Nov 19, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-020


આસ્તીક પર્વ

અધ્યાય-૧૩-જરુત્કારૂનો પિતૃઓ સાથે સંવાદ 

(અધ્યાય-1 માં જણાવ્યા મુજબ કેટલાક અહીં (આસ્તીક પર્વ) થી મહાભારતની કથાનો પ્રારંભ કરે છે)

II शौनक उवाच II किमर्तः राजशार्दुलः स राज जनमेजयः I सर्पसत्रेण सर्पाणां गतोSतं तद्वदस्य मे II १ II

શૌનક બોલ્યા-રાજાઓમાં સિંહ સમાન,તે જન્મેજય રાજાએ,શા કારણથી સર્પસત્રથી સર્પોનો અંત આણ્યો?

વળી,દ્વિજવાર આસ્તીકે,શા માટે સર્પોને અગ્નિમાંથી છોડાવ્યા હતા? આસ્તીક હે જન્મેજયના વિષે કહો,

કે તેઓ કોના પુત્ર હતા? આસ્તીકની મનોરમ કથા હું સાંભળવા ઈચ્છું છું.

સુતજી બોલ્યા-નૈમિષારણ્યમાં રહેલા બ્રાહ્મણોને,વ્યાસજીએ કહેલો આ ઇતિહાસ હવે હું કહીશ.

આસ્તીકના પિતાનું નામ જરુત્કારુ હતું,કે જે ઉર્ધ્વરેતા,તપસ્વી,ધર્મવેત્તા અને યાયાવરોમાં શ્રેષ્ઠ હતા.

(નોંધ-એક ગામમાં એક રાત્રિ જ નિવાસ કરનાર ગૃહસ્થ બ્રાહ્મણો 'યાયાવર' કહેવાય છે,જેમનાથી પક્ષહોમ-સંપ્રદાય પ્રવર્ત્યો હતો)

તપોબળથી સંપન્ન,તે મુનિ પૃથ્વીની પરિક્રમાએ નીકળ્યા હતા,ત્યારે તેમણે પોતાના પિતામહોને,મોટા ખાડામાં,

ઊંચે પગ અને નીચે માથું-એમ લટકી રહેલા જોયા,ત્યારે તેણે તેમને પૂછ્યું -તમે કોણ છો? (1-17)


પિતૃઓ બોલ્યા-અમે યાયાવર વ્રતી ઋષિઓ છીએ.સંતાનનો ક્ષય થવાથી અમે નીચે પૃથ્વી તરફ જઈ રહ્યા છીએ,

અમારે સંતતિમાં જરુત્કારુ નામે એક પુત્ર છે,પણ અમારા કમભાગ્યે,તે મંદબુદ્ધિ,માત્ર તપમાં ચોંટી રહ્યો છે,તે મૂર્ખ,પુત્રોત્પત્તિ માટે પત્નીને ઈચ્છતો નથી,ને આમ સંતાનના ક્ષયને કારણે,અમે અહીં ખાડામાં લટકી રહ્યા છીએ.

એ જરુત્કારુ,અમારા કુળનો નાથ છે,છતાં,અમે પાપીઓની જેમ અનાથ થઇ ગયા છીએ,

અમારી ચિંતા કરનારા તમે કોણ છો? ને અમારો શોક શા માટે કરો છો?


જરુત્કારુ બોલ્યા-હું પોતે જ જરુત્કારુ છું,ને આપ મારા જ પિતૃઓ છો,બોલો,હું તમારા માટે શું કરું?

પિતૃઓ બોલ્યા-આપણા કુળને માટે,તારા માટે,અમારા માટે ને ધર્મ માટે તું સંતાન માટેની પ્રવૃત્તિ કર,

જે ગતિ,પુત્રવાળા પામે છે,તે ગતિ તપવાળાઓ પામતા નથી,માટે અમારી આજ્ઞા છે.તું સંતતિ પેદા કર.


જરુત્કારુ બોલ્યા-જીવનના માટે હું પત્ની કે ધનસંગ્રહ કરતો નથી,પણ તમારા હિતાર્થે હું પરણીશ,

પણ,મારી એક શરત છે કે-કે જે કન્યા,મારા (જેવા)નામની જ  હોય,અને જેને એના બંધુઓ મને ભિક્ષાની જેમ આપે,તો જ હું તે કન્યાને વિધિપૂર્વક પરણીશ,હે પિતામહો,આ શરતથી જ હું લગ્ન કરવા પ્રયત્ન કરીશ,

બીજી કોઈ રીતે નહિ,ને એ લગ્નથી તમને તારનારો પુત્ર થશે ,તેથી તમે શાશ્વત સ્થાન પામી પ્રસન્ન થજો (18-32)

અધ્યાય-13-સમાપ્ત 


અધ્યાય-૧૪-વાસુકિની બહેન સાથે જરુત્કારુનાં લગ્ન 


II सौतिरुवाच II ततो निवेशाय तदा स विप्रः संशितव्रतः I महीं चचार दारार्थी न च दारानविंदत  II १ II

સૂતજી બોલ્યા-પછી,તે ઉત્તમવ્રતી બ્રાહ્મણ,લગ્નને માટે પૃથ્વી પર ફરતો હતો,પણ તેન કોઈ કન્યા મળી નહિ,

પિતૃઓના વચન અને પોતાની શરતને સંભાળતો,તે એક વખત વનમાં જઈ ચડ્યો,ને ત્યાં તેણે,

ધીરે ધીરે,ત્રણવાર 'મને કન્યારુપી ભિક્ષા આપો' એવી ટહેલ નાખી.ત્યારે વાસુકિ પોતાની બહેનને લઇ તેની 

પાસે આવ્યો અને તેને તે બ્રાહ્મણની આગળ ધરી.પરંતુ તે પોતાના નામે નામ છે કે નહિ,તેની તપાસ કરવા,

તે જરુત્કારુએ વાસુકિને પૂછ્યું-'હે ભુજંગમ,તારી આ બહેનનું શું નામ છે? તે સાચું કહે'


વાસુકિ બોલ્યો-હે જરુત્કારુ,આ મારી નાની બહેનનું નામ પણ 'જરુત્કારુ' જ છે,તમને આપવાની ઈચ્છાથી જ,

મેં આને પ્રથમથી જ સાચવી રાખી છે,એટલે મારી અર્પેલી આ કન્યાને આપ સ્વીકારો.

ત્યારે તે ઋષિએ તેને શાસ્ત્રોક્ત વિધિથી સ્વીકારી (1-7)

અધ્યાય-14-સમાપ્ત 


INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE