રાહ્મણો પાસેથી સાંભળજો,

એમ કહીને તે અંતર્ધાન થયા,ત્યારે રુરુએ તેમને શોધવા માંડ્યા,તે મળ્યા નહિ,પણ છેવટે તે,થાકીને 

જમીન પર પડી ગયો,તેને મૂર્છા આવી.જયારે તેને ભાન આવ્યું ત્યારે તે આશ્રમે પાછો આવ્યો અને 

તેણે પિતાને સર્વ વૃતાન્ત કહ્યો,એટલે પિતાએ આસ્તીકનું સર્વ આખ્યાન એને સંભળાવ્યું.(1-6)

અધ્યાય-12-સમાપ્ત 


INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE