Nov 20, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-021

અધ્યાય-૧૫-સર્પોને,માતાએ આપેલ શાપ 


II सौतिरुवाच II मात्रा हि भुजगाः शप्ताः पूर्व ब्रह्मविदांवर I जनमेजयस्य वो यज्ञे धक्षत्यनिलसारथिः  II १ II

સૂતજી બોલ્યા-પૂર્વે,સર્પોને તેમની માતાએ શાપ આપ્યો હતો કે-'જન્મેજયના યજ્ઞમાં અગ્નિ તમને બાળી નાખશે'

કે જે શાપની શાંતિ માટે જ વાસુકિએ પોતાની બહેન જરુત્કારુને આપી હતી.તે જરુત્કારુ ઋષિએ,તેને વિધિપૂર્વક સ્વીકારી હતી,કે જે બંનેથી,તેમને આસ્તીક નામે પુત્ર થયો હતો.તે તપસ્વી,મહાત્મા,વેદમાં પારંગત,

સર્વ લોકને સમદ્રષ્ટિ રાખનારો અને માતપિતાનાં બંને કુળોના ભયને દૂર કરનારો હતો.

એક સમયે,પાંડુવંશી જન્મેજય રાજાએ મહાન સર્પયજ્ઞ માંડ્યો હતો.સર્પોના વિનાશ માટે આદરવામાં આવેલા,

તે સત્રમાં,આ મહાન તપસ્વી આસ્તીકે,તે નાગોને છોડાવ્યા હતા,આમ,તે આસ્તીકે,ભાઈઓ,મામાઓ અને 

બીજા સંબંધીઓનું રક્ષણ કર્યું હતું,વળી,પોતાના તપથી ને સંતાનોથી પિતૃઓને તાર્યા હતા.

વિવિધ વ્રતો,યજ્ઞો અને સ્વાધ્યાયો કરીને તે ઋણમુક્ત થયો હતો,ને પિતૃઓ તથા દેવોને તૃપ્ત કર્યા હતા.

જરાત્કારુ,પણ આમ પિતૃઓનો મહાભાર ઉતારીને,પોતે પિતામહો સાથે સ્વર્ગમાં ગયા.

હે શૌનક,આ આસ્તીક-આખ્યાન મેં તમને યથાવત કહ્યું,હવે બીજું શું કહું? (1-11)

અધ્યાય-25-સમાપ્ત 


અધ્યાય-૧૬-સર્પો-આદિની ઉત્પત્તિ 


II शौनक उवाच II सौते त्वं कथयेस्वेमां विस्तरेण कथां पुनः I आस्तीकस्य कवेः साधोः शुश्रूषा परमा हि नः II १ II

શૌનક બોલ્યા-હે સૂતજી,આ કવિ અને સાધુ એવા,આસ્તીકની કથા,ફરીથી વિસ્તારપૂર્વક અમને કહો,

ઉત્તમ પદવાળી,આ કથા તમારી મધુરવાણીથી સાંભળી અમે ઘણા પ્રસન્ન થયા છીએ,તમે તમારા પિતાની 

જેમ જ આ કથાનું વર્ણન કરો છો,તમારા પિતાએ આ આખ્યાન જેવી રીતે કહ્યું હોય તે રીતે તમે કહો.


સૂતજી બોલ્યા-પૂર્વે,સત્યયુગમાં,દક્ષ પ્રજાપતિને કદ્રૂ અને વિનતા નામે બે પુત્રીઓ હતી કે જે કશ્યપને પરણાવી હતી.કશ્યપ પોતાની પત્નીઓથી આનંદ પામ્યા ત્યારે તેમણે તે બંનેને વરદાન માંગવા કહ્યું.

ત્યારે કદ્રૂએ,એકસરખા તેજવાળા હજાર નાગોને પુત્ર-રૂપે માગ્યા,તો વિનતાએ,કદ્રૂના પુત્રો કરતાંયે અધિક 

બળ,તેજ,રૂપ અને પરાક્રમવાળા બે પુત્રો માગ્યા.કશ્યપે તે બંનેને વરદાન આપ્યું કે-'ભલે તેમ હો'

પછી,સમય થાયે,બંને ગર્ભવતી થઇ,ત્યારે,તપસ્વી કશ્યપ 'આ ગર્ભોને સાચવજો' કહી વનમાં ગયા (1-12)


લાંબે ગાળે,કદ્રૂએ એક હજાર ઈંડાંને અને વિનતાએ બે ઈંડાંને જન્મ આપ્યો.આ ઈંડાંને પાંચસો વર્ષો સુધી હૂંફાળા પાત્રોમાં સેવવામાં આવ્યાં.તે પછી,કદ્રૂના પુત્રો બહાર આવ્યા,પણ વિનતાના પુત્રો બહાર આવ્યા નહિ,

શોક્યની સંતતિથી ઈર્ષા પામેલી,વિનતાએ એક ઈંડુ ભાગી નાખ્યું,તો તેમાં તેણે એક પુત્ર જોયો,પણ તે 

અર્ધા શરીરે અપરિપક્વ હતો.ક્રોધથી ઉછાળી ઉઠીને,તે પુત્રે વિનતાને શાપ આપ્યો કે-

'હે મા,લોભ ને ઈર્ષાથી પ્રેરાઈને મને,આવો અપરિપક્વ અવયવવાળો કર્યો છે,માટે,તું જેની સાથે સ્પર્ધા કરે છે,

તે કદ્રૂની પાંચસો વર્ષ સુધી દાસી થઈને રહીશ,હવે જો તું આ બીજું ઈંડુ પરિપક્વ થવાની રાહ જોઇશ તો તા રો એ પુત્ર તને દાસીપણાથી છોડાવશે.માટે તારે આ ઈંડું પરિપક્વ થવાની રાહ જોવી'


આ પ્રમાણે શાપ આપીને તે પુત્ર આકાશમાં ઉડી ગયો,કે જે પ્રભાતે અરુણ-રૂપે દેખાય છે.ને તે આદિત્ય (સૂર્ય)ના રથનું સારથીપણું કરે છે.પછી,યોગ્ય સમયે,તે બીજા ઇંડામાંથી સર્પ-ભક્ષી-ગરુડનો જન્મ થયો.

તે વિહંગરાજ,માટે વિધાતાએ જે (સર્પનું)ભોજન નિર્માણ કર્યું છે,તે મેળવવાની ઇચ્છાએ,

તે (ભૂખ્યો ગરુડ) જન્મતાંની સાથે જ માતાને છોડીને આકાશમાં ઉડ્યો (13-25)

અધ્યાય-16-સમાપ્ત 

 INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE