Nov 22, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-023

 

અધ્યાય-૧૯-અમૃત માટે યુદ્ધ અને દૈત્યોનો પરાજય 


II सौतिरुवाच II अथावरणमुख्यानि नाना प्रहरणानि च I प्रगृह्याम्यद्रवन्देवान सहित दैत्यदानवाः II १ II

સૂતજી બોલ્યા-હવે,ઉત્તમ હથિયારો ને બખ્તરો સજીને,દૈત્યો અને દાનવો એકસાથે દેવોના તરફ ધસ્યા.

મોહિની સ્વરૂપે,ભગવાન નારાયણ દેવોને અમૃત પીવડાવી રહ્યા હતા,ત્યારે રાહુ નામનો દાનવ,દેવનું રૂપ લઈને અમૃતના ઘૂંટડા ભરી ગયો,એ અમૃત,તે દાનવના ગળા સુધી ગયું,ત્યારે દેવોનું હિત કરવાની ઈચ્છાથી,

ચંદ્ર અને સૂર્યે તે વાત,નારાયણને કહી,એટલે નારાયણે,તેનું માથું,તેજસ્વી ચક્રથી ઉડાવી દીધું,

ત્યારથી તે રાહુ-મુખે ચંદ્ર અને સૂર્ય સાથે વેર બાંધ્યું અને આજે પણ તે,તે બંનેનું ગ્રહણ કર્યા કરે છે (1-9)

દાનવોને અમૃત ન મળવાથી,તેઓ રોષે ભરાયા અને દાનવો (અસુરો) અને દેવો(સૂરો) વચ્ચે પ્રચંડ યુદ્ધ થયું.

ત્યારે ભગવાન હરિએ પોતાનું અનુપમ સ્ત્રી-રૂપ છોડી દીધું ને જાતજાતના અસ્ત્રોથી દાનવોને કંપાવવા લાગ્યા.

ભાતભાતનાં અસ્ત્રોથી,એકબીજાને મારી રહેલા હજારો દેવ અને દાનવ-યોદ્ધાઓનો વિનાશ થયો,

'મારો-કાપો-દોડો-પાડો' એવા મહાભયંકર અવાજો ચારે તરફ સાંભળતા હતા.(10-18)


આમ,આ મહાભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું,ત્યારે નર અને નારાયણ દેવો યુદ્ધભૂમિમાં આવ્યા,

નરના હાથમાં દિવ્ય ધનુષ્ય હતું ભગવાન નારાયણ (વિષ્ણુ)એ સુદર્શન ચક્ર ધારણ કર્યું.

કાલાગ્નિ સમાન તે તેજસ્વી ચક્રે હજારો દૈત્યોનો વિનાશ કર્યો,ભગવાન નરે,પોતાના દિવ્ય બાણથી,

અનેક બાણ છોડીને,ગગનને ઢાંકી દીધું ને તે બાણોએ પણ અસંખ્ય દાનવોનો વિનાશ કર્યો.

નાર-નારાયણના આ દિવ્ય બાણો અને સુદર્શન ચક્રના કોપથી પીડાઈને,અસુરો પૃથ્વીમાં ને સાગરમાં પેસી ગયા,

આમ દેવોએ આ યુદ્ધમાં વિજય મેળવ્યો,પછી તેઓએ મંદારાચલનો સુસત્કાર કરીને તેના સ્થાનમાં મૂકી આવ્યા.

દેવો,સહુ સહુના સ્થાનમાં પાછા ગયા,અને ઇન્દ્રને તે અમૃતનું પાત્ર સાચવવા સોંપ્યું (19-31)

અધ્યાય-19-સમાપ્ત 


અધ્યાય-૨૦-સર્પોને શાપ 


II सौतिरुवाच II एतत्ते कथितं सर्वममृतं मथितं तथा I यत्र सोSश्व: समुत्पन्नः श्रीमानतुलविक्रमः II १ II

સૂતજી બોલ્યા-આમ,મેં તમને,અમૃત માટે કેવી રીતે સમુદ્રમંથન થાય અને 

તેમાંથી,અતુલ-પરાક્રમીઅને કાંતિમાન અશ્વ (ઉચ્ચૈશ્રવા) કેવી રીતે ઉત્પન્ન થયો? તે વિષે કહ્યું.


એકવાર,આ ઘોડાને જોઈને,કદ્રૂએ,વિનતાને પૂછ્યું-'આ ઉચ્ચૈશ્રવા કેવા રંગનો છે? તે તું કહે'

વિનતાએ કહ્યું-'આ સાવ તો સફેદ જ છે,પણ તું શું માને છે? તેનો રંગ કયો છે?આપણે શરત મારીએ'

કદ્રૂ બોલી-'હું તો આ ઘોડાને કાળા વાળવાળો માનું છું,ચાલ,આ વિષે મારી સાથે શરત માર,

જે હારે તે જીતનારની દાસી થાય' આમ આ બંનેએ પરસ્પર દાસી થવાનો દાવ લગાવ્યો.

અને 'કાલે જોઈશું' એમ ઠરાવીને તે પોતપોતાને ઘેર ગઈ.


પછી,કપટ કરવા ઇચ્છતી,કદ્રૂએ,પોતાના હજાર પુત્રોને આજ્ઞાઆપી કે-'તમે કાજળ જેવા વાળરૂપ થઈને 

ઘોડાને લપટાઈ જાઓ,એટલે મારે દાસી થવું પડે નહિ' જે પુત્રોએ (સર્પોએ) આ વચન સ્વીકાર્યું નહિ,તેમને,

કદ્રૂએ શાપ આપ્યો કે-'જયારે,પાંડુવંશી જન્મેજયનો સર્પસત્ર ચાલશે ત્યારે અગ્નિ તમને બાળી મુકશે'


કદ્રૂએ આપેલ આ શાપ પિતામહે (બ્રહ્માએ) સાંભળ્યો,સર્પોની અતિશય વૃદ્ધિ થતી જોઈને,પ્રજાના હિતની ઈચ્છાથી,તેમણે આ શાપને અનુમોદન આપ્યું,ને બોલ્યા-'આ શાપ ભારે વિષવાળા અને ડંખીલા છે ને 

પારકાને પીડા કરે છે એટલે પ્રજાના હિતને માટે માટે તેમને જે શાપ આપ્યો છે તે યોગ્ય જ છે'

પછી,(કદ્રુ અને વિનતા) ના પતિ,ઋષિ કશ્યપને બોલાવી,બ્રહ્માએ તેમને કહ્યું કે-

'હે પરંતપ,તમારાથી જે આ ભયંકર ને મોટા સર્પો થયા છે તેમને તેમની માતાએ શાપ આપ્યો છે,

એટલે આ વિષે તમારે ક્રોધ કરવો નહિ,કેમ કે યજ્ઞમાં પુરાતન કાળથી આ રીતે સર્પોનો વિનાશ થાય જ છે'

આમ કહીને,બ્રહ્માએ,કશ્યપને સાંત્વન આપ્યું ને વિષના નિવારણની વિદ્યા આપી (1-16)

અધ્યાય-20-સમાપ્ત 


અધ્યાય-૨૧-કદ્રૂ અને વિનતાએ જોયેલો મહાસાગર 


II सौतिरुवाच II ततो रजन्यां वयुष्टायां प्रभातेSम्युदिते रवौ I कद्रुश्च विनता भगिन्यौ ते तपोधन II १ II

સૂતજી બોલ્યા-હે તપોધન,તે રાત વીતી,અને પ્રભાતે સૂર્ય ઉગ્યો,એટલે દાસીપણાની શરત કરી ચુકેલી,

તે કદ્રૂ અને વિનતા,એ બે બહેનો,આવેશ અને ઉતાવળ સાથે,ઉચ્ચૈશ્રવા ઘોડાને જોવા માટે ગઈ.

ત્યાં તે બંનેએ અગાધ જળવાળો,ઉછાળા મારી રહેલ અને મહાગર્જના કરતો મહાસાગર જોયો.


તે મહાસાગર,અગણિત જળચરોથી ભરપૂર હતો,રત્નોની ખાણ હતો,વરુણ અને નાગોનું નિવાસસ્થાન હતો,

સરિતાનો તે સ્વામી હતો.ચંદ્રના વધવા-ઘટવાથી,ભરતી-ઓટ થવાને લીધે તે મોજાંઓથી વ્યાકુળ હતો,

પાંચજન્ય શંખને જન્મ આપનારો હતો,બ્રહ્મર્ષિ અત્રિ,સો વર્ષે પણ તેનું,તળિયું પામી શક્યા નહોતા.

આવા પાતાળ-રૂપી-તળિયાવાળો તે મહાસાગર,યોગનિંદ્રા સેવતા વિષ્ણુનું શયનસ્થાન હતો,

વજ્રના પડવાથી,ત્રાસ પામેલા મૈનાક પર્વતને તે અભય દેનારો હતો,યુદ્ધમાં પીડા પામેલા અસુરોનું તે 

શરણસ્થાન હતો,ભડભડતા વડવાગ્નિના મુખને તે જળ-રૂપી-હવિ આપતો હતો,અનેક મહા-નદીઓ,જાણે,

સ્પર્ધા કરતી હોય,તેમ સતત તેનું અભિસરણ કરતી હતી.આવો,ભર્યોભરપૂર રહેતો,તરંગો વડે નૃત્ય કરતો,જળચરોના  રૌદ્ર શબ્દે ગર્જતો મહાસાગર તે બંને બહેનોએ જોયો (1-18)

અધ્યાય-21-સમાપ્ત 


INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE