Nov 21, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-022

 

અધ્યાય-૧૭-અમૃત માટે સમુદ્ર-મંથનનો નિશ્ચય 


II सौतिरुवाच II एतास्मिन्नेव काले तु भगिन्यौ ते तपोधन I अपश्यतां समायाते उच्चैःश्रवसमंतिकात्  II १ II

સૂતજી બોલ્યા-તે વખતે,બંને બહેનોએ (કદ્રૂ અને વિનતાએ) પોતાની પાસે ઉચ્ચૈશ્રવા નામના ઘોડાને પોતાની પાસે જોયો.કે જે ઘોડો,અમૃતને માટે સમુદ્રમંથન કરતી વખતે ઉપજ્યો (નીકળ્યો) હતો.આ ઘોડો,અશ્વોમાં રત્નરૂપ હતો,

અનુપમ,બળવાળો,શ્રેષ્ઠ,અજર અને દિવ્ય એવા આ ઘોડાને સર્વ દેવગણો પણ સત્કારતા હતા.

શૌનક બોલ્યા-દેવોએ ક્યાં અને કેવી રીતે અમૃત મથ્યું હતું? કે જેમાંથી ઉચ્ચૈશ્રવાએ જન્મ ધારણ કર્યો?

સૂતજી બોલ્યા-તેજના ઢગલા જેવો,પ્રજ્વલિત મેરુ નામે એક પર્વત છે,પોતાનાં સુવર્ણ જેવાં ઊજળાં શિખરો વડે 

તે સૂર્યની પ્રતિભાને પણ ઝાંખી પાડે છે.તે પર્વતને દેવો ને ગંધર્વો સેવી રહ્યા છે.અધર્મીઓ માટે તે દુર્ગમ છે.

દિવ્ય ઔષધિઓથી ભરેલ તે મેરુ પર્વત પોતાની ઊંચાઈને લીધે જાણે સ્વર્ગને ઢાંકીને ઉભો છે.બીજાઓને મનથી પણ અગમ્ય એવો આ મેરુ પર્વત,રત્નો,નદી અને વૃક્ષોથી ભરેલ છે,ને તેમાં પંખીઓ નાદ કરે છે.


 તેના ટોચ પર એક વખત દેવો,અને સ્વર્ગનિવાસીઓ ભેગા મળ્યા ને અમૃતના માટે મંત્રણા કરવા લાગ્યા,

ત્યારે નારાયણદેવે બ્રહ્માજીને કહ્યું કે-દેવો અને અસુરો મળીને,સમુદ્રનું મંથન કરો,સર્વ ઔષધિઓ અને સર્વ રત્નો  

આ મહાસમુદ્રમાં નાખીને,તે મહાસાગરને વલોવવામાં આવશે,ત્યારે તેમાંથી તમને અમૃત પ્રાપ્ત થશે.

અધ્યાય-17-સમાપ્ત 


અધ્યાય-૧૮-સમુદ્રમંથન અને રત્નોની ઉત્પત્તિ 


II सौतिरुवाच II ततोSभ्रशिखराकारैर्गिरिशृगैरलंकृतम I मन्दरं पर्वतपरं लताजालसमाकुलम्  II १ II

સૂતજી બોલ્યા-પછી,આભનાં જેવાં પર્વતશિખરોથી શોભી રહેલા,લતાજાળોથી ભરેલા,વિવિધ પક્ષીઓના શબ્દવાળા,અનેક પ્રાણીઓથી ભરેલા,કિન્નરો,અપ્સરાઓ અને દેવોથી સેવાયેલા તથા અગિયાર યોજન જેટલા ઊંચા અને તેટલા જ યોજન સુધી નીચે પૃથ્વીમાં ઊંડા ઉભેલા,એ મંદારાચલને ઊંચકવા માટે,સર્વે દેવો અશક્ત થયા,એટલે તેઓ જ્યાં બ્રહ્મા અને વિષ્ણુ બેઠેલા હતા ત્યાં ગયા અને તેમને કહેવા લાગ્યા કે-

'આપ બંને,શ્રેય કરનારી બુદ્ધિનો પ્રયોગ કરી,અમારા હિત માટે,આ મંદારાચલને ઊંચકવા પ્રયત્ન કરો'


પછી,વિષ્ણુએ નાગરાજ શેષને આજ્ઞા આપી,ત્યારે શેષજી એ કાર્ય માટે તત્પર થયા,ને તે મંદારાચલને તેમણે ખેંચી નાખ્યો,ને દેવો સાથે તે સમુદ્ર પર આવ્યા,ને દેવોએ સમુદ્રને કહ્યું કે-અમૃતના માટે અમે તારાં જળ વલોવીશું'

ત્યારે સમુદ્રે કહ્યું કે-એમાં મને પણ ભાગ મળવો જોઈએ,કેમ કે પર્વતના ભ્રમણથી મારે ભારે ક્લેશ સહેવો પડશે'

તે પછી,દેવોએ સમુદ્રની નજીક રહેલા કૂર્મરાજ(કાચબા)ને કહ્યું કે-આ પર્વતની નીચે તમે બેસણી-રૂપ થાઓ.

કચછપે 'ભલે' કહીને પોતાની પીઠ આપી કે જેના પર મંદારાચલને સ્થિર કરવામાં આવ્યો.


આમ,મંદરાચલને રવૈયું (રવૈ કે મંથન દંડ) કરીને,અને વાસુકી સર્પને નેતરું (દોરડું) કરીને દેવોએ ને દાનવોએ,

સાગરને મંથવા માંડ્યો.મહાન અસુરો,નાગરાજ વાસુકિનું મોં પકડીને,તે બાજુ ઉભા હતા,

તો દેવો તેની જ્યાં પૂંછડી હતી તે તરફ ઉભા હતા.વાસુકિ નાગના મોંમાંથી,નીકળતા વાયુઓથી,

મેઘ-મંડળો થયાં અને તે શ્રમિત થતા સર્વ પાર મેઘ વર્ષાવી રહ્યા,


મહાપર્વતના ઘર્ષણથી અનેક પ્રાણીઓ,જળચળો મરણને શરણ થયાં,મોટાં વૃક્ષો ઉખડી પડ્યાં,વૃક્ષોના ગુંદરો અને અનેક ઔષધિ-રસો નીકળીને સમુદ્રમાં વહેવા લાગ્યા.તે રસો અને પર્વતના રત્નોથી તે પાણી દૂધ બન્યું,

તે દૂધમાંથી ઘી થયું,પણ હજુ અમૃત બનતું નહોતું,દેવો થાક્યા,એટલે તેમણે,નારાયણદેવને બળ (શક્તિ)

આપવા માટે પ્રાર્થના કરી એટલે નારાયણદેવે તે સર્વને શક્તિ આપી,(1-33)


દેવો-દાનવો,પુરી શક્તિથી,ફરીથી સમુદ્રને વલોવવા લાગ્યા,ત્યારે સહુ પ્રથમ ચંદ્રમા ઉત્પન્ન થયો,

પછી,શ્વેત વસ્ત્રધારી લક્ષ્મીજી નીકળ્યાં,ત્યાર બાદ,સુરાદેવી (મદિરા)તથા સફેદ ઘોડો (ઉચ્ચૈશ્રવા) નીકળ્યો.

કે જે દેવો પાસે ગયા,પછી તે જળમાંથી કૌસ્તુભમણિ નીકળ્યો,કે જે નારાયણના હૃદયસ્થાનમાં રહ્યો.

ત્યાર બાદ,અમૃતભર્યું શ્વેત કમંડલું ધારણ કરીને ધન્વંતરી પ્રગટ થયા,કે જેમને જોઈને,

દાનવોએ 'એ અમને આપો-અમને આપો' કહીને બુમરાણ મચાવ્યું.


પછી,ઐરાવત હાથી નીકળ્યો,જેને ઇન્દ્રે લીધો.પછી,કાલકૂટ વિષ નીકળ્યું,કે જેને બ્રહ્માજીના કહેવાથી,

લોકરક્ષા અર્થે શિવજીએ તેનું પાન કર્યું,ને કંઠમાં ધારણ કર્યું,કે જેથી તે નીલકંઠ કહેવાયા.

આ બધું વહેંચાતું જોઈને દાનવો નિરાશ થયા,અને અમૃત તથા લક્ષ્મી માટે ઝગડવા લાગ્યા.

ત્યારે નારાયણે,મોહિની માયા ધારણ કરીને સ્ત્રીનું આશ્ચર્યકારક રૂપ લીધું ને દાનવો પાસે આવી ઉભા,

અત્યંત સુંદર સ્ત્રીથી આસક્ત થયેલા તે દાનવોએ તે મોહિનીને અમૃતપાત્ર આપી દીધું.

અધ્યાય-18-સમાપ્ત 


INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE